PSL: ફિક્સિંગના આરોપમાં નાસિર જમશેદ સસ્પેન્ડ

કરાચીઃ પાકિસ્તાન સુપર લીગ (PSL)ને હચમચાવી નાખનારું મેચ ફિક્સિંગ પ્રકરણ હવે વધુ મોટું થતું નજરે પડી રહ્યું છે. રાષ્ટ્રીય ટેસ્ટ ટીમની બહાર રહેલા નાસિર જમશેદને કહેવાતા આ ફિક્સિંગમાં સામેલ થવાને કારણે ક્રિકેટનાં બધાં ફોર્મેટમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે જમશેદ ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ક્રિકેટનાં બધાં ફોર્મેટમાંથી સસ્પેન્ડ રહેશ. ડાબોડી બેટ્સમેન જમશેદ પાકિસ્તાન તરફથી બે ટેસ્ટ, ૪૮ વન ડે અને ૧૮ ટી-૨૦ મેચ રમ્યો છે. તે છેલ્લે ૨૦૧૫ના વિશ્વકપ દરમિયાન પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમનો હિસ્સો હતો.

આ પહેલાં ફાસ્ટ બોલર મોહંમદ ઇરફાનની પણ ફિક્સિંગના મામલામાં પૂછપરછ કરવામાં આવી હતી. પાકિસ્તાન બોર્ડનું કહેવું છે કે ઇરફાન હજુ તપાસના દાયરામાંથી બહાર નથી.

પાકિસ્તાન દ્વારા છેલ્લા ઘણા સમયથી જેની સતત અવગણના થઈ રહી છે શાહિદ આફ્રિદીએ ફિક્સિંગ મામલે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું, ”હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે જ્યાં સુધી પીસીબી ફિક્સર ખેલાડીઓને સજા કરીને દાખલો નહીં બેસાડે ત્યાં સુધી ફિક્સિંગને રોકવું મુશ્કેલ છે. તમે કલંકિત ખેલાડીઓને વાપસી કરવાની તક આપી રહ્યા છો તો આવી પરિસ્થિતિ સર્જાવાની જ છે. આનો શો ફાયદો છે કે જ્યાં પાંચ વર્ષ પછી પણ ફિક્સિંગ કરનારા ખેલાડી વાપસી કરી રહ્યા છે.”
http://sambhaavnews.com/

You might also like