મસૂદની ઢાલ બનેલા ચીનને અમેરિકા સહિત 4 દેશોની ચેતવણી: અમને એકશન માટે ફરજ પડશે

આતંકી મૌલાના મસૂદ અઝહરને બચાવી લીધો છે અને ભારત વિરુદ્ધનું વલણ સ્પષ્ટ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિ (યુએનએસસી)ની બેઠકમાં ચીને પોતાનો વીટો પાવર વાપરીને ભારતની તમામ કોશિશો પર પાણી ફેરવી દીધું છે. ભારતે ચીનના આ વલણ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભારતને સાથ આપવા હવે અમેરિકા પણ મેદાનમાં ઊતર્યું છે.

અમેરિકાએ યુએનએસસીમાં પાકિસ્તાન અને ચીનને આંચકો આપે તેવું નિવેદન આપ્યું છે કે જો ચીન સતત આ રીતે અડચણરૂપ બનતું રહ્યું તો જવાબદાર દેશોએ કોઈ પગલાં ભરવાં પડશે. સુરક્ષા સમિતિના ચાર કાયમી સભ્ય રાષ્ટ્રો અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને રશિયાએ મસૂદની ઢાલ બનવા બદલ ચીનને ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે જો ચીન આ પ્રસ્તાવને રોકવાની નીતિ જારી રાખશે તે અન્ય જવાબદાર ચારેય સભ્ય રાષ્ટ્રોને સુરક્ષા પરિષદમાં એકશન લેવાની ફરજ પડશે.

અમેરિકા તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે પાકિસ્તાન ચીનની મદદથી અનેક વખત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર થવાથી બચાવતું આવ્યું છે. આ ચોથી વખત ચીને વીટો પાવર વાપરીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકીની યાદી અને પ્રતિબંધમાંથી બચાવી લીધો છે.

આકરી ભાષાનો પ્રયોગ કરીને અમેરિકાએ જણાવ્યું છે કે જો આ રીતે ચીન મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાથી બચાવતું રહ્યું તો સુરક્ષા પરિષદના અન્ય સભ્ય દેશોએ કડક વલણ અપનાવીને કાર્યવાહી કરવી જ પડશે. અમે આશા રાખીએ કે સ્થિતિ આવી ન આવે. ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકી હુમલાના ગુનેગાર મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે ભારતનાં પ્રયાસોને દુનિયાના ઘણા મોટા અને શક્તિશાળી દેશોનું સમર્થન મળ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનાં જ સભ્ય અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરીને તેના ઉપર પ્રતિબંધ લાદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ જે વાતનો ડર હતો એ જ થયું અને ચીને પોતાનો વીટો પાવર વાપરીને તેના પર રોક લગાવી દીધી હતી. ચીનની આ હરકત બાદ ભારતના વિદેશ મંત્રાલયે પણ નિવેદન જારી કર્યું હતું.

ભારત તરફથી કહેવામાં આવ્યું કે ચીનના આ વલણથી અમે ખૂબ નિરાશ થયા છીએ, પરંતુ જે સભ્ય દેશોએ ભારતના સમર્થનમાં પ્રસ્તાવ મૂક્યો અને સાથ આપ્યો તે તમામને ધન્યવાદ. ચીને યુએનએસસીમાં ભારત વિરુદ્ધ સ્ટેન્ડ લેતાં સોશિયલ મીડિયામાં પણ ભારે રોષ ફેલાયો છે અને ભારતમાં #BoycottChina હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યો છે. લોકોએ ચીનની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરીને તેને આર્થિક ફટકો મારવાની અપીલ પણ કરી છે.

You might also like