નીતિગત વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા મજબૂત

મુંબઈ: નાણાપ્રધાન અરુણ જેટલીએ ગઇ કાલે બજેટ રજૂ કર્યા બાદ નીતિગત વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા વધી ગઇ છે. આરબીઆઇના ગવર્નર આ ઘટાડાની જાહેરાત ટૂંક સમયમાં કરે કે પછી એપ્રિલ મહિનાની નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં કરી શકે છે. ઉલ્લેખનીય છે કે નાણાપ્રધાને ચાલુ વર્ષ માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક જાળવ્યો છે. જ્યારે આગામી વર્ષ માટેનો લક્ષ્યાંક જીડીપીના ૩.૫ ટકા રાખ્યો છે. નાણાપ્રધાનની જાહેરાત હવે આરબીઆઇના ગવર્નરને વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાતમાં વિલંબ કરે તેવી સંભાવના ઘટી રહી છે.

ક્રિસિલના જણાવ્યા પ્રમાણે નાણાપ્રધાનના બજેટ રજૂ કર્યા બાદ વ્યાજદરમાં ઘટાડો કરવાની સંભાવના વધી ગઇ છે. ફુગાવાનું જોખમ નહીં હોવાના સંકેતો વધુ સ્પષ્ટ થઇ રહ્યા છે તેવા સંજોગોમાં આગામી ટૂંક સમયમાં નીતિગત વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો આવી શકે છે.
નોંધનીય છે કે આરબીઆઇએ ૨ ફેબ્રુઆરીની નાણાકીય નીતિની સમીક્ષા બેઠકમાં વ્યાજના દરમાં ઘટાડો કર્યો નહોતો. તે સમયે જાહેર કરેલ પોલિસીમાં જણાવાયું હતું કે બજેટ બાદ નીતિગત વ્યાજના દરમાં ઘટાડો થવાનો અવકાશ છે.

You might also like