મસૂદ અઝહરને યુએન આજે ‘વૈશ્વિક આતંકી’ જાહેર કરશે: ચીન પોતાનો વીટો પાછો ખેંચશે

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરનો ખરાબ સમય આજથી શરૂ થશે. જે ફેંસલાની રાહ દરેક ભારતવાસી લાંબા સમયથી જોઈ રહ્યો હતો એ આખરે આજે લેવાઈ જશે. પુલવામા આતંકી હુમલાના ગુનેગાર અને ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને આજે સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ‘વૈશ્વિક આતંકી’ જાહેર કરશે. ભારત છેલ્લા ઘણા સમયથી મસૂદ અઝહરને ‘ગ્લોબલ ટેરરિસ્ટ’ જાહેર કરવામાં આવે એ માટે મથી રહ્યું છે, પણ ચીન દરેક વખતે પોતાનો વીટો પાવર વાપરીને મસૂદ અઝહરને બચાવતું આવ્યું છે. હવે ચીન તેનો વીટો પાવર હટાવવા માટે તૈયાર થયું છે.

આજે મળનારી સંયુક્ત રાષ્ટ્રની આગત્યની ૧૨૬૭ સમિતિની બેઠક અગાઉ ચીને એવા સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, તે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં કોઈ વિઘ્ન નહીં નાખે. ચીન પોતાનો વીટો પાવર પાછો ખેંચી લે પછી યુએન અઝહર પર કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર, અમેરિકા, યુકે અને ફ્રાન્સ તરફથી સંયુક્ત રીતે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ચીન પર ચોતરફથી દબાણ સતત વધતું ગયું હતું. ભારત છેલ્લા એક દાયકાથી કોશિશ કરી રહ્યું છે કે, મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરી તેના પર કેટલાંક ખાસ કડક પ્રતિબંધો લાદવામાં આવે, પણ ચીન વારંવાર વીટો પાવર વાપરીને આતંકીને બચાવતું રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલા બાદ ભારતે મસૂદ અઝહર પર પ્રતિબંધો લાદવાની કોશિશોમાં પૂરું જોર લગાવી દીધું હતું. આ માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો હતો. ચીને વિઘ્ન નાખ્યા બાદ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે ભારતના પ્રસ્તાવને આગળ વધાર્યો હતો અને આખરે વૈશ્વિક દબાણ સામે ચીને ઝૂકવાની ફરજ પડી છે.

ઉલ્લેખનીય છે કે, પહેલી લખત જમ્મુ-કાશ્મીરમાં કોઈ આતંકી હુમલાના કારણે એક આતંકીને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવશે. આ પહેલા હાફિઝ સઈદને મુંબઈ આતંકી હુમલા બાદ ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવ્યો હતો. મસૂદ અઝહર પર આજે જે કડક પ્રતિબંધો અને નિયંત્રણો લાગુ પડશે તે પણ ભારતની સૌથી મોટી કૂટનૈતિક જીત ગણાશે તેવું નિષ્ણાતો માને છે.

ચીને જણાવ્યું છે કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના મામલે પ્રતિબંધ સમિતિમાં વિચાર-વિમર્શ જારી છે અને આ મામલે તોડી પ્રગતિ પણ થઈ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે જણાવ્યું હતું કે, યુએનની આગામી બેઠકમાં આ મુદ્દાનું નિરાકરણ લાવી દેવામાં આવશે અને ચીન હકારાત્મક દિશામાં આગળ વધશે.

મસૂદ અઝહર પર ક્યા ક્યા પ્રતિબંધો આવી શકે છે?
• દુનિયાભરના દેશમાં મસૂદ અઝહરના પ્રવેશ પર પ્રતિબંધ
• મસૂદ અઝહર કોઈ પણ દેશમાં આર્થિક વ્યવહારો કરી શકશે નહીં
• યુએનના તમામ સભ્ય દેશોએ મસૂદનાં બેન્ક એકાઉન્ટ્સ અને પ્રોપર્ટી ફ્રીઝ કરવી પડશે
• મસૂદ સાથે જોડાયેલી વ્યક્તિઓને કે તેમની સંસ્થાઓને કોઈ મદદ મળશે નહીં
• પાકિસ્તાનને પણ મસૂદ પર આર્થિક પ્રતિબંધો લાદવાની ફરજ પડશે
• પાકિસ્તાને મસૂદ સંચાલિત તમામ ટેરર કેમ્પ અને તેના મદરેસાઓ બંધ કરવા પડશે

You might also like