મસ્તી મસ્તીમાં મિત્રો ઝઘડ્યા એકે બીજાને ચપ્પાના ઘા માર્યા

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના મિત્રે ચપ્પા વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.મસ્તી કરવા બાબતે યુવક પર તેના મિત્રએ હુમલો વટવા પોલીસે હુમલો કરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

વટવા વિસ્તારમાં આવેલા સાંઈનાથ એપાર્ટમેન્ટમાં રહેતા કનૈયા ઠાકોરે વટવા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશની ફરિયાદ દાખલ કરી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર કનૈયા અને તેનો મિત્ર રાજ ગઇ કાલે બપોરે રિક્ષામાં જતા હતા ત્યારે હાથીજણ પાસે મસ્તી મસ્તીમાં બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને ગઈ કાલે રાતે આઠ વાગ્યાના સમયે કનૈયા પુનિતનગર પાસે ઊભો હતો ત્યારે રાજ તેની પાસે ગયો હતો અને બપોરે કેમ ઝઘડો કરતો હતો તેમ કહીને બિભસ્ત ગાળો બોલી બબાલ શરૂ કરી હતી. કનૈયાએ ગાળો બોલવાની ના કહેતાં રાજ તેની પર ઉશ્કેરાયો હતો અને એકાએક હુમલો કરી દીધો હતો.

રાજે કનૈયાને પેટમાં અને હાથના ભાગે ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા અને ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત કનૈયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ વટવા પોલીસને થતાં તેઓ તાત્કા‌લિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને રાજ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તાપસ હાથ ધરી હતી.

You might also like