માયાવતીમાં હિંમત હોય તો મારી પત્ની સામે ચૂંટણી લડેઃ દયાશંકર

લખનૌ: બસપા સુપ્રીમો માયાવતી માટે અભદ્ર ટિપ્પણી કરનાર અને ભાજપમાંથી હકાલપટ્ટી પામેલા દયાશંકરસિંહે બસપાના સુપ્રીમોને ખુલ્લેઆમ પડકાર ફેંકયો છે. દયાશંકરે જાહેરાત કરી છે કે માયાવતીમાં જો તાકાત હોય તો યુપીમાં કોઇ પણ સામાન્ય બેઠક (અનરિઝર્વ) પર મારી પત્ની સામે ચૂંટણી લડી બતાવે.

અત્રે ઉલ્લેખનીય છે બે બસપાના સુપ્રીમો માટે અપશબ્દો પ્રયોજીને દયાશંકરસિંહ ગાયબ થઇ ગયા હતા અને તેમના વતી તેમની પત્ની સ્વાતિસિંહે મોરચો સંભાળ્યો હતો. દયાશંકરની ર૯ જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવી હતી. બે દિવસ પછી તેમને સ્થાનિક અદાલતે જામીન આપી દીધા હતા.
દયાશંકરે માયાવતી અંગે ઉચ્ચારેલા અભદ્ર શબ્દો માટે જણાવ્યું હતું કે આ મેં એક અયોગ્ય તુલના કરી હતી. મારે આવું કરવું જોઇતું નહોતું.

એટલા માટે હું માફી પણ માગી ચૂકયો છું. મને યુપીના ઉપપ્રમુખપદેથી હટાવી દેવામાં આવ્યો છે. મારી વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. જાણે હું દાઉદ ઇબ્રાહીમ હોઉં એ રીતે મારી ધરપકડ કરવામાં આવી હતી. દયાશંકરની પત્ની સ્વાતિસિંહે જણાવ્યું હતું કે જો માયાવતીની આ મેન્ટાલિટી હોય તો પાઠ ભણાવવા માટે તે અમને મરાવી પણ શકે છે.

માયાનો સાથ છોડનાર મૌર્ય આજે વિધિવત્ ભાજપમાં જોડાશે
બસપાના પૂર્વ નેતા સ્વામીપ્રસાદ મૌર્ય ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં આજે ભાજપમાં વિધિવત્ જોડાશે. રરમી જૂને માયાવતી પર ટિકિટ વેચવાનો આક્ષેપ કરીને મૌર્યએ બસપા સાથે છેડો ફાડીને રાજીનામું આપ્યું હતું. રાજીનામા બાદ માયાવતીને મૌર્યના આક્ષેપોના જવાબમાં તેમની બસપામાંથી હકાલપટ્ટી કરી હતી.

છેલ્લા દોઢ મહિનામાં ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી ઓમપ્રકાશ માથુરે સ્વામીપ્રસાદ મૌર્યની ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે બે વખત મુલાકાત કરાવી હતી. મૌર્યના ભાજપમાં પ્રવેશની તમામ તૈયારીઓ ઓમ માથુરે કરી હતી. ઓમ માથુર સારી રીતે જાણે છે કે ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ કેશવપ્રસાદ મૌર્ય બિલકુલ ઇચ્છતા નથી કે સ્વામીપ્રસાદ મૌર્ય ભાજપમાં જોડાય. ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષે સ્વામીપ્રસાદ મૌર્યના ભાજપના પ્રવેશને લઇને પોતાની નારાજગી કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ વ્યકત કરી દીધી છે.

You might also like