મેચની ટિકિટો મતમાં ફેરવવાના પેંતરા

ઉત્તર પ્રદેશમાં ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ યુપી પોલીસતંત્રમાં ચિંતાનાં વાદળ ઘેરાયાં છે. ચૂંટણીને કારણે તો હવે પોલીસતંત્ર સાબદું બન્યું જ છે પણ હાલમાં તો તેમને ચિંતા છે ૨૬ જાન્યુઆરીએ કાનપુરમાં યોજાનારી મેચની. યુપી પોલીસ હાલમાં ‘સીઆઇડી’ના ‘એસીપી પ્રદ્યુમ્ન મૉડ’માં આવી ગઇ છે અને ‘કુછ તો ગડબડ હૈ’ ની આશંકા વ્યક્ત કરી રહી છે. પોલીસતંત્રનું માનવું છે કે ૨૬ જાન્યુઆરીએ યોજાનારી મેચની ટિકિટો વહેંચીને રાજકીય પક્ષો મત ખરીદી શકે છે. આ આશંકાના પગલે પોલીસતંત્ર દ્વારા વિવિધ ટીમ બનાવવામાં આવી છે, જે આ સમગ્ર મામલા પર નજર રાખશે તેમજ સિવિલ ડિફેન્સ અને સ્પેશિયલ પોલીસ ઓફિસરોની મદદ લેવાની તૈયારી હાથ ધરાઇ છે.

૨૬ જાન્યુઆરીએ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-૨૦ મેચ યોજાવાની છે. આ સ્ટેડિયમમાં ૨૫ હજાર લોકોને સમાવવાની ક્ષમતા છે. ૨૪ જાન્યુઆરીથી ચૂંટણીના નોમિનેશનની પ્રક્રિયા શરૂ થવાની છે. આ સમયગાળામાં રાજકીય પક્ષો ક્રિકેટ મેચની ટિકિટની લાલચ આપીને પ્રજાના મત ખરીદી શકે છે એવું માનવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસ વિભાગનું કહેવું છે કે તે સમગ્ર હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને કોઇ અનિચ્છનીય ઘટના ઘટે તો કાર્યવાહી કરવા માટે પણ સજ્જ છે.

http://sambhaavnews.com/

You might also like