વિઘ્નહર્તાનાં આગમન ટાણે શહેરમાં મેઘરાજાની સવારી પણ આવશે

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકો આતુરતાભેર મેઘરાજાની રાહ જોઇ રહ્યા છે. પરંતુ પવિત્ર શ્રાવણ માસમાં મેહુલિયાએ નિરાશ કર્યા હતા. આજથી ભારદવો માસ આરંભ થતો હોઇ આ મહિનામાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહીથી આશા જાગી છે.

શહેરમાં દૂંદાળાદેવ ગણપતિના ગુરૂવારથી શરૂ થનારા તહેવારોના દિવસોમાં હળવા વરસાદની શકયતા છે. આજે સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેતાં સર્વત્ર ઠંડક ફેલાઇ હતી.

શહેરમાં ચોમાસાની ઋતુમાં ૩૦થી ૩ર ઇંચ વરસાદ પડે છે. પરંતુ આ ચોમાસું અમદાવાદીઓ માટે નિરાશાજનક પુરવાર થઇ રહ્યું છે. અત્યારે સુધીમાં શહેરમાં માત્ર ૧૪.૮૯ ઇંચ એટલે કે પૂરો પંદર ઇંચ વરસાદ પણ પડ્યો નથી. છેલ્લે તા.ર સપ્ટેમ્બરે શહેરમાં ઝરમર વરસાદ નોંધાયો હતો.

જો કે સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા શહેરમાં આ અઠવાડિયામાં સતત વાદળછાયું વાતાવરણ રહીને હળવો વરસાદ પડે તેવી આગાહી કરાઇ છે.

ગુરુવાર તા.૧૩ સપ્ટેમ્બરથી હિંદુઓના પ્રથમ પૂજનીય ગણપતિનો દશ દિવસીય ઉત્સવનો પ્રારંભ થઇ રહ્યો હોઇ મેઘરાજ ગણેશોત્સવના આ દિવસોમાં વરસાદ વરસાવે તેવી શકયતા છે. ખાસ કરીને તા.૧પ અને ૧૬ સપ્ટેમ્બરે મધ્યમ પ્રકારના વરસાદની આગાહી છે.

દરમ્યાન રાજ્યના કચ્છ સિવાયના અન્ય વિસ્તારોમાં પણ આગામી તા.૧૬ સપ્ટેમ્બર સુધી છુટોછવાયો વરસાદ પડી શકે છે. જો કે આ અઠવાડિયામાં ક્યાંક ભારે વરસાદની આગાહી નથી. જે ખેડૂત આલમ માટે ચિંતાજનક બાબત છે.

You might also like