તબીબી શિક્ષણના સોદાગરઃ મનસુખ શાહ

અમદાવાદની એક વિદ્યાર્થિનીને પરીક્ષામાં બેસવા દેવા માટે વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક ડૉ. મનસુખ શાહના બે એજન્ટો વિનોદ સાવંત અને અશોક ટેલરે ગત ૨૭ ફેબ્રુઆરીએ રૂપિયા ૨૦ લાખની લાંચ લેતા એસીબીની જાળમાં સપડાઈ ગયા હતા. એ પછી ડૉ. મનસુખ શાહના નિવાસસ્થાન અને ઓફિસમાં એસબીબીની ૭ ટીમે તપાસ કરતા રૂ.૧૦૧ કરોડના ૨૨૦ ચેક અને ૪૩ કરોડની એફડી ઉપરાંંત ૪ વૈભવી કાર અને તેના પરિવારની રૂ.૫૩.૬૩ કરોડની

પ્રોપર્ટી મળી આવી હતી. રૂ.૧૦૧ કરોડના ૨૨૦ ચેકની પાછળ લખેલાં નામોની યાદી પ્રમાણે એસીબી તેમના નિવેદન લેવા બોલાવી રહી છેે. મનસુખ અને તેના બે વચેટિયાનાં બેંક એકાઉન્ટ, લૉકરો, એફડી, ચેકો અને જમીનો મકાનોની તપાસ હાથ ધરવામાં આવી છે. એક સમયે ડૉ. મનસુખ શાહ દસ બાય દસ ફૂટની રૂમમાં ડેન્ટિસ્ટની પ્રેક્ટિસ કરતો હતો. આજે તેમનું વડોદરા નજીક પીપરિયામાં ૭૦ એકર જમીનમાં ૧૨ લાખ ફૂટ બાંધકામનું સુમનદીપ વિદ્યાપીઠનું સામ્રાજ્ય ઊભું છે. એક શિક્ષણકર્મી સંપત્તિનું સામ્રાજ્ય વિસ્તરે ત્યારે તે સમાજ માટે સૌથી મોટી ચિંતાનો વિષય બને છે.

વડોદરામાં ડૉ. મનસુખ શાહના ૧૦થી વધુ રૂમવાળા બંગલામાં ૮ એસી અને આંગણામાં મર્સિડિઝ અને બીએમડબલ્યુ જેવી મોંઘી કાર છે. વીજળી જતી રહે તો ત્વરિત લાઇટની વ્યવસ્થા માટે બંગલાના કંપાઉન્ડમાં જનરેટર પણ લગાવવામાં આવ્યું છે.

કંપાઉન્ડમાં એક તરફ દેરાસર પણ બનાવાયું છે. હવે ડૉ. મનસુખ શાહ તેના પુત્ર માટે અકોટામાં ગ્રીન સોસાયટી નજીક વિશાળ જગ્યામાં બંગલો બનાવી રહ્યા છે. ડૉ.મનુસખ શાહનું મોટાભાગનું કામ તેનો પુત્ર દીક્ષિત સંભાળે છે. જોકે, હજુ સુધી તે એસીબીની સામે આવ્યો ન હોવાનું જાણવા મળ્યું છે. મનસુખ શાહ, ભરત સાવંત અને અશોક ટેલર ત્રણેયને એસીબીની કચેરીમાં લવાયા ત્યારે મનસુખ શાહના ચહેરા પર હાસ્ય જોવા મળ્યું હતું. એના ઉપરથી અંદાજ લગાવી શકાય છે કે મનસુખ શાહ આ ક્ષેત્રનો કેટલો ખંધો ખેલાડી હશે.

મનસુખે સુમનદીપમાં જે મોડસ ઓપરેન્ડીથી કરોડોની કમાણી કરી એને અમદાવાદમાં પણ આગળ ધપાવી પોતાનું સામ્રાજ્ય વિકસાવવું હતું. મનસુખ શાહ ચાંદખેડા, અમદાવાદમાં મેડિકલ કૉલેજ શરૂ કરવા જઈ રહ્યો હતો. મનસુખે ચાંદખેડાના

તપોવન સર્કલ અને એસપી રિંગરોડ પાસે મોકાની જગ્યા ઉપર શ્રીમતી સુશીલાબહેન મનસુખલાલ શાહ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી છે. અહી ડૉ.એમ.કે.શાહ મેડિકલ કૉલેજ એન્ડ રિસર્ચ સેન્ટર શરૂ કરવાનું આયોજન હતું અને એ માટે તેનેે એમસીઆઈમાંથી મંજૂરી પણ મળી ગઈ છે. આ કૉલેજનું સંચાલન મનસુખ શાહ પોતાના દીકરા પૂર્વેશ અથવા તો દીક્ષિતને સોંપવાના હતા, પરંતુ અમદાવાદમાં મેડિકલ કૉલેજ શરૂ થાય એ પહેલાં જ એસીબીના છટકામાં ફસાઈ જતાં મનસુખની આ યોજના ઉપર પાણી ફરી વળ્યુંં.

જોકે એમસીઆઈ મનસુખની વડોદરાની અને નવી મંજૂર થયેલી અમદાવાદની મેડિકલ કૉલેજ સામે પગલાં ભરશે કે કેમ તે મોટો પ્રશ્ન છે, કારણ કે એમસીઆઈનાં પ્રમુખ જયશ્રીબહેન મહેતા અગાઉ સુમનદીપ

વિદ્યાપીઠનાં વાઇસ ચાન્સેલર રહી ચૂક્યાં છે અને મનસુખ શાહ સાથે તેમને ખૂબ સારા સંબંધ છે. આથી આ મામલે કોઈ ખાસ પગલાં ભરાશે નહીં એવું સૂત્રો માની રહ્યાં છે. પોતાનાં સંતાનો અહીં ભણતાં હોવાથી કેટલાક રાજકીય નેતાઓ અને કેટલાક ડૉક્ટરો પોતાની વગનો ઉપયોગ કરીને હાલ મનસુખને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા છે.

વિદ્યાર્થીકાળથી જ છેતરપિંડી કરવાની માનસિકતા ધરાવતા સુમનદીપ

વિદ્યાપીઠના ચેરમેન મનસુખ શાહ શહેરના સરદાર ભુવનના ખાંચામાં રૂપિયા ૩૫૦ માસિક ભાડાના બે માળના મકાનમાં રહેતા હતા. તે ભાડાનું મકાન પણ પચાવી પાડ્યું હોવાની વિગતો સામે આવી છે. ૧૯૮૦થી મકાનમાલિક અને શિક્ષણ માફિયા મનસુખ શાહ વચ્ચે વડોદરા કોર્ટમાં આ મકાન બાબતે કેસ ચાલી રહ્યો છે.

મનસુખને ત્યાંથી એસીબીને મળેલા કરોડો રૂપિયાના ચેકમાંથી ખુલ્લી પડેલી તેની મોડસ ઓપરેન્ડી એવી હતી કે જે વિદ્યાર્થીનું એડમિશન લેવાયું હોય તેના પાસેથી પેમેન્ટના ભાગ રૂપે ચેક લઇ લેવાતા હતા. જ્યારે વાલી જેમ જેમ રોકડમાં ચુકવણી કરતા તેમ તેમ વાલીઓને તેમના ચેક પરત આપવામાં આવતા હતા. એસીબીના દરોડામાં ડૉ.મનસુખ શાહ પાસેથી રૂ.૧૦૧ કરોડના ચેક મળ્યા હતા. યોજના પ્રમાણે, આ ચેક મનસુખ શાહને ક્યારેય જમા કરાવવાના નહોતા, રોકડા રૂપિયા લઈને જેમની પાસેથી ચેક લીધા તેમને પાછા આપવાના હતા. આ ચેક જેમના છે તેમની પણ તપાસ શરૂ કરી છે. ફીની લાખો, કરોડોની રકમ પૈસાદાર પરિવારના વિદ્યાર્થીઓ જ ભરી શકે એટલે વાઘોડિયામાં મનસુખની કૉલેજમાં મોટાભાગે રાજકીય નેતાઓ, ઉચ્ચ અમલદારો અને ડૉક્ટરોનાં સંતાનો જ ભણે છે, કેમ કે એમાં પૈસાપાત્ર પરિવારોના સાવ ઠોઠ વિદ્યાર્થીઓને ડૉક્ટર બનવાનો લાભ મળે અને ડૉ.મનસુખ શાહને તગડી કમાણી થાય. ચેક ઉપરાંત ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી ડૉનેશન પેટે રોકડેથી વ્યવહાર કરાયો હોવાની આશંકા વ્યક્ત થઇ છે. જે ચેક લેવામાં આવતા હતા તેનો તો હિસાબ રાખવામાં આવતો હતો, પણ રોકડ રકમના ડૉનેશનનો હિસાબ ગુપ્ત ડાયરીમાં રાખવામાં આવતો હતો, જેમાં પણ કૉડવર્ડ જ લખાતા હતા. કેટલા વિદ્યાર્થીઓના પૈસા આવી ગયા તેની યાદીનું રજિસ્ટર એસીબીને મળ્યું છે.

એ.સી.બી.ગુપ્તતા જાળવવાની ખાતરી આપે તો મોટાભાગના વિદ્યાર્થીઓ ડૉ.મનસુખ શાહ વિરુદ્ધ મોઢું ખોલે એવું પ્રથમદર્શી રીતે લાગે પણ એમ થવું સંભવ નથી જણાતું, કેમ કે ૪૦-૪૫ ટકા લાવનારા ખોટા સિક્કાઓને તબીબી માર્કેટમાં ચલણમાં મૂકવાનું કામ તેઓ સુમનદીપ જેવી સંસ્થાઓ મારફતે કરી રહ્યા છે. એ અર્થમાં ડૉ.મનસુખ શાહ જેટલા જ તેઓ કરોડોનું ડૉનેશન આપી તબીબી ક્ષેત્રને લેભાગુઓનું ક્ષેત્ર બનાવવા સબબ ગુનેગાર ઠરે છે.

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઈ)ના મોટા માથા સાથે મનસુખનું સારું સેટિંગ હતું. મનસુખે પોતાના લાભ માટે પ્રવેશના નિયમોમાં પણ ફેરફાર કરાવ્યા હોવાની તબીબી આલમમાં ચર્ચા છે. નિયમ પ્રમાણે મેડિકલની એક કૉલેજમાં પ્રવેશ મેળવ્યા બાદ બીજા વર્ષમાં અન્ય કૉલેજમાં ટ્રાન્સફર લઇ શકાતી નથી, પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તબીબી આલમનાં મોટાં માથાંના સંતાનને સુમનદીપ વિદ્યાપીઠમાં મેડિકલના પહેલા વર્ષમાં પ્રવેશ અપાયા

પછી તેને અન્ય મેડિકલ કૉલેજમાં બીજા વર્ષમાં ટ્રાન્સફર આપી શકાય તે માટે નિયમોમાં પણ ફેરફાર કરાયા હતા. ગાંધીનગરના આરોગ્ય વિભાગમાં કામ કરતા એડિશનલ ડિરેક્ટર કક્ષાના અધિકારીના દીકરાને પણ વાઘોડિયાની સુમનદીપમાં મેડિકલના પહેલા વર્ષમાં પ્રવેશ આપ્યા બાદ બીજા વર્ષમાં અમદાવાદની મેડિકલ કૉલેજમાં પ્રવેશ અપાયો હતો.

મનસુખ શાહ સૌથી વધુ ડોનેશન

આપનાર વિદ્યાર્થીઓને કૉલેજમાં પ્રવેશ

આપતો હતો. સુમનદીપમાં ભણી રહેલા રાજકીય નેતાઓ ને ઉચ્ચ અમલદારો તેમજ પૈસાપાત્ર ડૉક્ટરોનાં સંતાનોને બીજા વર્ષમાં ગમતી કૉલેજમાં પ્રવેશ અપાવવાની મોડસ ઓપરેન્ડીમાં પણ મનસુખે સારા રૂપિયા બનાવી લીધા છે. ડૉ.મનસુખ શાહે એટલી હદે લૂંટનો વ્યાપાર ચાલુ કરી દીધો હતો કે, ફાઇનલ પરીક્ષામાં બેસવું હોય તો રૂ.૨૦ લાખ આપવા પડતા હતા.

ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે સુમનદીપ યુનિવર્સિટીની અને તેમની અમદાવાદની મેડિકલ કૉલેજની માન્યતા રદ કરવાની માગ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે. ધારાસભ્યે પત્રમાં મનસુખ શાહ દ્વારા વિદ્યાર્થીઓ-વાલીઓ પાસેથી લેવાતી લાંચના આંકડા આપ્યા હતા. જેમાં એમબીબીએસ માટે રૂ.૧ કરોડ, એમડી અને એમએસ જેવા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે રૃા.બે કરોડ, સુપર

સ્પેશિયાલિટી માટે રૂ.૩ કરોડ, ડેન્ટલ એડમિશન માટે રૂ.૫૦ લાખ, ડેન્ટલમાં

પોસ્ટ ગ્રેજ્યુએટ માટે રૂ.૧.૨૫ કરોડ, નર્સિંગ માટે રૂ.૧૦ લાખ, ફિઝિયોથેરાપી માટે રૂ.૨૦ લાખ અને એમબીએ માટે રૂ.૨૦ લાખ વસૂલવામાં આવતા હોવાનું લખ્યું છે.

એડમિશન આપવા, પરીક્ષામાં બેસવા દેવા અને પાસ કરાવવા માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પડાવતા ડૉ. મનસુખ શાહની મોડસ ઓપરેન્ડી પણ જાણવા જેવી છે. ડૉ. મનસુખ શાહની ડૉનેશન લેવાની વિવિધ તરકીબો સૂત્રો જણાવી રહ્યાં છે. એક તરકીબ પ્રમાણે, ડૉ.મનુસખ શાહ વિદ્યાર્થી કે વાલી સામે ડૉનેશનનો આંકડો કદી મોઢેથી ઉચ્ચારતો નહોતો. બલકે એ કેલ્ક્યુલેટરમાં આંકડો લખીને બતાવતો હતો. મનસુખ શાહ કેલક્યુલેટરમાં ડૉનેશનની રકમ જણાવતા અને ત્યારબાદ તેનો પી.એ ચિઠ્ઠી લખી

આપતો, જે ચિઠ્ઠી લઇને વાઘોડિયાસ્થિત એક ઘરમાં પહોંચી પેમેન્ટ કરવાનું રહેતું અને ત્યાં બેઠેલી વ્યક્તિ ઓકે સર કહે એટલે તરત વિદ્યાર્થીના હાથમાં એડમિશન કન્ફર્મનો લેટર અપાતો. મનસુખના એજન્ટો વિનોદ અને અશોક એડમિશન માટે વાલીઓ આવે ત્યારે તેમને એક રૂમમાં લઈ જઈ કાઉન્સેલિંગ કરતા હતા ને વાલીઓ તરફથી મળતા રિસ્પોન્સના આધારે ડૉનેશનની રકમ નક્કી કરતાં હતા. ડૉ.મનસુખ શાહ કે તેમના મળતિયા એડમિશન લેવા આવનારને એડમિશનના ભાવ વિશે લેખિત કે મૌખિક એક પણ શબ્દ બોલવાનું ટાળતા હતા. વાલી નક્કી થયેલી રકમ લઇને આવે ત્યારે પણ તેમની જડતી લઇને કેબિનની બહાર જ મોબાઇલ ફોન તથા અન્ય સાધનો મુકાવી દેવામાં આવતા. એડમિશન લીધા બાદ પણ સેમેસ્ટરમાં ગેરહાજર રહેનારાની હાજરી પુરાવાથી લઇને પરીક્ષામાં પાસ કરવા વાલીઓની આર્થિક સ્થિતિ જોઇને લાખો

રૂપિયાનું ડૉનેશન લેવાતું હતું.

બીજી તરકીબ પ્રમાણે, ડૉ. મનસુખ શાહ અંગ્રેજી મૂળાક્ષર લખેલી ચિઠ્ઠી આપતો હતો. ચિઠ્ઠીમાં જે ક્રમના અક્ષર હોય એટલા લાખ રૂપિયા એડમિશન લેવા માટે ડૉનેશન આપવું પડતું. ત્રીજી તરકીબ બોલિવૂડ ફિલ્મોમાં ડ્રગ ડિલરોની નાટકીય મોડસ ઓપરેન્ડીને મળતી આવે છે. ફિલ્મમાં સૂટકેસ લઈને માલ પહોંચાડવા ગયેલા ભાઈના માણસોને સામેવાળા તરફથી પહેલાં અમુક નિશાનીઓ બતાવવામાં આવે જેથી નક્કી થાય કે સામે કોઈ બોગસ માણસ કે પોલીસ નથી અને એમ પરસ્પર સૂટકેસની અદલાબદલી થાય. અહીં ડૉ.મનસુખ શાહ મેડિકલ કૉલેજમાં લાંચ માટે મોટાભાગે ૧૦ રૂપિયાની નોટનો

ઉપયોગ કરતોે હતો. આ ચલણી નોટના બે ટુકડા કરવામાં આવતા. એક ટુકડો પોતાની પાસે રાખવાનો અને બીજો એડમિશન લેનારને આપવામાં આવતો હતો. પછી દસની નોટનો ટુકડો લઈને નાણાં જમા કરનારનું એડમિશન પાકું થતું હતું. રૂ.૧૦ની નોટ ઉપર કેપિટલ છ લખેલું હોય તો એક કરોડ આપવાના, સ્મોલ  લેટર લખેલો હોય તો રૂ.૫૦ લાખ

આપવાના થાય.

ડૉનેશનની રકમ નક્કી થયા બાદ મનસુખના સાગરીતોે ફૉલોઅપ કરીને ચોક્કસ જગ્યાએ વાલીને બોલાવી તેમની પાસેથી પૈસા લેતા હતા. કેમ્પસની અંદર કોઈ નાણાકીય વહીવટ કરતા ન હતા, તેના માટે વાઘોડિયા રોડ પર કલ્યાણનગર સોસાયટીમાં મકાન રાખ્યું હતું. યુનિવર્સિટીનો આર્થિક વ્યવહાર આ મકાનમાં જ થતો હોવાથી

રોજેરોજ વૈભવી કારોની લાઇનો

લાગતી હતી.

લાંચકેસમાં પકડાયેલો સાવંત વર્ષોથી ડૉ.મનસુખ શાહના વિશ્વાસુ માણસો પૈકીનો એક મનાય છે. ડૉ.મનસુખના બંને પુત્રો નાના હતા ત્યારથી સાવંત તેના પરિચયમાં છે. ડૉ.મનસુખ શાહ મંદિરે દર્શન કરવા જતાં ત્યારે સાવંત પણ તેની સાથે જતો હોવાનું જાણવા મળ્યું છે.

સુમનદીપ વિદ્યાપીઠના કેમ્પસમાં જ ગેરકાયદે આખેઆખી નર્સિંગ કૉલેજ, લાઇબ્રેરી અને ઑડિટોરિયમ ઊભાં કરી દીધાં છે. ઉપરાંત મજૂરોની ઓરડીઓ, ગોડાઉન અને ધીરજ હોસ્પિટલનું નકશા સિવાયનું ૨,૩૭૫ ચો.મીટર બાંધકામ પણ ગેરકાયદે હોવાની વિગતો મળી રહી છે. નિયમોને નેવે મૂકીને ઊભા કરાયેલાં આ દબાણો દૂર કરવા જિલ્લા કલેક્ટરથી લઈ રાજ્ય સરકાર સુધી રજૂઆતો થઈ હતી, પરંતુ ડૉ.મનસુખ પર સરકારી તંત્રના ચાર હાથ હોવાથી કશું ન થયું. જે તે સમયે કલેક્ટરે માપણી કરાવી. અગાઉના જિલ્લા વિકાસ અધિકારીએ લેખિત હુકમમાં જણાવ્યું કે ગેરકાયદે બાંધકામ દૂર કરવાનાં થાય છે, પરંતુ એ જ હુકમમાં તેઓ ડૉ. મનસુખ પર ઓવારી જઈને લખે છે કે આ બાંધકામ શૈક્ષણિક સંકુલ, મેડિકલ કૉલેજ, હોસ્પિટલ, મંદિર જેવાં હોય તથા વિશાળ બાંધકામ હોવાથી બાંધકામ દૂર કરવાથી મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થાય તેમ છે.

પૈસાના જોરે સરકારી બાબુઓને ખિસ્સામાં રાખતા ડૉ. મનસુખ શાહે તમામ નીતિનિયમોને નેવે મૂકી વાઘોડિયાના

પીપરિયા ખાતે સુમનદીપ વિદ્યાપીઠ નામનું વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું છે. આ સામ્રાજ્ય ઊભું કરવા માટે ડૉ. મનસુખે રેવન્યુના કેટલાક બોગસ દસ્તાવેજનો ઉપયોગ કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ અંગે હરણી રોડ પર રહેતાં રશ્મિબહેન પટેલે લગભગ ૧૭ પુરાવા સાથે ગત તારીખ ૭ જૂનના રોજ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી આપી હતી.

અરજીના આક્ષેપ મુજબ, ડૉ.મનસુખ શાહ વીલના આધારે ખેડૂત બનેલા છે. તેમણે બનાવટી દસ્તાવેજો અને નકશાઓ ઊભા કરીને મંજૂરીઓ મેળવી જમીન પચાવી

પાડી છે. નિયમ પ્રમાણે સળંગ જમીન પર જ મેડિકલ કૉલેજની મંજૂરી મળે, પરંતુ ડૉ. મનસુખે ખરીદેલી જમીનમાંથી ગામનો રસ્તો પસાર થતો હતો. આ રસ્તો તેણે બંધ કરી દઈ પોતાના સરવૅ નંબરમાં બતાવી તલાટીનું જાવક નંબર વગરનું પ્રમાણપત્ર ઊભું કર્યું હતું અને એમસીઆઈમાં મોકલ્યું હતું. ડૉ.મનસુખના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેના ગાઢ સંબંધોને કારણે તપાસ આગળ વધતી ન હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

મોટા ટ્રસ્ટોને યેનકેન પ્રકારે ઓળવી જવાની મનસુખ શાહની તાસીર રહી છે. ડૉ.મનસુખ શાહે અમદાવાદના મેમનગર ગુરુકુળ પાસેનું રમણ મહર્ષિના નામ સાથે જોડાયેલું એક ટ્રસ્ટ તેના સગાના નામે મેળવી લીધું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. ટ્રસ્ટમાં તેમના સગાનાં નામ દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ટ્રસ્ટને કલેક્ટરે શૈક્ષણિક હેતુ માટે ૮૯૦૦ વાર જગ્યા ફાળવી આપી હતી. આ જગ્યાનો બજારભાવ રૂ.૧૮૦ કરોડની આસપાસનો છે.

શિહોરના અમરગઢ ગામે શ્રી કે.જે.મહેતા ટ્રસ્ટ મનસુખ ઓળવી ગયો છે. અમરગઢમાં આવેલી વિશાળ જમીન સાથેની શ્રી કે.જે. મહેતા ટી.બી.હોસ્પિટલ જે સરકારી હતી તે મનસુખનાં સગાંના નામે સરકારમાં કરાવીને તેમનાં નામો દાખલ કરાવાયાં છે. આ ટી.બી.હોસ્પિટલમાં જ ડેન્ટલ મેડિકલ કૉલેજ ખોલવામાં આવી છે.

એમસીઆઈ પૂર્વ ચેરમેન કેતન દેસાઈના કાર્યકાળમાં દેશભરમાં મેડિકલ કૉલેજોને આડેધડ મંજૂરીઓ અપાઈ હતી. મનસુખ શાહની મેડિકલ કૉલેજ પણ તે પૈકીની એક હોવાનું માનવામાં આવતું હતું. કેતન દેસાઈનાં ખુદનાં આ કૉલેજમાં નાણાકીય હિતો સંકળાયેલાં છે એવું પણ ત્યારે સંભળાતું હતું. પીપરિયાની આ કૉલેજમાં પૂરતી સગવડ, તબીબો અને દર્દીઓ ન હોવા છતા તેને મંજૂરી અપાઈ હતી. ગુજરાતની આ એક જ યુનિવર્સિટી પાસે જ તમામ બેઠકો ભરવાની સત્તા છે.

સૂત્રોની પાસેથી મળતી માહિતી કેટલાક ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. ડૉ. કેતન દેસાઈના પિતાનું નામ ધીરજલાલ હતું અને ડૉ. મનસુખ શાહની ધીરજ હોસ્પિટલ છે, બંને વચ્ચે કોઈ કનેક્શન છે? એમસીઆઈનાં ચેરમેન જયશ્રી મહેતા સુમનદીપ મેડિકલ કૉલેજના ડીન હતાં તે ડૉ.મનસુખનું સેટિંગ ગણવું કે યોગાનુયોગ? શા માટે ગેરકાનૂની રીતે આગળ વધવા છતાં સુમનદીપને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો અપાયો અને સુપર સ્પેશિયાલિટીની બેઠકો ફાળવવામાં આવી? આવા ઘણા પ્રશ્નોના જવાબો મળતા નથી.

ડૉ. મનસુખ શાહનું કૌભાંડ શિક્ષણ ક્ષેત્ર કરતાંય વધુ આરોગ્ય ક્ષેત્ર માટે જોખમી છે. શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થાના મૂળમાં ઘા સમાન છે, કેમ કે અહીંથી નીકળતા પૈસેટકે સુખી ડૉક્ટરો મોટી હોસ્પિટલો બાંધશે અને એમનામાં દર્દીને સાજા કરવા કરતાં ખિસ્સાં ખંખેરવાનો હુનર વધારે હશે, કેમ કે આખરે તો પાણી કૂવામાંથી જ હવાડામાં આવે છે.

ટૂંકા ગાળામાં વિશાળ સામ્રાજ્ય
ડૉ. મનસુખ શાહનું સામ્રાજ્ય કેવી રીતે વરસોવરસ વિસ્તરતું ગયું તેનો પુરાવો આ રહ્યો-

૧૯૯૯       કેમ.એમ. શાહ ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલ

૨૦૦૧       ફિઝિયોથેરાપી કૉલેજ

૨૦૦૨       ધીરજ જનરલ હોસ્પિટલ

૨૦૦૩       એસબીકેએસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર

૨૦૦૫       સુમનદીપ નર્સિંગ કૉલેજ

૨૦૦૬       ડેન્ટલમાં પી.જી. કોર્સ

૨૦૦૭       ડીમ્ડ યુનિવર્સિટી

૨૦૦૭       મેડિકલ સાયન્સમાં પીએચ.ડી

૨૦૦૮       ફાર્મસીમાં યુજી, પીજી, પીએચ.ડી કોર્સ, ફિઝિયોથેરાપી અને મેનેજમેન્ટમાં પીજી કોર્સ

૨૦૦૯       મેડિકલ સાયન્સ, નર્સિંગ, પેરામેડિકલ કોર્સમાં પીજી કોર્સ, ડેન્ટલ મિકેનિક્સ

૨૦૧૧       નર્સિંગ પ્રોગ્રામ- એએનએમ, જીએનએમ અને પોસ્ટ બેઝિક ડિપ્લોમા

૨૦૧૨       મેડિકલ શાખામાં બધા પી.જી. કોર્સને માન્યતા

૨૦૧૩       કાર્ડિયોલોજી, પ્લાસ્ટિક સર્જરી, ન્યૂરો સર્જરીમાં સુપર સ્પેશિયાલિટી કોર્સ. ફાર્મસી ડિપ્લોમા (૬ વર્ષનો)

૨૦૧૪       ન્યૂરોલોજી અને કાર્ડિયોથેરાપીમાં સુપર સ્પેશિયાલિટી કોર્સ

૨૦૧૫    ફાર્મસીમાં પી.જી. કોર્સ

ગુજરાતના શિક્ષણ માફિયાઓ હવે એસીબીની ઝપેટમાં
મનસુખ શાહ ઉપર પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ ૨(સી)૧૧, કલમ ૭, ૮ અને ૧૩ની જોગવાઇઓ અને અપ્રમાણસર મિલકતના કેસ લગાવવામાં આવ્યા છે.  સામાન્ય રીતે અત્યાર સુધી ખાનગી અને સ્વનિર્ભર શિક્ષણ સંસ્થાઓ એન્ટિ કરપ્શન બ્યૂરોના રડારમાંથી છટકી જતી હતી. હંમેશાં એવો કાનૂની અભિપ્રાય આપવામાં આવતો કે આ પ્રકારની સંસ્થાઓ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, રાજ્ય અને કેન્દ્ર સરકારના યુનિવર્સિટી એક્ટને આધિન હોવાથી એસીબી તેમાં સીધી કે આડકતરી દખલઅંદાજી કરી શકે નહીં. એસીબીના સ્પેશિયલ ડાયરેક્ટર કેશવકુમારે મનસુખ શાહ ઉપર પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ ૨(સી)૧૧ની જોગવાઇ હેઠળ ગુનો દાખલ કરતાં રાજ્યના અન્ય શિક્ષણ માફિયાઓ ફરતે ગાળિયો કસાઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.  આ કલમ હેઠળ કોઇ પણ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર, સંચાલક, પ્રોફેસર સહિત કોઈ પણ વ્યક્તિ જો પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલી હોય તો તેને ‘પબ્લિક સર્વન્ટ’ની વ્યાખ્યામાં આવરી શકાય. ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં બાળશિક્ષણથી લઈને અનુસ્નાતક સુધીના શિક્ષણમાં વાલીઓ પાસેથી ગેરકાનૂની રીતે નાણાં પડાવાતાં હોય તો તેઓની સામે હવે એન્ટિ કરપ્શન બ્યૂરો કાર્યવાહી કરી શકશે. કેશવકુમારે ગુજરાતના શોષિત વાલીઓ અને વિદ્યાર્થીઓને વિનાવિલંબે નિર્ભય બની ફરિયાદો નોંધાવવાનું આહ્વાન પણ કર્યું હતું.

You might also like