પરિણીતા સાથેના અાડા સંબંધના મામલે જૂથ અથડામણઃ એકની હત્યા, અાઠને ઈજા

અમદાવાદ: વીરમગામ તાલુકાના જિલેટા ગામમાં બે કોળી જૂથો વચ્ચે શસસ્ત્ર અથડામણ થતાં એક યુવાનની હત્યા કરવામાં અાવી હતી. અા અથડામણમાં સામસામે થયેલા હુમલામાં કુલ અાઠ વ્યક્તિને ઈજાઓ પહોંચતા તમામને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં અાવ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે જિલેટા ગામમાં રહેતા કરશનભાઈ ધુળાભાઈ કોળી પટેલના ૨૭ વર્ષીય પરિણીત પુત્ર ગણપતને તેના ઘર નજીક રહેતી એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો. અા પ્રેમ સંબંધની પરિણીતાના પતિને જાણ થતાં તેણે તેની પત્નીને છૂટાછેડા અાપી દીધા હતા. ગણપત બહારગામ રહેતો હોઈ જ્યારે તે જિલેટા અાવ્યો ત્યારે દશરથે તુ અહીં કેમ અાવ્યો છે તેમ કહી ઝઘડો કર્યો હતો અને જોતજોતામાં જ બંને જૂથના ટોળાંઓએ હથિયારો સાથે અામને સામને અાવી જઈ એકબીજા પર હિંસક હુમલા કરતાં ગણપતનું ગંભીર ઈજા થવાના કારણે મોત થયું હતું.

જ્યારે મૃતકના માતા-પિતા સહિત કુલ અાઠને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અા ઘટનાને પગલે નાના એવા જિલેટા ગામમાં સનસનાટી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિકારીઓએ તાબડતોબ જિલેટા પહોંચી જઈ અાખા ગામમાં પોલીસનો કડક જાપતો ગોઠવી દઈ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું. અથડામણમાં ઘવાયેલા તમામને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા. ઈજાગ્રસ્ત પૈકી એક વ્યક્તિની સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળે છે. પોલીસે મૃતકના પિતાની ફરિયાદના અાધારે સાત શખસ સામે ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.

You might also like