લગ્નનું વચન અાપી યુવતીને ફસાવનાર નારણપુરાના પરીણિત શેરબ્રોકરની ધરપકડ

અમદાવાદ: મારી પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા છે તું મારી સાથે લગ્ન કરીશ? તેવું કહી શેરબ્રોકર યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. યુવતીએ યુવક વિરુદ્ધમાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર, વિશ્વાસધાત તથા એટ્રોસિટીનો ગુનો દાખલ કરાવ્યો છે. નારણપુરા પોલીસે મોડી રાતે યુવકની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી મીનાએ (નામ બદલેલ છે) કરેલા આક્ષેપ પ્રમાણે નારણપુરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ એવન્યુમાં રહેતો અને શેરબ્રોકર અંકિત પરીખ અને મીના બે વર્ષ પહેલાં ફેસબુક દ્વારા એક બીજાંના સપર્કમાં આવ્યાં હતાં. બંને ફેસબુક પર ચેટિંગ કરતાં હતાં તે સમયે અંકિત તેની પત્ની શ્વેતા સાથે થયેલા ઝગડાની વાત મીનાને કરતો હતો. દોઢ વર્ષ પહેલાં અંકિતે મીનાને મળવા માટે નહેરુનગર બોલાવી હતી.

મીના અંકિતને મળવા માટે નહેરુનગર ગઇ ત્યારે અંકિતે તેને પોતાની કારમાં બેસાડીને એસ.જી.હાઇવે પર લઇ ગયો હતો જ્યા તેના શ્વેતા સાથે છૂટાછેડા થઇ ગયા હોવાની વાત કરી હતી અને છૂટાછેડાનો કરાર પણ બતાવ્યો હતો. આ ઘટનાને એક સપ્તાહ પછી અંકિતે મીનાને ફોન કરીને કહ્યુ કે મારી પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા છે તું મારી સાથે લગ્ન કરીશ? તેવી દરખાસ્ત મૂકી હતી. મીનાએ ઘણું વિચારી અને પરિવારની સહમતીથી અંકિતને લગ્ન માટેની હા પાડી દીધી હતી.

થોડાક સમય પછી અંકિતે સરપ્રાઇઝ ગિફ્ટ આપવાના બહાને નારણપુરા તેના મકાનમાં લાવ્યો હતો જ્યા અંકિતે મીનાને મોંધાદાટ ફોન આપ્યો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી હતી. મીનાએ લગ્ન બાદ શારીરિક સંબધ બાંધવાનું કહેતાં આપણે લગ્ન કરવાનાં જ છે તેવું કહીને સંબંધ બાધ્યો હતો. મીના અવારનવાર અંકિત સાથે લગ્ન કરવાનું કહેતાં તે લગ્નનું ટાળતો હતો અને દુબઇ કાયમ માટે લઇ જઇશ તેવાં સ્વપ્નાં બતાવતો હતો. થોડાક સમય પહેલાં મીનાને જાણવા મળ્યું કે અંકિતે તેની પત્ની શ્વેતા સાથે છૂટાછેડા નથી લીધા. જેથી તેની સાથે અંકિતે વિશ્વાસઘાત કર્યો હોવાથી નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગઇ હતી. નારણપુરા પોલીસે અંકિત વિરુદ્ધમાં બળાત્કાર, વિશ્વાસધાત તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરીને મોડી રાતે અંકિતની ધરપકડ કરી છે.

You might also like