એક એવી રેસ્ટોરાં, જેમાં શહીદોનાં પરિવારજનો પાસે પૈસા લેવાતા નથી

રાયપુર: રાયપુરમાં રેલવે સ્ટેશન પાસે એક એવી રેસ્ટોરાં અાવેલી છે, જ્યાં કોઈ સૈનિક ભોજન કરવા અાવે તો તેને ૨૫થી ૫૦ ટકાની છૂટ અાપવામાં અાવે છે. સાથે-સાથે દેશ માટે શહીદ થયેલા સૈનિકોનાં પરિવારજનો પાસેથી એક પણ પૈસો લેવામાં અાવતો નથી.

રેસ્ટોરાંના મુખ્ય દ્વાર પર તેની સૂચના લખવામાં અાવી છે. બિલમાં છૂટ અાપવાનો એકમાત્ર ઉદ્દેશ્ય સૈનિકો અને તેમનાં પરિવારજનોનું સન્માન કરવાનો છે. નીલકંઠ રેસ્ટોરાંના સંચાલક મનીષ દુબે કહે છે કે મીડિયામાં હંમેશાં સૈનિકો શહીદ થવાના સમાચાર જાણવા-સાંભળવા મળે છે, જેથી શહીદો અને તેમનાં પરિવારજનો પ્રત્યે દિલમાં સન્માનની ભાવના અાવે છે.

અમારા જેવા સામાન્ય લોકો સીમા પર જઈને દેશની સેવા તો કરી શકતા નથી, પરંતુ સૈનિકો પ્રત્યે મનમાં અાદર, સન્માન અને પ્રેમની ભાવના ચોક્કસ હોય છે. મારી મા કહેતી હતી કે મારા પિતા સેનામાં જઈ દેશની સેવા કરવા ઇચ્છતા હતા, પરંતુ કસમયે પિતાજીનું મૃત્યુ થયું અને તેમનું સ્વપ્ન અધૂરું રહી ગયું.

જ્યારે હું મોટો થયો ત્યારે મને મારા પિતાની ઇચ્છા અંગે જણાવવામાં અાવ્યું ત્યારે મને વિચાર અાવ્યો કે હું દેશના અસલી હીરો માટે શું કરી શકું. ધીમે ધીમે મેં એક રેસ્ટોરાં ખોલી. છત્તીસગઢના જે યુવાનો સેનામાં છે તે રજાઅોમાં ઘરે અાવતા-જતા રહે છે. તેમને જોઈને ખ્યાલ અાવ્યો કે હું મારી રેસ્ટોરાંમાં ભોજન કરાવીને તેમનું સન્માન કરું. શરૂઅાતમાં હું ભોજન કરાવવાના બદલામાં પૈસા લેતો ન હતો, પરંતુ તેનાથી સૈનિકોના અાત્મસન્માનને ઠેસ પહોંચતી હતી. તેથી મેં તેમને ડિસ્કાઉન્ટ અાપવાનું શરૂ કર્યું. શહીદનાં પરિવારજનો જો અા રેસ્ટોરાંમાં અાવે તો તેમને ફ્રીમાં ભોજન કરાવવામાં અાવે છે.
http://sambhaavnews.com/

You might also like