બેઠક પહેલાં જ અધ્યક્ષ અને સીઈઓને મળ્યો રવિ શાસ્ત્રી

મુંબઈઃ સહયોગી સ્ટાફને લઈ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ક્રિકેટ વહીવટદારોની સમિતિ (સીઓએ) દ્વારા નિયુક્ત ચાર સભ્યોની સમિતિ વચ્ચ આજે મંગળવારે બેઠક યોજાવાની છે, પરંતુ ગત રવિવારે ભારત આવી પહોંચેલા રવિ શાસ્ત્રીએ એક દિવસ પહેલાં જ બીસીસીઆઇના સીઈઓ રાહુલ જોહરી અને કાર્યવાહક અધ્યક્ષ સી. કે. ખન્ના સાથે મુંબઈમાં મુલાકાત કરી હતી. આ બંને ચાર સભ્યોની સમિતિમાં સામેલ છે. આ સમિતિમાં સામેલ ડાયના એદલજી અને કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરી પણ સામેલ છે. આજે આ સમિતિ ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે નિમાયેલા રવિ શાસ્ત્રી સાથે સત્તાવાર મુલાકાત કરવાની છે.

બીસીસીઆઇનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ શાસ્ત્રી અને સીઈઓ જોહરી વચ્ચે સીએસી દ્વારા પસંદ કરાયેલા સલાહકારો અને નવા સહયોગી સ્ટાફને લઈને ચર્ચા થઈ હતી. રવિએ પોતાના જૂના વલણમાં કોઈ ફેરફાર નહીં કરીને કહ્યું કે ટીમનો પૂર્ણ સમયના ફાસ્ટ બોલિંગ કોચની જરૂર છે. જો સલાહકાર જ રાખવા હોય તો તે ફોર્મેટ તૈયાર કરી શકે છે, પરંતુ તેને અમલમાં તો સંપૂર્ણ સમયનો કોચ જ લાવી શકે છે. આ ઉપરાંત અન્ય સહયોગી સ્ટાફ બેટિંગ કોચ સંજય બાંગર, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અંગે પણ ચર્ચા થઈ હતી, જેઓ અંગે શાસ્ત્રીને કોઈ વાંધો નથી. શાસ્ત્રીના વેતન અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી.

હવે આજે ચાર સભ્યોની સમિતિ આ મામલે ચર્ચા કરશે. ટીમ ઇન્ડિયા આવતી કાલે ૧૯ જુલાઈએ શ્રીલંકાના પ્રવાસે જવા રવાના થવાની છે. બીસીસીઆઇના અધિકારીએ કહ્યું, એ તો નક્કી છે કે શાસ્ત્રી ટીમની સાથે જઈ રહ્યો છે, પરંતુ સહયોગી સ્ટાફ તરીકે કોણ જશે એ અંગેનો નિર્ણય આજની બેઠક બાદ જ લેવાશે. જો આજે કોઈ નિર્ણય નહીં લેવાય તો ૨૨ જુલાઈએ દિલ્હીમાં યોજાનારી બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાશે. આ સ્થિતિમાં શાસ્ત્રીની સાથે જૂનો સપોર્ટ સ્ટાફ જ શ્રીલંકા જાય તેવી શક્યતા છે.

http://sambhaavnews.com/

You might also like