શહીદ દિન-૩૦મી જાન્યુઆરી સમગ્ર દેશમાં શહીદોની યાદીમાં બે મિનિટનું મૌન પળાશે

અમદાવાદ: ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદવીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૧૬ને શનિવારના રોજ શહીદ દિને સવારે ૧.૦૦ વાગ્યે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરો પ્રત્યેનું ઋણ અદા કરાશે. સમગ્ર દેશમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જણાવાયું છે.

શનિવાર તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૧૬એ સવારે ૧૦.૫૯થી ૧૧.૦૦ વાગ્યા સુધી સાયરન વગાડાશે. સાયરન બંધ થાય કે તુરંત જ જ્યાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઊભા રહી, શક્ય હોય તો ભેગા મળી, મૌન પાળે, જ્યાં શક્ય હોય ત્યાં વર્કશોપ, કારખાના અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં આવે. આકાશવાણી બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખે અને રસ્તાઓ પરના વ્યવહાર શક્ય હોય ત્યાં સુધી થંભી જાય તે જોવા વિનંતી કરવામાં આવી છે. મૌનનો સમય પૂરો થયો છે એમ બતાવવા બરાબર ૧૧.૦૨થી ૧૧.૦૩ વાગ્યા સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવું.

જે સ્થળોએ સાયરન અથવા અનવ્ય કોઈ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે ૧૧.૦૦ વાગ્યે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતાં આદેશો સંબંધિત તમામ કર્મચારીઓએ બહાર પાડવાના રહેશે. ગાંધીનગરમાં પણ સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ સચિવાલય, સરકિટ હાઉસ, પ્રેસ, વિધાનસભા-સચિવાલય અને પાટનગર યોજના ભવન ઉપર સાયરનો મુકવામાં આવી છે તે સાયરનો ઉપર મુજબના સમયે વગાડવામાં આવશે.

You might also like