લગ્ને લગ્ને કુંવારી લૂંટેરી દુલહન અને તેની બહેન ઝડપાઈ

અમદાવાદ: લગ્ને લગ્ને કુંવારી એવી લૂંટરી દુલહન અને તેની સાગરીત એવી માસીની દીકરીની શહેરકોટડા પોલીસે ધરપકડ કરી છે. દુલહન અને તેના સાગરીતો મોરબીના યુવક સાથે લગ્ન કરી કોર્ટમાંથી રૂ.ર.પ૦ લાખ લઇ ફરાર થઇ ગયા હતા, જોકે યુવકે વાસણશેરી ખાતે તપાસ કરતાં દુલહન મળી આવી હતી અને તેને પોલીસ હવાલે કરી હતી.

મળતી માહિતી મુજબ મોરબી શહેર નજીક આવેલા મહેન્દ્રનગરમાં વિજયભાઇ બોપ‌િલયા (ઉ.વ.૩૩) રહે છે. તેમની બાજુના ગામમાં રવજીભાઇ છોકરા-છોકરીનાં લગ્ન કરાવવાનું કામ કરતા હોઇ ૧૯ સપ્ટેમ્બરના રોજ રવજીભાઇએ વિજયભાઇને ફોન કરી અમદાવાદમાં પટેલની છોકરી હોવાનું કહ્યું હતું.

જેથી બીજા દિવસે વિજયભાઇ તેમના મિત્ર રોહિત, રવજીભાઇ અને કંચનબહેન નામની મહિલા સાથે સરસપુરની વાસણશેરીમાં છોકરી જોવા ગયાં હતાં. કાજલ નામની યુવતી, તેનાં બહેન-બનેવી અને માતા સાથે મુલાકાત કરી હતી. વિજયભાઇ અને કાજલે એકબીજાને પસંદ કરી લગ્નની વાત કરી હતી. કાજલ અને રવજીભાઇએ લગ્ન પેટે રૂ.ર.પ૦ લાખ અને કપડાં-દાગીના આપવા કહ્યું હતું.

પૈસા, કપડાં અને દાગીના આપવાનું નક્કી કરી ર૦ સપ્ટેમ્બરના રોજ વિજયભાઇ તેમનાં ફોઇ-ફઇબા સાથે ઘીકાંટા કોર્ટમાં લગ્ન કરવા પહોંચ્યા હતા. કાજલ તેની માતા અને બહેન-બનેવી અને માસીની દીકરી રિયા પણ કોર્ટમાં આવ્યાં હતાં. હિન્દુ શાસ્ત્રોક્તવિધિથી લગ્ન કરી લીધાં હતાં. રૂ.ર.પ૦ લાખ વિજયભાઇએ કાજલને આપ્યા હતા. પૈસા મળ્યા બાદ તેમના સંબંધીઓ ડોક્યુમેન્ટની ઝેરોક્સ કરાવી આવીએ છીએ તેમ કહી ત્યાંથી જતા રહ્યા હતા. લાંબા સમય સુધી પરત ન આવતાં વિજયભાઇએ કાજલબહેનને ફોન કર્યો હતો, જોકે ફોન સ્વિચ ઓફ આવતાં છેતરાયા હોવાની જાણ થઇ હતી. બે-ચાર દિવસ બાદ વિજયભાઇએ સરસપુરની વાસણશેરીમાં તપાસ કરતાં કાજલ અને તેના બનેવી મળી આવ્યાં હતાં.

પોલીસને જાણ કરાતાં શહેરકોટડા પોલીસ દોડી આવી હતી. પોલીસે કાજલ હસમુખભાઇ પટેલ અને તેની માસીની દીકરી રિયા અશોકભાઇ પટેલ (બંને રહે.જગન્નાથપુરી સોસાયટી, ઘોડાસર)ની ધરપકડ કરી હતી. કાજલ તેના પરિવાર સાથે મળી લગ્નવાંછુ યુવકોને ભોળવી તેમની સાથે લગ્ન કરી પૈસા પડાવતી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

You might also like