મેઘરજ નજીકના સિસોદરા ગામમાં એકલાં પડેલાં પિતા અને પુત્રીએ સાથે ઝેર પીધું: બંનેનાં મોત

અમદાવાદ: મેઘરજ નજીક આવેલા સિસોદરા ગામે પિતા-પુત્રીએ સાથે ઝેર પી લઇ જિંદગીનો અંત આણતા અરેરાટી ફેલાઇ છે. મેઘરજ તાલુકાના સિસોદરા ગામે રહેતા ૬૦ વર્ષીય રામાભાઇ ભેમાભાઇ ખાંટ અને તેમની ૧પ વર્ષની પુત્રી પિન્કીએ મોડીરાત્રે પોતાના ઘરમાં જ ઝેરી દવા પી લેતા ઝેરની ગંભીર અસર થવાથી બંનેના ગણત્રીની મિનિટમાં જ મોત થયા હતા.

વહેલી સવારે રામાભાઇના ભાઇ તેમને ચા આપવા આવ્યા ત્યારે બંનેના મૃતદેહ રૂમમાં પડેલા જોયા હતા.આત્મહત્યા કરનારા પિતા-પુત્રી છેલ્લા કેટલાક વખતથી ઘરમાં એકલા જ રહેતા હતા. રામાભાઇની પત્નીનું વર્ષો પહેલાં મૃત્યુ થયું હતું જ્યારે તેના પુત્રનું બે વર્ષ અગાઉ ઝેરી જનાવર કરડતા મોત થયું હતું.

બંને પિતા-પુત્રી જીવનમાં એકલા અટુલા પડી ગયા હોવાથી તેમનું જમવાનું અને ચા-પાણીની વ્યવસ્થા કુટુંબીજનો કરતાં હતાં. આમ એકલવાયા જીવનથી કંટાળેલા રામાભાઇએ પુત્રી સાથે જીવનલીલા સંકેલી લીધી હતી.

You might also like