પાકિસ્તાન પર જંગી દેવું : આર્થિક હાલત ગ્રીસ કરતા પણ વધુ ખરાબ

નવી દિલ્હી : નવાઝ શરીફ અને રાહીલ શરીફના કારણે આ વર્ષે પાકિસ્તાન એક-એક દાણા માટે તરફડે એવી શકયતા છે. આ બંનેના કારણે આ વર્ષે પાકિસ્તાન દેવાળુ ફૂંકે તેવી શકયતા છે. આ વર્ષે પાકિસ્તાને પ૦ બિલિયન ડોલરનું દેવુ ચુકવવાનું છે. ભારતીય રૂપિયામાં આ રકમ ૩ લાખ ૪૦ હજાર કરોડ રૂપિયા બને છે અને પૂરી આશંકા છે કે પાકિસ્તાન આ રકમ ચુકવી નહીં શકે. પ૦ બિલિયન ડોલરની રકમ વિશ્વના કેટલાંક દેશોની કુલ અર્થવ્યવસ્થા કરતા પણ વધારે છે.

આ રકમને પાકિસ્તાને આવતા કેટલાક મહિનાઓમાં વિશ્વના અનેક મોટા દેશો અને મોટી સંસ્થાઓને પરત કરવાની છે પરંતુ દિવસ-રાત ભારત વિરુધ્ધ વિચારતા આ દેશની એટલી હેસિયત નથી કે તે એક સાથે આટલી મોટી રકમ ચુકવી શકે. હાલના મહિનાઓમાં જ પાકિસ્તાનના પીએમ વિશ્વભરમાં જુઠાણું ફેલાવે છે કે, પાકિસ્તાનનું અર્થતંત્ર સુધરી રહ્યં છે. તેમનું આ જુઠાણું ટૂંક સમયમાં પકડાઈ જવાનું છે.

મળતી માહિતી મુજબ પાકિસ્તાનની હાલત આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા ગ્રીસ, વેનેઝુએલા અને પોર્ટુગલથી પણ વધુ ખરાબ થઇ રહી છે. એવું માનવામાં આવતું હતું કે, પાકિસ્તાન ૪ ટકાથી વધુનો વિકાસ દર હાંસલ કરશે તેવે ટાણે આવું થઇ રહ્યું છે. આટલો વિકાસ દર પાકિસ્તાન છેલ્લા ૮ વર્ષમાં પણ મેળવી શકયો નથી. પાકિસ્તાનનું કુલ અર્થતંત્ર ર૩ર બિલિયન ડોલરનું છે. આમાંથી પાકિસ્તાન ૧૬૦ બિલિયન ડોલરનું દેવું છે.

લોનનો હપ્તો ચુકવવા માટે પણ પાકિસ્તાને અનેક વખત લોન લીધી છે. ર૦૧૩માં હપ્તો ચુકવવા માટે પાકિસ્તાને આઇએમએફ પાસેથી ૭ બિલિયન ડોલરની લોન લીધેલી છે. હવે પાકિસ્તાનની હાલત જોતા તેને વધુ લોન મળવાની શકયતા નથી. ત્રાસવાદ પર બેફામ ખર્ચ કરનાર આ દેશ પોતે જ બનાવેલી જાળમાં ફસાઇ ગયો છે. દેવુ ઉતારવા માટે આઇએમએફએ અનેક વખત પાકિસ્તાન પર આર્થિક સુધારા માટે પ્રેશર કર્યું છે પરંતુ નવાઝ શરીફ કશું કરી ચુકયા નથી.

નવાઝ શરીફે કેટલીક સરકારી કંપનીઓના ખાનગીકરણનો પ્રયાસ કર્યો પરંતુ દેશવ્યાપી હડતાલે તેમને પીછેહઠ કરી દેવા મજબુર કરી દીધા હતા. પાકિસ્તાનનું કુલ બજેટ ૮ લાખ ૪૩ હજાર કરોડ રૂપિયાનું છે. તેને ૬ લાખ પ૦ હજાર કરોડ રૂપિયા લોનના હપ્તા તરીકે ચુકવવા પડે છે.

સ્પષ્ટ છે કે, તેની પાસે આ વર્ષે ચુકવવા માટે ૩ લાખ ૪૦ હજાર કરોડ રૂપિયા નહીં હોય. આથી તેની હાલત ગ્રીસથી પણ ખરાબ હશે. ઈંગ્લેન્ડના એક રિપોર્ટ મુજબ પાકિસ્તાન પર અસ્તિત્ત્વનું સંકટ છે.

You might also like