મેડિકલ માટે લેવાતી ‘નીટ’ હવે એક જ દિવસે લેવાશે

અમદાવાદ: એમબીએસ પછીના મેડિકલ કોર્સ એમડી, એમએસ અને પી.જી. ડિપ્લોમા સહિતના કોર્સ માટે રાજ્યની ૧૮૪૩ બેઠકમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટની પરીક્ષા અા વર્ષે સળંગ આઠ દિવસના બદલે ગુજરાત સહિત દેશભરમાં માત્ર એક જ દિવસે લેવામાં આવશે. એટલું જ નહીં પરંતુ પરીક્ષામાં જુદા જુદા પ્રશ્નપત્રોના બદલે હવે એક જ સરખા પ્રશ્નપત્ર નીકળશે સાથે સાથે એક પ્રશ્નના સાચા જવાબા ચાર માર્ક ખોટા જવાબનો એક માઇનસ માર્ક અને વિદ્યાર્થી જવાબ લખવાનું ટાળશે કે છોડી દેશે તો તેના ઝીરો માર્ક ગણવામાં આવશે. દેશભરમાં પીજીની ર૮ હજાર બેઠક છે. કેન્દ્ર સરકારના આદેશથી આ વર્ષે હવે કોમન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ છે. ૭મી જાન્યુઆરી ર૦૧૮ના રોજ નવા ફોર્મેટ પ્રમાણે નીટની પરીક્ષા લેવામાં આવશે. દેશભરના સેન્ટરોનાં ૭મી જાન્યુઆરીએ પીજી નેટની પરીક્ષા લેવાશે નેશનલ બોર્ડ એકઝામિનેશન દ્વારા આ પરીક્ષા લેવાશે. પરીક્ષાનું પરિણામ ૩૧મી જાન્યુઆરી સુધીમાં જાહેર કરી દેવાશે.

મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટના પ્રવેશ માટે ગત વર્ષે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લાગુ કરવામાં આવી છે. જેના માટે કુલ ૧૦ લાખ પ્રશ્નોની પ્રશ્ન બેન્ક તૈયાર કરવામાં આવી હતી. જેમાં જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તે તમામને જુદા જુદા પ્રશ્નપત્રો અપાયા હતા. કુલ ૧પ૦૦ માર્કની પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ ૧પ૦૦ માર્કના કેટલા પ્રશ્નો પુછાશે તે બાબત કમ્પ્યૂટર દ્વારા નિર્ધારિત થતી હતી. દરેક પ્રશ્નનું કેટલું વેઇટેજ હશે તે પણ કમ્પ્યૂટરે નક્કી કર્યું હતું. દરેક વિદ્યાર્થીની પરીક્ષા જુદા જુદા દિવસે લેવાઇ હતી.

આ પ્રકારની પરીક્ષાના કારણે ગત વર્ષ અનેક વિદ્યાર્થીઓ પીજી એન્ટ્રન્સ પાસ કરવામાં નિષ્ફળ ગયા હતા. હવે આ વર્ષથી નીટમાં મહત્વના ફેરફારો થતા સમગ્ર દેશમાં પીજી નેટ આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓની પરીક્ષા જુદા જુદા દિવસે નહીં પણ એક જ દિવસે લેવાશે. એટલું જ નહીં દરેક વિદ્યાર્થીને આપવામાં આવતા પ્રશ્નપત્ર પણ એક સરખા રહેશે. આ વર્ષથી પીજી મેડિકલની એન્ટ્રન્સ ટેસ્ટ માટે રાખવામાં આવતી ૧૦ લાખ પ્રશ્નોની ડેટા બેન્ક કાઢી નાખવામાં આવી છે.

વિદ્યાર્થીઓને ઓન લાઇન રજિસ્ટ્રેશન કરવાની મુદત અને નિયમો સાથેનું નોટિફિકેશન હવે જાહેર થશે. ગત વર્ષે ૧.૧૬ લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી.

You might also like