હવે મથુરા-વૃંદાવનનાં મંદિરો કાર્ડથી દાન લેશે

આગ્રાઃ નોટબંધી બાદ મંદિરમાં રોકડના ચડાવાની કમીને જોતાં દેશનાં મશહુર તીર્થ સ્થળ મથુરા અને  વૃંદાવનનાં મંદિરોએ પણ હવે પ્લાસ્ટિક મની અપનાવવાનો નિર્ણય કર્યો છે. આ મંદિરો પોતાની ઓફિસ અને ડોનેશન કાઉન્ટર્સ પર કાર્ડથી પેમેન્ટ કરવાનાં મશીનો લગાવી દેશે.

આ વાતને સમર્થન આપતાં મથુરાના દ્વારકાધીશ મંદિરના જનસંપર્ક અધિકારી રાકેશ તિવારીએ જણાવ્યું કે અમે બેન્કને પહેલાં જ કાર્ડ સ્વાઈપ કરવાનાં મશીનો આપવાની અરજી કરી દીધી છે. તેમણે જણાવ્યું કે મંદિરમાં આવતાં દાનમાં સરેરાશ ૧.૫ લાખ રૂપિયાનો ઘટાડો થયો છે.

મથુરાના કૃષ્ણ જન્મભૂમિ મંદિરોએ પણ આ મશીનો મેળવવાની અરજી કરી દીધી છે. મંદિર ટ્રસ્ટના સચિવ કપિલ શર્માએ જણાવ્યું કે આનો સૌથી પહેલો ઉપયોગ ગેસ્ટ હાઉસમાં થશે. અહીં લોકો રૂ.૭૦થી લઈને ૪૦૦ રૂપિયા સુધીનું ભાડું ચૂકવતા હોય છે. અન્ય મંદિરોઓ પણ ખૂબ જલદી મશીન લગાવવાનું વાત સ્વીકારી છે. તમામ મંદિરોએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે નોટબંધી બાદ સતત મંદિરોના ચઢાવામાં ઘટાડો થયો છે.
http://sambhaavnews.com/

You might also like