અમદાવાદ-પાલનપુર સેક્શનમાં મેગા બ્લોક, ટ્રેન રદ થતાં હજારો પ્રવાસીઓ રઝળી પડ્યા

અમદાવાદ: અમદાવાદ-પાલનપુર સેક્શનમાં મેગા બ્લોકના કારણે આ રૂટ પરથી પસાર થતી કેટલીક ટ્રેન રદ થવાની સાથે જ હજારો મુસાફરોને રઝળવાનો વારો આવ્યો છે તો કેટલીક ટ્રેનના રૂટ બદલી દેવામાં આવશે. ૨૨ અને ૨૩મીએ વધુ ૬ ટ્રેન રદ થશે. આજથી અનેક ટ્રેનને જે તે સ્ટેશને ૧થી ૨ કલાક રોકી રાખવાના કારણે અમદાવાદ આવતી આ રૂટની અનેક ટ્રેન પાંચથી છ કલાક મોડી પડશે.

અમદાવાદ-હરિદ્વાર, અમદાવાદ-જમ્મુ તાવી, અમદાવાદ-ભગત કી કોઠી, આગ્રા ફોર્ટ, અમદાવાદ સુપરફાસ્ટ, અજમેર-મૈસુર, જમ્મુ તાવી-અમદાવાદ, પૂરી એક્સપ્રેસ અને અજમેર એક્સપ્રેસ આજે તેના નિયત સમય કરતાં બેથી ત્રણ કે તેથી વધુ સમય માટે મોડી પડશે તો મહેસાણા-આબુ રોડ, અમદાવાદ-જયપુર (બે દિવસ), અમદાવાદ-અજમેર, અમદાવાદ-ભગત કી કોઠી (૨૨ ડિસેમ્બર), જોધપુર-અમદાવાદ અને અમદાવાદ-આબુ રોડ ટ્રેન રદ કરવામાં આવી છે.

બેંગલોર-ભગત કી કોઠી ૨૨મીએ વડોદરાથી રતલામ રૂટ પર દોડશે, જ્યારે જયપુર-બાંન્દ્રા બે દિવસ વડોદરા-રતલામ-દાદર-ભૂજ અને ૨૩મીએ અમદાવાદ-વીરમગામ, ધ્રાંગધ્રાથી દોડશે. કેટલીક ટ્રેનના રૂટ ટૂંકાવાયા છે, તેમાં જોધપુર-અમદાવાદ, અમદાવાદ-જયપુર, અમદાવાદ-જોધપુર, જયપુર-અમદાવાદ, આબુ રોડ-અમદાવાદનો સમાવેશ થાય છે.

અમદાવાદ-પાલનપુર રેલવે લાઈન પર કામગીરી ચાલી રહી છે, જેના કારણે ૨૨થી ૨૩ ડિસેમ્બર પાંચ કલાક સુધીનો એન્જિનિયરિંગ મેગા બ્લોક લેવાયો છે, જેના કારણે ટ્રેન રદ કરવા, રૂટ ટૂંકાવવા કે રૂટ બદલવા સુધીના નિર્ણય લેવાયા હોઈ હજારો પ્રવાસીઓ રઝળી પડશે.

બીજી તરફ હવાઈ મુસાફરી કરતા પ્રવાસીઓને પણ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ન હોવાથી દિલ્હી-મુંબઈ રૂટ પર ફલાઈટ મોડી થવાથી મુશ્કેલીમાં મુકાવું પડ્યું હતું. સ્પાઈસ જેટની દિલ્હી અને વારાસણીની ફલાઈટ મોડી પડી હતી તો મુંબઈથી અમદાવાદ આવતી ગો એર, જેટ એરવેઝ, એએનએ, ઇત્તિહાદ અને એટલાન્ટિકની ફલાઈટ નિયત સમય કરતાં કલાકથી વધુ સમય માટે મોડી પડી હતી.

You might also like