મોદી સરકાર તરફથી દિવાળી ગિફ્ટ, કોલેજ શિક્ષકોને મળશે 7માં પગારપંચનો લાભ

ન્યૂ દિલ્હીઃ સરકારે કેન્દ્રીય અને રાજ્ય વિશ્વવિદ્યાલયો તથા સહાયતા પ્રાપ્ત કરનાર કોલેજોનાં શિક્ષકોને સાતમા પગારપંચનો લાભ આપવાની મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બુધવારે યોજવામાં આવેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણયથી શિક્ષકોનાં પગારમાં 22 ટકાથી લઇને 28 ટકા સુધીનો વધારો થશે.

કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે આ નિર્ણયથી દેશનાં 7.58 લાખ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને અન્ય કર્મચારીઓને પણ લાભ થશે.

સંશોધિત વેતનમાનને આધારે 10,400 રૂપિયાથી લઇ 49,800 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સંશોધિત વેતનમાન 1લી જાન્યુઆરી 2016થી લાગુ પડશે. સરકારનાં આ નિર્ણયથી સરકારનાં ખજાના પર રૂ.9,800 કરોડ રૂપિયાનો બોજો પડશે.

આ નિર્ણયથી વિશ્વવિદ્યાલય અનુદાન આયોગનાં હેઠળ આવનાર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કેન્દ્ર સંચાલિત ટેકનિકલ સંસ્થાઓનાં શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓને પણ લાભ મળશે. રાજ્યોની સહાયતા પ્રાપ્ત કરનાર એવા જ વિશ્વવિદ્યાલયોને સાતમા પગારપંચનો લાભ મળશે કે જેને સંબંધિત રાજ્ય સરકારોએ હસ્તગત કરી છે.

સાતમા પગારપંચનો લાભઃ
શિક્ષક અને કર્મચારીઓની સંખ્યાઃ 7.58
કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને કોલેજઃ 106
રાજ્ય સરકાર દ્વારા ભંડોળ મેળવનાર વિશ્વવિદ્યાલયઃ 329
રાજ્યોની સરકારી તેમજ સહાયતા પ્રાપ્ત કરનાર પ્રાઇવેટ કોલેજઃ 12,912

આ સિવાય ટેક્નિકલ સંસ્થાઓને પણ આનો લાભ મળશે. જેવી કે આઇઆઇટી, આઇઆઇએસી, આઇઆઇએમ, આઇઆઇએસઇઆર, આઇઆઇઆઇટી અને એનઆઇટીઆઇઇ જેવી કેન્દ્રીય સહાયતા પ્રાપ્ત કરનાર 119 ટેક્નિકલ સંસ્થાઓનાં શિક્ષકોને પણ સાતમા પગારપંચનો લાભ મળશે.

You might also like