કૂકિંગ ઓઈલમાંથી ડીઝલ બનાવી રહી છે મેકડોનાલ્ડ્સ

મુંબઈ: એક અનોખી ગ્રીન ક્રાંતિ હેઠળ મેકડોનાલ્ડ્સે કૂકિંગ ઓઈલમાંથી ડીઝલ કાઢવાની શરૂઆત કરી છે. કંપની ઉપયોગમાં લેવાયેલા હજારો લિટર કૂકિંગ ઓઈલને રિસાઈકલ કરીને બાયોડીઝલ બનાવી રહી છે અને તેની ડિલિવરી ટ્રક હવે આ જ તેલથી દોડી રહી છે.

હાર્ડ કાસ્ટલ રેસ્ટોરન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ (એચઆરપીએલ)ના ડિરેક્ટર વિક્રમ ઓગાલેએ કહ્યું કે આ પાઇલટ પ્રોજેક્ટની શરૂઆત ગયા વર્ષે થઈ હતી. હવે મુંબઈનાં ૮૫ આઉટલેટ્સ તેલને રિસાઈકલ કરી રહ્યાં છે. ખૂબ જ જલદી પશ્ચિમ અને દક્ષિણ ભારતની ૨૭૫થી વધુ બ્રાંચમાં તેને લાગુ કરાશે.

એચઆરપીએલના જણાવ્યા મુજબ દર મહિને ૩૫ ટન (૩૫,૦૦૦ લિટર) કૂકિંગ ઓઈલમાંથી બાયોડીઝલ બનાવવામાં આવી રહ્યું છે. આના કારણે વાર્ષિક ૪,૨૦,૦૦૦ લિટર ક્રૂડ ઓઈલની બચત થઈ રહી છે. ઓગાલેએ કહ્યું હતું કે કૂકિંગ ઓઈલમાંથી બનનારું બાયોડીઝલ સ્વચ્છ ઈંધણ છે.

ડીઝલની સરખામણીમાં તેમાંથી ૭૫ ટકા ઓછો કાર્બન ઉત્સર્જિત થાય છે. અહીં ટ્રક પર લાગેલા રેફ્રિજરેશન ઈક્વિપમેન્ટ પણ આ બાયોડીઝલમાંથી ચાલી રહ્યાં છે. પ્રક્રિયા અંગે જણાવતાં ઓગાલેએ કહ્યું કે ફ્રેન્ચ ફ્રાઈઝ અને અન્ય  ખોરાકને તળવા માટે ઉપયોગમાં લેવાતું તેલ રેસ્ટોરાંમાં એકઠું કરવામાં આવે છે અને તેને ટેન્કરમાં ભરીને રિસાઈકલ યુનિટમાં લાવવામાં આવે છે. બાયોડીઝલમાં બદલ્યા બાદ તેને મેકડોનાલ્ડ્સના લોજિસ્ટિક માટે મોકલવામાં આવે છે.

You might also like