મેડિકલ કોલેજના ડોક્ટરનું રહસ્યમય સંજોગોમાં અપહરણ થતાં ભારે ચકચાર

અમદાવાદ: પાટણ નજીક અાવેલી ધારપુર મેડિકલ કોલેજના એક ડોક્ટરને ગઈ મોડી સાંજે રહસ્યમય સંજોગોમાં અજાણ્યા અપહરણકારો ઉઠાવી જતાં પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પાટણ પાસે અાવેલી ધારપુર મેડિકલ કોલેજના ડોક્ટર રાજેશ મહેતા ગઈ કાલે મોડી સાંજે ડીસા ખાતે યોજાયેલ રોટરી ક્લબના એક કાર્યક્રમમાં હાજરી અાપી પોતાની કારમાં ડીસા તરફ અાવી રહ્યા હતા ત્યારે અાસેડા ગામના પાટિયા પાસે પાછળથી પુરવેેગે અાવેલી એક અન્ય કારે ડોક્ટરની કારને ઓવરટેક કરી હતી અને અા કારમાંથી ઊતરેલા પાંચ અજાણ્યા શખસોએ ડોક્ટરની કારને ઊભી રાખી હતી.

અચાનક બનેલા બનાવથી ડઘાઈ ગયેલા ડોક્ટર રાજેશ મહેતાએ બુમાબુમ કરી હતી પરંતુ અપહરણકારોએ તેમના મોં પર કપડાંનો ડૂચો મારી તેમને બળજબરીપૂર્વક કારમાં ધકેલી દઈ તેનો અપહરણ કરી નાસી છૂટ્યા હતા.

તબીબના અપહરણની જાણ થતાં જ પોલીસ અધિકારીનો કાફલાએ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઈ ચોતરફ નાકાબંધી કરી અપહરણકારોને ઝડપી લેવા સઘન પ્રયાસો કર્યા હતા. દરમિયાનમાં ડોક્ટરની કારમાંથી તેમનો મોબાઈલ મળી અાવતાં પોલીસે તેમના પરિવારજનોને અા અંગે જાણ કરી હતી. પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like