મસૂરીની વાદીઓમાં જિંદગીભરના સંબંધ જોડતા IAS અધિકારીઓ

નવી દિલ્હી: તાજેતરમાં કેન્દ્ર સાથે ત્રણ મહિનાની ટ્રેનિંગનું પોતાનું પહેલું એસાઇમેન્ટ પૂરું કરી રહેલા ર૦૧૬ના ૧પ૬ આઇએએસ અધિકારીઓની બેચે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેમાંથી ૧ર કપલ એવાં છે જેમણે મસૂરીની લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં ટ્રેનિંગ દરમિયાન લગ્ન કર્યાં. એક અન્યએ ર૦૧૭ બેન્ચની એક જુનિયર અને એક અન્ય એ પોતાના ‌સિનિયર સાથે લગ્ન કર્યાં.

આઇએએસ અધિકારીઓનું પોતાના બેચમેટ કે અન્ય બેચના અધિકારીઓ સાથે લગ્ન કરવા કોઇ નવી વાત નથી, પરંતુ છેલ્લી ત્રણ બેચમાં આવા કપલની સંખ્યા આશ્ચર્યજનક રહી. ર૦૧૭ની બેચના છ અધિકારીઓ હજુ મસૂરીમાં ટ્રેનિંગ પિરિયડમાં છે તેમણે સાથી આઇએએસ અધિકારીઓ સાથે લગ્ન કર્યાં. ર૦૧પની બેચના ૧૪ અધિકારીઓએ બેન્ચમેટ કે જુનિયર અથવા સિનિયરને જીવનસાથી તરીકે પસંદ કર્યા.

ર૦૧પના આઇએએસ ટોપર ટીના ડાભી અને અતહર આમીર ખાનના લગ્ન બહુચર્ચિત રહ્યાં. ર૦૧૭માં કમ સે કમ બાવન આઇએએસ અધિકારીઓ પોતાના સાથી અધિકારીઓ સાથે લગ્ન કરી ચૂકયાં છે. ગૃહ સચિવ જી.કે. પિલ્લઇએ કહ્યું કે મસૂરી સુંદર અને રોમેન્ટિક જગ્યા છે. યુપીએસસી પરીક્ષા પાસ કરવાની જહેમત બાદ યુવા અધિકારીઓ ટ્રેનિંગ માટે એકેડેમીમાં આવે છે અને તેમને પ્રેમ થઇ જાય છે.

કેરળ કેડરના પિલ્લઇનો અનુભવ પણ કંઇક એવો જ છે. તેમણે ૧૯૭રની બેન્ચની પોતાની બેચમેટ સુધા પિલ્લઇ સાથે લગભગ ૪પ વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતાં. આજ એકેડેમીમાં ટ્રેનિંગ દરમિયાન પ્રેમ થઇ ગયો હતો. પિલ્લઇએ જણાવ્યું કે એકેડેમીના ડિરેકટરે ત્યારે અમને લગ્ન કરવા માટે વીકએન્ડ પર ત્રણ દિવસની રજા આપી હતી. અમે ચંડીગઢથી સોમવારે પાછા આવ્યાં અને એ જ દિવસે અમે ક્રોસ કન્ટ્રી રેસમાં ભાગ લીધો હતો.

આ સ્થિતિ સરકાર માટે થોડી પરેશાની ઊભી કરનારી છે. કેમ કે વિવાહિત અધિકારીઓમાંથી એકની કેડર બદલવી પડે છે. જેથી બંને એક જ રાજ્યમાં કામ કરી શકે. નિયમ એ છે કે આઇએએસ અધિકારી પોતાનાં ગૃહ રાજ્યમાં ટ્રાન્સફર ન લઇ શકે. ભાગ્યે જ આ લોકોને આવી છૂટ આપવામાં આવે છે.

એક આઇએએસ અધિકારીએ કહ્યું કે જયારે જીવનસાથી આઇએએસ અધિકારી હોય તો તે મારી જિંદગી અને કામકાજને યોગ્ય રીતે સમજી શકે છે. જોકે વિવિધ જિલ્લાઓમાં વારંવાર થતી ટ્રાન્સફર મુશ્કેલ પણ હોય છે.

You might also like