મેડિકલ બેઠકોમાં રૂ.૧ર,૦૦૦ કરોડનાં કાળાં નાણાંનો ધંધો

નવી દિલ્હી: આપણે કયારેય આઇઆઇટી અને એઇમ્સમાં કન્ફર્મ એડમિશન અથવા તેમાં એક સીટ બુક કરવાની જાહેરાત નહીં જોઇ હોય. ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીઝમાં તમારી પસંદની સર્વિસમાં પસંદગી થવાની પણ કોઇ જાહેરાત કયારેય જોવા નહીં મળે. તેમ છતાં દેશભરના મીડિયામાં એમબીબીએસ બેઠકોની જાહેરાતોની ભરમાર છે.

આવા સંજોગોમાં સવાલ ઊઠે છે કે જો એડમિશન મેરિટના આધારે થતું હોય તો કોઇ વ્યકિત ‘ડાયરેકટ એડમિશન’નો વાયદો કેવી રીતે કરી શકે? આ વાયદાની પાછળ પ્રાઇવેટ કોલેજોની મેડિકલ બેઠકોનું બ્લેક માર્કેટ છે. કોલેજ મેનેજમેન્ટ અને એજન્ટો મળીને પ્રાઇવેટ કોલેજોમાં ૩૦,૦૦૦થી વધુ એમબીબીએસ અને ૯૬૦૦ પીજીની બેઠકો વેચવાનું કામ કરે છે. દરેક બેઠકમાં દર વર્ષે ૧ર,૦૦૦ કરોડ રૂપિયાનું કાળું નાણું આમતેમ થાય છે.

ભારતમાં ૪રર મેડિકલ કોલેજોમાંથી રર૪ પ્રાઇવેટ છે, તેમાં એમબીબીએસની પ૩ ટકા બેઠકો હોય છે. એમાંથી કેટલીયે કોલેજોમાં ખૂબ જ ઓછી સુવિધાઓ છે, તેમાં દર્દી પણ નથી અને ફેકલ્ટી પણ નહીં. એમબીબીએસની એક બેઠકની કિંમત બેંગલુરુમાં એક કરોડ રૂપિયા અને યુપીમાં રપથી ૩પ લાખ રૂપિયા હોય છે. રેડિયોલોજી અને ડર્મેટોલોજીની બેઠકોની કિંમત ત્રણ કરોડ રૂપિયા સુધી બોલાય છે.

આ બેઠકો માટે વહેલા તે પહેલાના ધોરણે જોગવાઇ હોય છે. પહેલેથી બુક કરાવતાં તમને થોડું ડિસ્કાઉન્ટ પણ મળે છે. એક વાર મેડિકલ પ્રવેશ પરીક્ષાનાં પરિણામ જાહેર થઇ જાય ત્યાર બાદ પ્રાઇવેટ કોલેજોમાં એક બેઠકની કિંમત ડબલ થાય છે. માત્ર એમબીબીએસની બેઠકો દર વર્ષે ૯,૦૦૦ કરોડ રૂપિયામાં વેચાય છે. મેરિટવાળા કેટલાય વિદ્યાર્થીઓને જબરદસ્તીથી બહાર કાઢવામાં આવે છે.

You might also like