સચીનને મળ્યા બાદ હમીદે ક્રિકેટર બનવાનું નક્કી કર્યું

રાજકોટઃ ૨૦૦૪ની વાત છે, જ્યારે સાત વર્ષનો એક છોકરો મુંબઈની એમઆઇજી ક્રિકેટ ક્લબમાં સચીન તેંડુલકરને પ્રેક્ટિસ કરતો જોઈ રહ્યો હતો. એ છોકરો પોતાના ભાઈ સાથે અહીં આવ્યો હતો, જે ત્યાં પ્રેક્ટિસ કરતો હતો. એ દરમિયાન સાત વર્ષના છોકરાને સચીનને મળવાની તક મળી. મુલાકાત દરમિયાન માસ્ટર બ્લાસ્ટરના શબ્દોએ તેના પર એવો જાદુ કર્યો કે એ નાનકડા છોકરાએ ક્રિકેટના ભગવાન જેવા બનવાનું નક્કી કરી નાખ્યું. ૧૯ વર્ષ, ૨૯૭ દિવસની ઉંમરે એ છોકરાનું સપનું પૂરું થયું અને તે ગઈ કાલે ઈંગ્લેન્ડ તરફી રમનારો સૌથી નાની ઉંમરનો ઓપનર બની ગયો. અહીં વાત થઈ રહી છે ભારતીય મૂળના બેટ્સમેન હસીબ હમીદની.

હમીદની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ જોવા માટે તેનો આખો પરિવાર રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ (એસસીએ)માં ઈંગ્લેન્ડના બોલ્ટનથી આવ્યો છે. હમીદના પિતા ઇસ્માઇલ ખુદ એક ક્રિકેટ ચાહક છે. તેઓ હમીદની માતા, બંને ભાઈઅને તેમની પત્ની અને કેટલાક અન્ય સગાં પોતાના લિટલ સ્ટાર હમીદની પહેલી ટેસ્ટ જોવા માટે રાજકોટ આવ્યા છે. ઇસ્માઇલ પોતાના પરિવાર સાથે ૧૯૬૯માં ગુજરાતના ભરૂચ જિલ્લાથી બોલ્ટનમાં વસી ગયા છે.

બોલ્ટનમાં ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટરપદેથી નિવૃત્ત થયેલા ઇસ્માઇલે કહ્યું કે, ”હમીદને બેટિંગ કરતો જોવાની મજા આવી. આખા પરિવારનું સપનું પૂરું થઈ ગયું. આ બહુ જ ભાવુક અને ગૌરવપૂર્ણ ક્ષણ છે.” હમીદના મોટા ભાઈ સાફવાને કહ્યું, ”તેણે સચીનને જોઈને ક્રિકેટર બનવાનું નક્કી કર્યું હતું. જ્યારે તે સાત વર્ષનો હતો ત્યારે મુંબઈમાં તે મારી સાથે એમઆઇજી ક્રિકેટ ક્લબ આવ્યો હતો. ત્યાં સચીન સાથે તેની મુલાકાત થઈ અને ત્યાર બાદ તેણે મને કહ્યું હતું કે મારે સચીન જેવું બનવું છે.”

You might also like