જેટ એરવેઝ બોર્ડની ર૭ ઓગષ્ટે યોજાશે બેઠક, જૂન ક્વાર્ટરનાં પરિણામોને મળશે મંજૂરી

ન્યૂ દિલ્હીઃ જેટ એરવેઝ બોર્ડની બેઠક ર૭ ઓગસ્ટે યોજાશે, જેમાં જૂન કવાર્ટરનાં અનઓડિટેડ પરિણામો જારી કરવાની મંજૂરી અંગે નિર્ણય લેવાશે. આ અગાઉ ૯ ઓગસ્ટે મળેલી કંપની બોર્ડની બેઠકમાં જૂન કવાર્ટરનાં પરિણામો જારી કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો.

જેટ એરવેઝ દ્વારા દાખલ કરવામાં આવેલ રેગ્યુલેટરી ફાઇલિંગમાં કંપનીના બોર્ડે જણાવ્યું છે કે ર૭ ઓગસ્ટે મળનારી બોર્ડ બેઠકમાં જૂન કવાર્ટરનાં અનઓડિટેડ નાણાકીય પરિણામો જારી કરવા માટે મંજૂરી આપવામાં આવશે.

આ સમાચાર બાદ શુક્રવારે કંપનીના શેરમાં ઉછાળો આવ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનની તુલનાએ જેટ એરવેઝના શેરમાં બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. દરમિયાન અહેવાલો અનુસાર અમેરિકાની વિમાન કન્સ્ટ્રકશન કંપની બોઇંગે ૭પ બોઇંગ ૭૩૭ મેકસ વિમાન માટે જેટ એરવેઝ દ્વારા કરવામાં આવેલ એડ્વાન્સ પેમેન્ટનો એક ભાગ કંપનીને પરત કરતાં બોઇંગ હવે જેટ એરવેઝની વહારે આવી છે.

અહેવાલો અનુસાર બોઇંગે જેટ એરવેઝને કેટલાંક નાણાં પરત કરતાં કંપનીની નાણાકીય સ્થિતિ સુધારવામાં મદદ મળી રહેશે, જોકે બોઇંગ દ્વારા જેટ એરવેઝને કેટલી રકમ પરત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

You might also like