અક્ષય-ફરાહ સાથે કામ કરશે?

શાહરુખ ખાન અને ડિરેક્ટર ફરાહ ખાનની જોડીએ બોલિવૂડમાં અનેક સારી-સફળ ફિલ્મો આપી છે, પરંતુ થોડા સમય પહેલાં બંને વચ્ચે કોઇક કારણસર મનભેદો પેદા થયા. બંનેએ એકબીજાનું મોઢું પણ ન જોવાની કસમ ખાધી. આ મનભેદ અંગે જો શાહરુખ અને ફરાહને કંઇ પણ પૂછવામાં આવતું તો બંને એમ કહેતાં કે અમારી વચ્ચે કંઇ એવું નથી. તેમની વચ્ચેના મનભેદોને ત્યારે હવા મળી જ્યારે ફરાહ ખાને અક્ષયકુમારને લઇને ‘તીસ માર ખાં’ બનાવી. શાહરુખ અને ફરાહ વચ્ચે જંગની ખુલ્લેઆમ શરૂઆત થઇ ગઇ. બંને એકબીજા પર કટાક્ષ કરતાં રહ્યાં. ‘તીસ માર ખાં’ પ્રદર્શિત થઇ અને ફ્લોપ ગઇ, અક્ષયકુમાર અને ફરાહ વચ્ચે પણ આ કારણે મતભેદ અને મનભેદ થયા. અક્ષયકુમારે ફરાહ સાથે ફરી કામ ન કરવાની કસમ ખાધી. ફરાહ ખાનને મનમાં એવું તો થઇ જ ગયું કે તે માત્ર કિંગ ખાન સાથે જ હિટ ફિલ્મો આપી શકે છે.

બોલિવૂડની ગલીઓમાં પણ આ વાતની ચર્ચાઓ થવા લાગી. ત્યાર બાદ શાહરુખ અને ફરાહ ખાને મળીને ‘હેપી ન્યૂ યર’નું નિર્માણ કર્યું. ફરી એક વાર એ વાત સાબિત થઇ કે શાહરુખ અને ફરાહ સાથે હોય તો જ હિટ ફિલ્મો આપી શકે છે.

સમય વીતતો ગયો અને ફરાહ-અક્ષય વચ્ચે કડવાશ ચાલુ રહી, જોકે હવે તેમના સંબંધોમાં પણ મધુરતા દેખાવા લાગી છે. થોડા દિવસો પહેલાં ફરાહ ખાનના ભાઇ સાજિદ ખાનનો જન્મદિવસ હતો ત્યાં અક્ષયકુમારને પણ આમંત્રણ આપવામાં આવ્યું ત્યાં ફરાહ સાથે તેની મુલાકાત થઇ ગઇ. તેઓ એવી રીતે મળ્યાં કે બંને વચ્ચે ક્યારેય કોઇ વિવાદ હતો જ નહીં. આ મુલાકાત બાદ એવી ચર્ચાઓ થવા લાગી કે ફરાહ અક્ષયને લઇને ફિલ્મ બનાવવાની જાહેરાત કરી શકે છે. હવે સવાલ એ છે કે ‘તીસ માર ખાં’ ફ્લોપ ગયા બાદ શું અક્ષય ફરાહ સાથે ફરી વખત ફિલ્મ કરશે. સાજિદ ખાન સાથે તો અક્ષયને બહુ મધુર સંબંધો છે અને એવું પણ કહેવાય છે કે આ બંને વચ્ચે સમાધાન કરાવવાનું શ્રેય સાજિદને જ જાય છે.

આમ તો ફરાહ શાહરુખને લઇને ફરી એક ફિલ્મ બનાવવા ઇચ્છે છે, પરંતુ શાહરુખ હાલમાં વ્યસ્ત હોવાથી સમય ફાળવી શકે એમ નથી. તો શું આવા સંજોગોમાં અક્ષય એક વખત ફરી ફરાહ માટે શાહરુખ બનશે.

You might also like