મથુરા ડબલ મર્ડરના સૂત્રધાર રંગા બિલ્લા, ચિમા સહિત છની ધરપકડ

મથુરા: યુપીના મથુરામાં હોલિગેટ ખાતે શરેઆમ ગત સોમવારે રાત્રે શરાફી વેપારીઓના ડબલ મર્ડર અને રૂ. ચાર કરોડની લૂંટ કેસમાં આજે સવારે અઢી કલાક ચાલેલા એન્કાઉન્ટર બાદ યુપી પોલીસને મોટી સફ‍ળતા મળી છે. સવારે ૪.૦૦થી ૬.૩૦ કલાક દરમિયાન અઢી કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ પોલીસને આ કેસના મુખ્ય સૂત્રધાર રંગા બિલ્લા અને ચિમા સહિત છ શખ્સની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી હતી. આરોપીઓ પાસેથી લાખોનું સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.

ગત સોમવારે બનેલી આ ચોંકાવનારી ઘટનાને લઈને યુપી પોલીસ પર ભારે દબાણ હતું. ત્યારે ગત ગુરુવારે મૃતક વેપારીના પરિવારજનોની ભૂખ હડતાળ બાદ ગઈ કાલે સમગ્ર રાજ્યમાં શરાફી વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ વ્યકત કરી પોલીસને ૪૮ કલાકમાં આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી આ કેસનો ખુલાસો કરવા ચેતવણી આપી હતી.

પોલીસે આ કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરતાં હવે આ કેસનો ખુલાસો થશે. દરમિયાન આ ઘટના બાદ મથુરાના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન શ્રીકાંત શર્મા પીડિત પરિવારોને મળવા ગયા હતા ત્યારે તેમણે આ કેસમાં યોગ્ય અને તટસ્થ તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. તેમજ સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામા આ‍વશે.તેમજ પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવશે તેમ જણાવી આ ઘટનાને લઈને સરકાર ગંભીર છે અને આ અંગેનો અહેવાલ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

આ ઘટના બાદ મુખ્યપ્રધાને ડીજીપી સામે નારાજગી વ્યકત કરી તપાસનો આદેશ આપ્યો હતો. તેમજ આ કેસમાં બેદરકારી દાખવવાના આરોપસર પાંચ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ કેસમાં એસએસપી બિપીન કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં આરોપીઓ સાથેની અથડામણ લાંબો સમય ચાલી હતી.જેમાં સાત પોલીસ કર્મચારીને ઈજા થઈ હતી. જ્યારે બે શખ્સને ગોળી વાગતાં તેમને સારવાર માટે ખસેડવામા આવ્યા છે. જ્યારે વિકાસ અગ્રવાલના નાના ભાઈ મયંક અગ્રવાલ, દુકાનના કારીગર અશોક સાહુ અને મહંમદ અલીની સારવાર ચાલી રહી છે.

આ કેસની તપાસ માટે પાંચ ટીમની રચના કરવામાં ‍આવી હતી. આ ઉપરાંત હુમલાખોરો દ્વારા લૂંટવામાં ‍આવેલા દાગીના જપ્ત કરી લેવામા આવ્યા છે. તેમજ કેટલાંક હથિયાર પણ કબજે કરાયાં છે. આ કેસમાં પોલીસે કુલ ૨૦ આરોપીની અટકાયત કરી હતી તેના આધારે આરોપીઓની ઓળખ થઈ શકી હતી.
http://sambhaavnews.com/

You might also like