મીરાં એટલે શરણાગતિની પરાકાષ્ઠા, અહમનું વિસર્જન

મીરાંબાઈ લખે છે કે ‘રામ રાખે તેમ રહીએ’… કૃષ્ણ હોય કે રામ, આપણે મીરાનાં રસ્તે ચાલતાં શીખવાનું છે. મીરાં કહે છે તેમ ક્યારેક આપણું ધારેલું થાય અથવા ક્યારેક આપણે નાસીપાસ થઈએ, ક્યારેક પદ્માસન હોય-રાજગાદી હોય અને ક્યારેક ક્ષણો પોતે તકલાદી હોય! આપણામાં એક વિવેકશીલ-અવિચર જીવ શ્વાસ લેતો હોવો જોઈએ… ક્યારેક નવાં કપડાં તો ક્યારેક સાદા કપડાં, પરંતુ જીવતાં આવડવું જોઈએ.

સુખની વચ્ચે આનંદને શોધતાં દરેકને નથી આવડતું… આપણે તો દોષનો ટોપલો ઈશ્વરને માથે નાંખીએ છીએ! સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય એની ખેવના દરેકને હોય છે, પરંતુ સમૃદ્ધિ વૃદ્ધ થાય ત્યારે ‘અનાવૃત્ત’ રહેવું બહુ ઓછાનાં સ્વભાવમાં હોય છે! જે આપણને ‘રાશ’ આવશે એવું અતિ આત્મવિશ્વાસથી ધારી લેતાં હોઈએ છીએ… એ જ આપણને નિરાશ કરે છે. મીરાં ત્યાગનો આનંદ, આનંદનો ત્યાગ અને ત્યાગાનંદનાં પરમાનંદ સુખી પદને અને ઓગળી રહેલાં મદને મઠારે છે.

ક્યારેક ઉપવાસ હોય, ક્યારેક શીરો-પૂરી અને બત્રીસ પકવાન હોય, ક્યારેક મહેલોનાં શયનખંડમાં કે બાગ-બગીચામાં સૂતાં હોઈએ, ક્યારેક ભોંયતળિયું સૂવા માટે મળે..! બધી પરિસ્થિતિમાં આપણે ‘અચળ’ રહીએ, નિશ્ચલ રહીએ તો જ ઈશ્વરનો અનુગ્રહ આપણી ઉપર ઊતર્યો ગણાય… કારણ કે, સુખ ચોકલેટ જેવું છે, દુ : ખ કારેલાં જેવું છે… બંને પ્રમાણભાન સાથે આરોગીએ તો તંદુરસ્ત જીવન જીવીએ.

ઈશ્વરને મેળવવા ભક્તિમાર્ગનો આધાર લેનારે સર્વસમર્પણની તૈયારી રાખવી પડે છે. જે પણ પરિસ્થિતિ આવી પડે એને પ્રભુનો પ્રસાદ માની આનંદથી સ્વીકારવી પડે છે. મીરાંબાઈએ ભગવાન કૃષ્ણને પોતાનું સર્વસમર્પણ કર્યું હતું. સાંવરિયાને મળવાના માર્ગમાં જે પણ વિઘ્નો આવે, જે પણ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તેને માટે તેમની સંપૂર્ણ તૈયારી હતી.

એમની એ ખુમારી આ ભજનમાં છલકે છે. મહેલનાં હીરનાં પહેરણ અને શીરો-પૂરીનાં ભોજન છોડીને સાદાં કપડાં અને ભૂખ્યા રહેવા છતાંય બધી જ અવસ્થામાં આનંદ અને સતત સ્મરણ. કહેવું સહેલું છે પણ કરી બતાવવું અત્યંત કપરું છે. મીરાંબાઈએ એ કરી બતાવ્યું અને અમરત્વને હાંસલ કર્યું.

મીરાં એટલે શરણાગતિની પરાકાષ્ઠા. અહમનું વિસર્જન. આપણી ઈચ્છાઓ આપણને પામર બનાવે છે, પણ પરમની ઈચ્છા સાથે જો આપણે આપણી ઈચ્છાના સૂરતાલ મેળવી દઈએ તો જીવનમાં નર્યો સંવાદ રહે. જે કોઈ ઘટના ઘટે એને હસતે મુખે સ્વીકારવાની આપણી તૈયારી હોય તો ઈશ્વર પણ હસતે મુખે આપણને તાકાત આપે છે.

‘કહાન રાખે તેમ રહીએ’માં એક મહત્વની વાત છે. કોઈ રાવ-ફરિયાદ વિના રહીએ. કોઈ આંસુ નહીં, કાકલૂદી નહીં, કોઈ હરખશોક નહીં. હીર ને ચીર મળે તો પણ રાજી અને કંઈ ન મળે તો પણ રાજી. આપણે આપણું રાજીનામું કાંઈ પણ શરત વિના પરમાત્માને સોંપી દીધું છે.•

You might also like