યુપીમાં રાજ્યરાની એક્સપ્રેસના આઠ ડબા ઊથલી પડતાં અનેક યાત્રી ઘાયલ

રામપુર (યુપી): મેરઠથી લખનૌ જઈ રહેલી રાજ્યરાની ઈન્ટરસિટી એક્સપ્રેસ (ટ્રેન નં. ૨૨૪૫૪)ના આઠ ડબા રામપુર નજીક કોશી નદીના પુલ પાસે આજે સવારે ૮.૦૦ વાગ્યાની આસપાસ પાટા પરથી ઊથલી પડતાં અનેક પ્રવાસ યાત્રીઓ ઘાયલ થયા હતા. રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આ અકસ્માતનાં કારણો તપાસવા માટે તપાસના આદેશ જારી કરી દીધા છે અને જેમની પણ ભૂલ હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો બીજી બાજુ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અકસ્માતમાં ઘાયલ થયેલાઓ માટે વળતરની તાત્કાલિક જાહેરાત કરી દીધી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ અને નજીવી ઈજા પામનારને રૂ. ૨૫,૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવશે.

આજે સવારે રામપુરથી પહેલા આવતા મુંઢાપાંડે રેલવે સ્ટેશન નજીક આ અકસ્માત થયો હતો. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અકસ્માતના સમાચાર મળતાં રેલવેના અને પોલીસના અધિકારીઓ તાબડતોબ અકસ્માત સ્થળે પહોંચી ગયા છે અને રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા હેલ્પ લાઈન નંબર ૨૨૪૫૪ જારી કરવામાં આવ્યો છે, જ્યારે બરેલી રેલવે સ્ટેશન પર હેલ્પ લાઈન નંબર ૦૫૮૧- ૨૫૫૮૧૬૧ અને ૦૫૮૧-૨૫૫૮૧૬૨ અને હાપુર ખાતે ૦૧૨૨-૨૩૦૫૩૨૬ હેલ્પલાઈન નંબર જારી કરાયા છે.

લખનૌ જઈ રહેલ નેકસિંહ નામના એક શખસને પણ ઈજા પહોંચી છે. પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે અને પ્રવાસીઓને ઊથલી પડેલા ડબામાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. કેટલાય ઘાયલ થયેલા લોકોને ડબાના પાછળના ભાગમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. બરેલીથી પણ બચાવ ટુકડી મુરાદાબાદ જવા રવાના થઈ ગઈ છે.

મેરઠથી ઉપડેલી અમરોહા-મુરાબાદ થઈને લખનૌ તરફ જઈ રહેલી રાજ્યરાની એક્સપ્રેસ આજે સવારે ૮.૦૦ના સુમારે રામપુરમાં મુંઢાપાંડે સ્ટેશન નજીક કોશી નદીના પુલ પાસે ઊથલી પડી હતી. એકાએક ટ્રેનના એન્જિનને ઝાટકો લાગ્યો હતો અને ત્યાર બાદ એકપછી એક એક એમ ૮ ડબા પાટા પરથી ઊથલી પડ્યા હતા. આ અકસ્માતમાં અનેક પ્રવાસીઓ ઘાયલ થયાની માહિતી પ્રાપ્ત થઈ હતી. અકસ્માતના પગલે દિલ્હી તરફથી આવતી તમામ ટ્રેન રોકી દેવામાંઆવી હતી. રાહત અને બચાવ કામગીરી માટે મુરાદાબાદ, રામપુર, બરેલી, શાહજહાંપુર વગેરે સ્ટેશનથી મેડિકલ ટીમ, આરપીએફ, જીઆરપી વગેરેને રવાના કરાયા હતા.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. રાજયરાની એક્સપ્રેસ ડિરેલ થવાથી દિલ્હી-લખનૌ અને સહરાનપુર-લખનૌ રૂટ પરનો રેલ વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે. આ અકસ્માતને કારણે અપ અને ડાઉન રૂટને નુકસાન પહોંચ્યું છે અને તેથી ટ્રેનની અવરજવર રોકી દેવામાં આવી છે. અનેક યાત્રીઓ ડબ્બામાં નીચે પડી જતાં ઘાયલ થયા છે. આ અકસ્માતની જાણ થતાં મુરાદાબાદથી ટ્રેનમાં સવાર થયેલા પ્રવાસીઓના પરિવારજનો ચિંતિત થઈ મુરાબાદાબાદ રેલવે સ્ટેશન પર ધસી જતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
http://sambhaavnews.com/

You might also like