સુરતીઓનાં સ્વાસ્થ્ય માટે મેડિટેશન સ્ફીયર

સ્વાસ્થ્ય માટે સજાગ લોકો જુદીજુદી જગ્યાએ મેડિટેશન કરે છે. કોઇ જમીનમાં ખાડો ખોદીને તો કોઇ વિમાનમાં બેસીને, તો કોઇ હિમાલય પર જાય છે. કોઇ દરિયામાં તો કોઇ રણમાં જઇને ધ્યાન લગાવે છે. સુરતમાં એક એવો ગોળો તૈયાર કરાઇ રહ્યો છે જે હવામાં લટકતો છે અને તેમાં બેસીને મેડિટેશન કરી શકાશે. મેડિટેશન કરનારાઓનું ધ્યાન ભટકે નહીં તે માટે તેને ફુલ્લી એસી અને સાઉન્ડપ્રૂફ બનાવવામાં આવી રહ્યો છે અને આ કોઇ ખાનગી કંપની નહીં પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તૈયાર કરી રહ્યું છે.

શું છે ‘મેડિટેશન સ્ફીયર’?
જ્યારથી યુનાઇટેડ નેશન્સ દ્વારા યોગા ડે ઊજવવાનું શરૃ કરાયું છે ત્યારથી મેડિટેશનનો ક્રેઝ આખી દુનિયામાં વધી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેડિટેશન અને યોગને દેશના સોફ્ટ પાવરની જેમ પ્રસરાવવાના પ્રયત્નો કરી રહ્યા છે, તો બીજી બાજુ દેશમાં પણ તે અંગે હવે નવાનવા પ્રયોગ થઇ રહ્યા છે. સુરતમાં સુરત મહાનગરપાલિકાએ વરાછા ઝોન ખાતે તૈયાર થઇ રહેલા તેના સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સમાં એક એવો મેડિટેશન સ્ફીયર તૈયાર કર્યો છે જે કેન્ટીલીવર પર ટકેલો છે. આ સ્ફીયર એટલે ગોળાને સ્ટેનલેસ સ્ટીલથી બનાવવામાં આવ્યો છે જેમાં ૩૧ ટન સ્ટીલનો ઉપયોગ કરાયો છે.

લગભગ ૧૦.૫ ડાયામીટર ધરાવતો આ ગોળો ૪.૫ મીટર લાંબા કેન્ટીલીવર પર લટકી રહ્યો છે. હાલ તેમાં ઇન્ટીરિયરનું કામ શરૃ થવાનું છે. ઇન્ટીરિયર થયા પછી તે ફુલ્લી એસી થઇ જશે અને સાઉન્ડપ્રૂફ પણ હશે. તેમાં કુલ ૧૪૦ લોકો ધ્યાન કરી શકે તેવી સગવડ કરવા માટે તેમાં સ્ટેપ્સ તૈયાર કરાશે જેની ઉપર ધ્યાન કરનારા બેસી શકશે. યોગા ટીચર મધ્યમાં બેસશે. આ ગોળામાં જવા માટે બીજા માળે જવું પડશે તે માટે લિફ્ટની સગવડ પણ છે જેથી વૃદ્ધો પણ ત્યાં આસાનીથી જઇ શકે. ગોળો તૈયાર કરવામાં લગભગ એક વર્ષનો સમય લાગ્યો છે. અગાઉ તેને આરસીસીથી તૈયાર કરવાનું નક્કી કરાયું હતું પરંતુ તે ટકી શકે તેમ ન લાગતા તેને સ્ટેનલેસ સ્ટીલમાં બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

સુરત મનપાનો ડ્રીમ પ્રોજેક્ટ
આ ઉપરાંત આ ગોળાની બીજી એક ખૂબી એ પણ છે કે તેની નીચે પણ એમ્ફીથિયેટર તૈયાર કરાયું છે. ત્યાં બેસીને પણ ધ્યાન કરી શકાશે. તે એમ્ફીથિયેટર એ રીતે તૈયાર કરાયું છે કે ગોળાની નીચે બેસીને યોગ ટીચર સૂચનો આપશે અને તેમનો અવાજ ચારેબાજુ ગુંજશે. પાલિકાના અધિકારીઓના જણાવ્યાનુસાર આ ગોળામાં બેસીને લોકો ૨૦૧૭માં મેડિટેશન કરી શકે તે માટેની તૈયારી કરાઇ રહી છેે. બાંધકામનું તમામ કામ પૂર્ણ થઇ ગયું છે અને હવે માત્ર ઇન્ટીરિયરનું કામ બાકી છે. હાલ સેન્ટ્રલ એસીનું કામ ચાલી રહ્યું છે. પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમન રાજેશ દેસાઇ કહે છે, “પાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ્સમાંનો આ એક પ્રોજેક્ટ છે. આખા દેશમાં આ પ્રકારની સુવિધા નથી. દેશભરમાંથી લોકો આ ડૉમ તૈયાર થયા પછી જોવા આવશે.”

ગોળો સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સનો જ એક ભાગ
આ ગોળો ખરેખર પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો એક ભાગ છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ ઉપરાંત કૅફેટેરિયા, જિમ, ટેબલ ટેનિસ, બિલિયર્ડ્સ, બોવલિંગ એલી, એરોબિક્સ, બેડમિન્ટન, સ્કવૉશ, સ્ટીમબાથ, સોનાબાથ, જાકુઝી જેવી સુવિધા હશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ટીરિયર અને બીજી સગવડ ઊભી કરવા પીપીપી ધોરણે કોન્ટ્રાક્ટ અપાશે. સમગ્ર કોમ્પ્લેક્સના ખર્ચનો અંદાજ રૃ.૧૫ કરોડનો છે, જેમાં રૃ. ૯ કરોડનો ખર્ચ પાલિકાએ બાંધકામ પાછળ કર્યો છે અને હવે રૃ.૬ કરોડ ખાનગી એજન્સીઓ ખર્ચશે. તેના ઉપયોગનો દર પાલિકા જ નક્કી કરશે. આ કોમ્પ્લેક્સને સરદાર પટેલનું નામ આપવામાં આવ્યું છે.

You might also like