પ્રતિબંધ હટતાં જ માયાવતી યોગી પર વરસ્યાં: તેમના પર ચૂંટણીપંચ આટલું મહેરબાન કેમ?

આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનના મામલે બહુજન સમાજ પાર્ટી (બસપા)નાં સુપ્રીમો માયાવતી પર ચૂંટણીપંચે પ્રચાર-પ્રસાર કરવા પર ૪૮ કલાકનો પ્રતિબંધ લાદી દીધો હતો. ચૂંટણીપંચનો આ પ્રતિબંધ આજે સવારના ૬.૦૦ વાગ્યે પૂરો થતાં જ માયાવતીએ ‌િટ્વટ કરીને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર સીધું નિશાન તાક્યું હતું.

માયાવતીએ ‌િટ્વટ કરીને સવાલ ઉઠાવ્યો હતો કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પ્રતિબંધ હોવા છતાં પણ મંદિર-મંદિર ફરી રહ્યા છે અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમના પર ચૂંટણીપંચ આટલું મહેરબાન કેમ છે? માયાવતીએ તેમના ‌િટ્વટર હેન્ડલ પરથી લખ્યું હતું કે ચૂંટણીપંચના પ્રતિબંધનું ખુલ્લું ઉલ્લંઘન કરીને યુપીના સીએમ યોગી શહેર-શહેર અને મંદિર-મંદિર જઈને તથા દલિતોના ઘરની બહાર ભોજન લેવાનું નાટક કરીને તથા મીડિયામાં તેની તસવીરો પ્રસારિત કરાવીને ચૂંટણી લાભ લેવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ચૂંટણીપંચ તેમના પર આટલું મહેરબાન કેમ છે?

માયાવતીએ આગળ લખ્યું કે જો આવો જ ભેદભાવ અને ભાજપના નેતાઓ પ્રત્યે ચૂંટણીપંચનાં આંખમિંચામણાં અને ખોટી મહેરબાની જારી રહેશે તો પછી આ ચૂંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ થાય એ વાત અશક્ય છે. આ બાબતોમાં જનતાની બેચેનીનું સમાધાન કઈ રીતે થશે? ભાજપ નેતૃત્વ આજે પણ એવી જ મનમાની કરવા મક્કમ છે, જેવી તે આજ સુધી કરતા આવ્યા છે.

દેવબંદ રેલીમાં આપેલા ભાષણ સામે કડક કાર્યવાહી કરતાં ચૂંટણીપંચે માયાવતીના પ્રચાર કરવા પર ૪૮ કલાકનો પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ મંગળવાર સવારના ૬.૦૦ વાગ્યાથી શરૂ થયો હતો અને ૧૮ એપ્રિલ સવારના ૬.૦૦ વાગ્યા સુધી અમલી હતો.

You might also like