સર્વનું મંગળ કરનાર મંગળ ગ્રહની ઉત્પત્તિ કથા

મંગળ સંશોધકોનો સૌથી પ્રિય ગ્રહ રહ્યો છે. મંગળ પર અવનવા સંશોધનો કરીને નીતનવું જાણવાની રુચિ વર્ષો જૂની છે. આપણા ધર્મગ્રંથોમાં મંગળનાં રસપ્રદ વર્ણનો છે. મંગળની ઉત્પત્તિ વિશે પણ એટલી જ રોચક માહિતી મળી આવે છે. મંગળ ભગવાન શિવ અને પૃથ્વીનો પુત્ર હોવાનું વ્યાપકપણે આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે. એટલું જ નહીં મંગળનું કામ જ માતા પૃથ્વીનું રક્ષણ કરવાનું છે. આપણા ધર્મશાસ્ત્રો શું કહે છે? આપણી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે મંગળની ઉત્પત્તિ કેવી રીતે થઇ અને તે કોનું પ્રતીક મનાય છે? આપણા ધર્મગ્રંથોમાં મંગળના જન્મ અંગે રસપ્રદ વર્ણનો મળે છે. આ સિવાય જ્યોતિષ વિદ્યામાં પણ મંગળનું વિશેષ સ્થાન છે. મંગળ શૌર્યનાં અને યુદ્ધના દેવતા ગણાય છે. શિલ્પ, નૃત્ય અને નાટ્ય જેવી કલાના ઉપાસકો માટે મંગળની હંમેશાં કૃપાદૃષ્ટિ હોય છે એમ કહેવાયું છે. ત્યારે અહીં મંગળ ગ્રહ વિશે થોડું શાસ્ત્રીય અને ધાર્મિક બાબતો જાણવા જેવી છે.

મંગળની ઉત્પત્તિ અંગે સ્કંદપુરાણના અવંતિ ખંડમાં કરાયેલા વર્ણન પ્રમાણે જ્યારે ભગવાન શિવ અંધકાસુર નામના દૈત્ય સાથે ભીષણ યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે ભગવાન શંકરના કપાળમાંથી પ્રસ્વેદરૂપે પૃથ્વી પર બિંદુ પડ્યું અને એમાંથી ભગવાન શિવના ક્રોધના પ્રતીક જેવો એક લાલ વર્ણનો કિશોર ઉત્પન્ન થયો. તેણે રક્ત પુષ્પની માળા પહેરી હતી અને તેનો દેખાવ એકદમ રક્ત જેવો હતો. તેણે અંધકાસુરનો વધ કરવામાં ભગવાન શંકરની મદદ કરી. એનાથી પ્રસન્ન થઇે ભગવાન શિવે તેને રાજધર્મનો અધિપતિ બનાવ્યો અને તેને સદૈવ માટે અંતરિક્ષમાં માનભર્યું સ્થાન પણ આપ્યું. વળી તેણે જન્મતાની સાથે જ યુદ્ધમાં કુશળતા બતાવી એટલે મહાદેવે તેને યુદ્ધના દેવતા તરીકે પણ સન્માન આપ્યું. શાસ્ત્રો પ્રમાણે પૃથ્વીના આ પુત્રનું મુખ્ય કામ પૃથ્વીનું રક્ષણ કરવાનું છે. એમ મનાય છે કે ભારતભરમાં માત્ર બે સ્થળો એવાં છે જ્યાં મંગળનાં મંદિર છે. એક મહારાષ્ટ્રના અમલનેરમાં મંગળનું મંદિર છે, જ્યારે બીજું મંદિર કોલકાતામાં આવેલું છે. ભાવિકો આ મંદિરોમાં મંગળ ગ્રહ દોષ નિવારણની પૂજા વિધિ કરવા માટે ખાસ આવતા હોય છે.

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના અમલનેરમાં આવેલું મંદિર ખાસ્સું મોટું છે. વિશાળ જગ્યામાં પથરાયેલું આ મંગળ મંદિર અમલનેરની ઓળખ જેવું બની ગયું છે. મંદિરના ગર્ભગૃહમાં મંગળ દેવતાની ત્રણ ચાર ફૂટની મૂર્તિ છે. રક્તવર્ણિત આ મૂર્તિ આરસના પથ્થરમાંથી બનેલી છે. પ્રવાસીઓ માટે મંદિરમાં સંકીર્તન હોલ, ભોજનાલય સહિતની બધી સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાવિકો આ મંદિરમાં દૂર દૂરથી મંગળ દોષ નિવારણ માટે આવે છે.

મંગળ ગ્રહનું આવું જ બીજું મંદિર કોલકાતામાં આવેલું છે. અમલનેર જેટલું વિશાળ ન હોવા છતાં કોલકાતાનું એ મંગળ મંદિર પશ્ચિમ બંગાળના ભવિકો માટે ખાસ મહત્ત્વનું રહેતું આવ્યું છે. ભારતમાં સંભવતઃ મંગળના આ બે જ મંદિર હોવાનું વ્યાપકપણે મનાય છે.
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like