મેઘાલયમાં વિધાનસભા પેટાચૂંટણીઃ સીએમ કોનરાડ સંગમા પણ મેદાનમાં

નવી દિલ્હી: મેઘાલયમાં આજે વિધાનસભાની બે સીટ પર પેટાચૂંટણી યોજાશે. તમામ રાજકીય પક્ષોની નજર દક્ષિણી તુરા સીટ પર છે. ત્યાંથી પ્રદેશના મુખ્યપ્રધાન કોનરાડ સંગમા ઉમેદવાર છે. હજુ તે લોકસભામાં તુરા સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. બંને સીટ પર મતની ગણતરી ૨૭ ઓગસ્ટે થશે.

લોકસભાના પૂર્વ અધ્યક્ષ પી.એ. સંગમાના પુત્ર કોનરાડ આ વર્ષે ૬ માર્ચે મુખ્યપ્રધાન બન્યા હતા. સંગમાની પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટી અને ક્ષેત્રિય પક્ષો વચ્ચે ભાજપ સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી હતી.

મુખ્યપ્રધાન સંગમાનો આ પેટાચૂંટણીમાં કોંગ્રેસના શાર્લોટ ડબ્લ્યુ મોમીન સાથે મુકાબલો છે અને આ સીટ પર અપક્ષ ઉમેદવાર પણ વિધાનસભામાં જવાની કોશિશમાં છે.

આ ઉપરાંત પ્રદેશના દક્ષિણ-પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લાના રાનીકોર વિધાનસભા ક્ષેત્રમાં પણ પેટાચૂંટણીઓ યોજાવાની છે. આ સીટ પર નેશનલ પીપલ્સ પાર્ટીના માર્ટિન એમ. ડેન્ગોનો મુકાબલો યુડીપીના પી. માર્વેન, પીડીએફના ચેરમેન પી.એન. સીએમ અને કોંગ્રેસના જે. સંગમા સાથે છે.

ચૂંટણી આયોગના એક અધિકારીના જણાવ્યા મુજબ દક્ષિણપુરા સીટ પર ૩૦,૦૦૦થી વધુ મતદાતા છે, તેમાં ૧૪,૮૦૦થી વધુ પુરુષ જ્યારે ૧૫,૩૫૧ મહિલા મતદાતા છે.

આ સીટ પર કુલ ૩૬ મતદાન કેન્દ્ર બનાવાયાં છે. આ રીતે રાનીકોર સીટ પર ૨૯,૬૮૫ મતદાતા ૬૫ મતદાન કેન્દ્ર પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

You might also like