મથુરામાં પત્નીએ ફાંસો ખાધો અને પતિ લાઈવ વીડિયો ઉતારતો રહ્યો

મથુરા: મથુરામાં બનેલી એક અજીબોગરીબ ઘટનામાં સાસરિયાંઓ દ્વારા દહેજના મામલે સતત અપાતા ત્રાસના કારણે એક પરિણીતાએ ફાંસો ખાધો હતો ત્યારે તેનાે પતિ તેને બચાવવાના બદલે તેની પત્નીનો ફાંસો ખાધેલી હાલતમાં જ લાઈવ વીડિયો ઉતારતો રહ્યો હતો. લોકોએ પણ આવી ઘટના અંગે અચરજ અનુભવ્યું હતું.

મથુરાની બુદ્ધવિહાર કોલોનીમાં રહેતી એક પરિણીતાએ તાજેતરમાં એક રાતે તેના ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો, જેની જાણ થતાં જ પોલીસ અને કોલોનીના અન્ય રહીશો તથા પરિણીતાનાં અન્ય પરિવારજનો તેના રૂમમાં પહોંચી ગયાં હતાં. પોલીસે આ ઘટનામાં પરિણીતાનાં સાસરિયાંઓ સામે દહેજના ત્રાસ અંગે ગુનો દાખલ કરી આ કેસની તપાસ હાથ ધરી છે તેમજ પરિણીતાના પતિ રાજ કપૂર અને સાસુ વિમલાની ધરપકડ કરી તેમને જેલમાં મોકલી આપ્યાં છે.

ગીતાની નણંદ ફાંસો નહિ ખાવા જણાવી રહી હતી
આ ઘટના અંગે બે દિવસ બાદ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ૧૨ મિનિટ ૧૪ સેકન્ડના એક વીડિયોને જોઈ લોકોનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં, જેમાં પરિણીતા ફાંસા માટે ગાળિયો નાખતી અને તેનો પતિ રોકવાના બદલે સતત તેને ઉશ્કેરી રહેલો જોવા મળ્યો હતો અને તે વીડિયો બનાવતો હતો.

જ્યારે પરિણીતાની નણંદ દરવાજા બહાર ઊભી રહીને તેને આવું નહિ કરવા જણાવતી હતી. આ વીડિયો પરિણીતાનાં પરિવારજનોએ જ બનાવ્યો હતો. આ અંગે શહેરના એસપી શ્રવણકુમારે જણાવ્યું કે આ વીડિયો બહાર આવતાં પોલીસે તેની તપાસ કરી ગીતાએ આવું પગલું કેમ ભર્યું હતું તે અંગે તપાસ હાથ ધરી છે.

You might also like