મંગળ ગ્રહ વિવિધ પ્રકારનાં ખનિજ તત્ત્વોથી સમૃદ્ધ હોવાનો દાવો

વોશિંગ્ટન: બ્રિટન ખાતેની એડિનબર્ગ યુનિર્વિસટીના સીન મેકમોહને દાવો કરતાં જણાવ્યું હતું કે મંગળ ગ્રહની સપાટી પર અનેક પ્રકારના ખડકો અને પથ્થરો આવેલા છે અને તે વિવિધ ખનિજ તત્ત્વોથી સમૃદ્ધ છે, જ્યાં જૂનાં અશ્મિઓની શોધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સ્થળે જ્યારે લેન્ડરોવર મોકલવામાં આવ્યું ત્યારે ખડકો અને પથ્થરોથી સર્જાયેલાં તળાવમાં રહેલાં તત્ત્વોનો અને અશ્મિઓનો અભ્યાસ કરવાની વાતને અગ્રતા આપવામાં આવી હતી અને શક્ય તેટલી મહત્વની માહિતી મેળવવાના પ્રયાસો કરાયા હતા.

પાણી દ્વારા તણાઈને આવેલા જળકૃત ખડકો કે જેમાં કાંકરા અને રેતીનું પ્રમાણ વધારે હતું તેવા ખડકો અને પથ્થરો કાદવ અને ચીકણી માટીમાંથી બનેલા હોવાનું જણાયું હતું. આ ખડકોમાં ફોસિલ્સ અને અશ્મિઓ હોવાનું જણાયું હતું. આ ખડકો લોહતત્ત્વો અને સિલિકા તરીકે ઓળખાતા ખનિજથી સમૃદ્ધ હોવાનું જાણવા મળ્યું હતું. ખડકોમાં રહેલાં આવાં તત્ત્વો ત્યાં રહેલાં ફોસિલ્સને જાળવવામાં મદદરૂપ થયા હોવાનું સંશોધકોને જણાયું હતું.

આવા ખડકો અને અશ્મિઓ ૩થી ૪ અબજ વર્ષ વચ્ચેના ગાળામાં માર્શિયન પ્રાગૈતિહાસિક કાળમાં નોઆશિયન અને હેસ્પેરિયનના ગાળામાં બન્યા હોવાનું જણાયું હતું. આ સમયગાળામાં લાલ ગ્રહ મંગળની સપાટી પર વિપુલ પ્રમાણમાં પાણી હતું, જેને કારણે જીવનનું અસ્તિત્વ ત્યાં ટકી રહ્યું હોવાનું માનવામાં આવે છે. પૃથ્વી પર આ જ ગાળાના ખડકો અને પથ્થરોની સરખામણીમાં મંગળ પરના ખડકો વધુ સારી રીતે સચવાયેલા અને જળવાયેલા જણાયા હતા, આનું એક કારણ એ હતું કે પૃથ્વીમાં ટેક્ટોનિક્સ પ્લેટો ખસે છે તેવી રીતે મંગળ પર પ્લેટો ખસવાનું કોઈ જોખમ ન હતું.

લાલ ગ્રહ મંગળ પર લોહ તત્ત્વોથી સમૃદ્ધ પથ્થરોનું તળાવ અને અશ્મિનાં અવશેષો મંગળ પર હજારો વર્ષ પહેલાં જીવન હોવાના સંકેતો આપે છે તેમ સંશોધકોએ જણાવ્યું હતું. ચાર અબજ વર્ષ પહેલાં મંગળ પર પ્રાથમિક કક્ષાનું જીવન હોવાનું ત્યાં જોવા મળેલા નાના જીવોનાં અશ્મિઓ અને તેનાં અવશેષો પરથી જાણી શકાય છે.

You might also like