નવી દિલ્હી: ચીનને આ સપ્તાહના અંત સુધીમાં મસૂદ અઝહર અને આતંકી સંગઠન જૈશ-એ-મહંમદ પરના પ્રતિબંધ અંગે તેનું વલણ સ્પષ્ટ કરી દેવા ભારતે ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો હજુ પણ ચીન મસૂદને બચાવવા પ્રયાસ કરશે તો ભારત ચીન સામે આકરાં પગલાં લઈ શકે છે.
સંયુકત રાષ્ટ્ર સંઘના 15 દેશના સમૂહમાં માત્ર ચીને જ અઝહરને આતંકી જાહેર કરવાની વાતનો વિરોધ કર્યો હતો. મસૂદને જો આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકી જાહેર કરવામાં આવે તો તેની સંપત્તિ ફ્રીઝ કરી દેવામાં આવશે અને તેની યાત્રા પર પણ પ્રતિબંધ આવી શકે છે. જો ચીન તેનું વલણ બદલે તો મસૂદ આપોઆપ આતંકી જાહેર થઈ શકે છે અને જૈશ-એ-મહંમદ પણ આતંકી સંગઠનની યાદીમાં સામેલ થઈ જશે.