હવે પિકનિક પર લઇ જવા માટે ઘરે જ તૈયાર કરો મસાલેદાર ખાખરા

ગુજરાતીઓનો પર્યાય એટલે ખાવાપીવાનાં રસિયા. જેમાં ખાસ કરીને ઢોકળા, ફાફડા, હાંડવો અને ખાખરા જેવી વાનગીઓનું નામ આવે કે તુરંત જ મોમાંથી પાણી આવી જશે અને જો એમાંય ચા સાથે ખાખરા ખાવાની તો મજા જ કંઈક ઓર છે. પરંતુ આજે અમે તમને શીખવીશું કુરકુરા મસાલા ખાખરા બનાવતા.

એમાંય આ ખાખરા બનાવવાની રીત પણ સાવ સહેલી છે. જે લાંબો સમય સુધી ટકી પણ રહે છે. જો તમે ક્યાંક ફરવા જવાનો પ્લાન કર્યો હોય તો તેવા સમયે બનાવવાની મજા જ કંઇક ઓર છે.

સામગ્રીઃ
1 કપઃ ઘઉંનો લોટ
2 ચમચી: બેસન
2થી 3 ચમચીઃ તેલ
1 ટેબલ સ્પૂનઃ કસૂરી મેથી
1/4 નાની ચમચીઃ
એક ચપટીઃ અજમો અને હીંગ
1/4 નાની ચમચીઃ હળદર પાવડર
1/4 નાની ચમચીઃ જીરું
1/4 ચમચીઃ લાલ મરચું પાવડર
1 (ઝીણી સમારેલી): લીલા મરચાં
સ્વાદ અનુસારઃ મીઠું
1/2 કપઃ દૂધ

બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ એક કથરોટ લો. તેમાં ઘઉંનો લોટ કાઢી લો. ત્યાર બાદ તેની અંદર બેસન, કસુરી મેથી, અજમો, હીંગ, હળદર, જીરું, લાલ મરચું, સમારેલા ઝીણાં લીલાં મરચાં, મીઠું અને 2 નાની ચમચી જેટલું તેલ નાખીને દરેક વસ્તુઓને બરાબર મિક્ષ કરી લો. થોડું-થોડું દૂધ નાખીને રોટલીનાં લોટ જેવો જ સખત લોટ બાંધી લો. હવે જો જરૂરીયાત જણાય તો 1-2 ચમચી પાણી પણ નાખો. હવે લોટને ઢાંકીને તેને 15થી 20 મિનિટ સુધી મુકી દો. હવે તમારો આ લોટ તો તૈયાર થઇ જશે.

હવે પછી હાથ પર થોડુંક તેલ લગાવીને લોટને બરાબર મસળી લો. પછી લોટમાંથી નાનાં નાનાં ગુલ્લાં તોડી લો. હવે એક ગુલ્લો ઉઠાવો અને તેને બરાબર મસળીને તેને ગોળ ગોળ બનાવીને બાદમાં એક ગ્લાસમાં મુકી દો. બધાં જ ગુલ્લાં આ રીતે બનાવીને તૈયાર કરી લો. હવે એક ગુલ્લાંને એટલે કે લોઇને બરાબર વણી લો. જો તે લોટ ચોંટે તો તેને લોટમાં લપેટીને બિલકુલ સારી રીતે હળવેકથી પાતળી રોટલી વણી લો.

હવે તવો ગરમ કરો અને આ વણેલી રોટલીને તવા પર શેકો.
રોટલી એક બાજુ થોડી શેકાયા બાદ ખાખરાની ઉપરની બાજુનો કલર બદલાઇ જાય છે. હવે તેને પલ્ટી નાખો અને બીજી બાજુ પણ આ જ રીતે શેકો અને ફરી વાર તેને પલ્ટો. હવે કોઇ સ્વચ્છ કપડાંને ખાખરાની ચારે બાજુથી હલકા હાથે દબાવીને ધીમા તાપે તેને પલ્ટી પલ્ટીને શેકો એટલે કે ધ્યાન રાખજો કે આ ખાખરા બંને બાજુથી બ્રાઉન ટપકાંવાળા બનવા જોઈએ.

હવે આ શેકેલો ખાખરો તમે પ્લેટમાં મૂકી દો. મહત્વનું છે કે આ જ રીતે દરેક ખાખરા તૈયાર થઇ જશે. આ ખાખરાને આપ તેલ લગાવીને પણ શેકી શકો છો. જેવા તમારા આ ખાખરા તૈયાર થાય કે તુરંત જ તેને ઠંડા કરીને એક એરટાઈટ ડબ્બામાં ભરી લો અને હવે તમે તેને પિકનિક પર નાસ્તા માટે લઇ જશો. મહત્વનું છે કે જ્યારે તમે 10 જેટલાં ખાખરા બનાવશો ત્યારે તેમાં 60 મિનીટ જેટલો સમય લાગશે.

You might also like