મસ્કતી કાપડ માર્કેટ મહાજનની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ

અમદાવાદ: વર્ષ ૨૦૧૬થી ૨૦૧૯ એમ ત્રણ વર્ષ માટે મસ્કતી કાપડ માર્કેટ મહાજનની મેનેજિંગ કમિટીની ચૂંટણી જાહેર થઇ છે. ૨૧ સભ્યોના મેનેજિંગ કમિટીની આ ચૂંટણી સંબંધે પ્રથમ દિવસે ગઇ કાલે ૨૦થી વધુ ફોર્મ ગયા હતા. ૧૧૧ વર્ષથી જૂના કાપડ માર્કેટના આ મહાજનની મેનેજિંગ કમિટીની ચૂંટણીનાં ફોર્મ આવતી કાલ સુધી ભરાશે અને આવતી કાલે સાંજે તેની ચકાસણી કરાશે. મહાજને સૂચવેલા ધારાધોરણ મુજબ આ ફોર્મની ચકાસણી થશે ત્યાર બાદ ઉમેદવારોનાં નામોની યાદી જાહેર કરવામાં આવશે.

જે ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચવા ઇચ્છતા હશે તેઓ ૧૬.૦૪.૨૦૧૬, શનિવારે સાંજે ૫.૦૦ વાગ્યા સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે.  કાપડ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ગઇ કાલે પ્રથમ દિવસે ૨૦થી વધુ ફોર્મ ગયા હતા, જોકે આ ફોર્મમાંથી કેટલાં ફોર્મ ભરાય છે તથા કેટલા ફોર્મ રદ થાય છે અને ભરાયેલાં ફોર્મ પાછા શનિવાર સુધી પાછાં ખેંચી શકાય છે. શનિવાર બાદ જ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.  ઉલ્લેખનીય છે કે મસ્કતી કાપડ માર્કેટ મહાજનની ચૂંટણી આગામી ૨૫ એપ્રિલ, સોમવારના રોજ જાહેર કરવામાં આવી છે.

You might also like