દલિતોને પટાવવા કેન્દ્ર કાંશીરામને ભારત રત્ન આપી શકે છેઃ માયાવતી

લખનૌ: બસપાના પ્રમુખ માયાવતીએ ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો દલિત પ્રેમ માત્ર દેખાડો હોવાનું જણાવીએ કહ્યું હતું કે હવે પ્રજા તેનાથી દોરવાઈ જશે નહીં, માયાવતીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દલિતોને પોતાની તરફ લલચાવવા માટે કાંશીરામને ભારત રત્ન આપી શકે છે. દલિતને કોઈ પણ રાજ્યમાં પ્રદેશ અધ્યક્ષ પણ બનાવી શકાય છે, પરંતુ દલિતો હવે કોઈ લાલચમાં આવવાના નથી.

માયાવતીએ જણાવ્યું હતું કે બંધારણીય હોદ્દા પર બિરાજતા લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજને જે રીતે અનામતની સમીક્ષા કરવાની વાત કરી છે તેના પરથી તેમની માનસિકતા છતી થાય છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે દેશમાં દલિતો પર વધી રહેલા અત્યાચાર પાછળ આરએસએસ અને ભગવા સંગઠનોનો હાથ છે. માયાવતીએ વધુમાં જણાવ્યું હતું કે રોહિત વેમુલાના મુદ્દે મોદીને લખનૌમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમણે ભાવુક થઈને તેનાથી પીછો છોડાવ્યો હતો. રોહિતના મૃત્યુ બાદ પણ જો ન્યાય નહીં મળે તો તેમનું ભાવક થવું એક ઈરાદાપૂર્વકની રાજનીતિ ગણાશે.

માયાવતીએ જણાવ્યું હતું કે અલીગઢ મુસ્લિમ યુનવર્સિટી અને જામિયામિલિયા યુનિવર્સિટીનો લઘુમતી દરજ્જો ખતમ કરીને સરકાર લઘુમતી વિદ્યાર્થીઓને યતિમ બનાવવામાં લાગી ગઈ છે. સરકાર જો દલિતોને તેમનો હક આપવા માગતી હોય તો લઘુમતી દરજ્જો રદ કરવાના બદલે સરકારે પ્રાથમિક શાળાઓની સ્થિતિ સુધારવી જોઈએ.

You might also like