મે મહિનામાં ગીરની કેસર કેરીનો સ્વાદ માણવા મળશે

અમદાવાદ: ફળોની રાણી ગણાતી કેસર કેરીની આવકનો વિધિવત્ પ્રારંભ. સામાન્ય રીતે કેરીનાે ગઢ ગણાતા તલાલા માર્કેટિંગયાર્ડમાં હરાજી પછી થાય છે. હવે તલાલા માર્કેટિંગયાર્ડમાં ત્રણ મેથી કેસર કેરીના હરાજી-ખરીદ-વેચાણનો પ્રારંભ થતાં અમદાવાદ સહિત રાજ્યભરના ગુજરાતીઓને રૂ.૧ર૦થી ૧પ૦ પ્રતિકિલોએ હાલમાં મળતી કેસર કેરી મે માસમાં રૂ.૬૦ પ્રતિકિલોના ભાવે મળશે.

આ વર્ષે માવઠું થયું હોવા છતાં કેરીનો પાક સારો ઊતર્યો છે, જેના કારણે ગત વર્ષની તુલનાએ ર૦થી રપ ટકા ઉત્પાદન વધતાં ભાવ સિઝનની મધ્યમાં રૂ.૪૦ પ્રતિકિલો થવાની શકયતા છે. ગત વર્ષે ગીર કેસરના સાત લાખ બોકસ- પ્રતિબોકસ ૧૦ કિલોનું વેચાણ થયું હતું. આ વર્ષે દસ લાખ બોકસના વેચાણનો અંદાજ છે. હવે થોડા દિવસોમાં જ બજારમાં કેસર કેરી જોવા મળશે. આ વર્ષે વિપુલ પ્રમાણમાં પાક ઊતર્યો હોવાથી વેપારીઓનો અંદાજ કેરીના ભાવ નીચા રહેવાનો છે.

શરૂઆતની કેસરનો ભાવ એક બોકસદીઠ રૂ.૧,૦૦૦થી ર,પ૦૦ સુધીનો હતો, જે હવે ઘટીને મે માસના બીજા સપ્તાહમાં રૂ.૪૦૦થી ૪પ૦ સુધીનો થઇ જશે. તલાલા, અલંગ, સોશિયા, કચ્છ, જૂનાગઢ સહિત કેસર કેરીના પાકની આવક સામે વેચાણ સિઝનમાં ર૦ લાખ બોકસ જેટલું થાય છે. હૈદરાબાદ અને વિજયવાડાથી આવતી બદામ કેરી પણ મેના પહેલા સપ્તાહથી શરૂ થઇ જશે.

હાલમાં સુંદરી કેરી બજારમાં પ્રતિકિલો રૂ.૧૦૦, પાયરી રૂ.૧૦૦થી ૧ર૦, તોતા કેરી રૂ.૬૦, વનરાજ રૂ.૬૦, રાજાપુરી રૂ.૮૦, ગોલા કેરી રૂ.૮૦, બદામ રૂ.૧૦૦, દશેરી રૂ.૬૦નો ભાવ ચાલી રહ્યો છે. મેના બીજા સપ્તાહથી બધી જાતની કેરીના ભાવ હાલના બજાર ભાવની અડધી કિંમતે મળવાનું શરૂ થઇ જશે.

You might also like