લગ્નની સપ્તપદીમાં પરિવર્તન જરૂરી?

ભારતીય પરંપરાએ લગ્નને સંસ્થા અને સંસ્કાર બંનેનું બિરુદ આપ્યું છે. ભારતીય લોકો ભલે ગમે તેટલા સ્વતંત્ર કે આધુનિક થઈ જાય, પરંતુ તે લગ્નની બાબતે ગંભીરતાથી જ વિચારશે અને વર્તશે. જો કે લગ્નોમાં હવે રીતિ-રિવાજો જ પરંપરાગત રહ્યાં છે. લગ્નોને પણ આધુનિકતાનો રંગ લાગ્યો છે. આ આધુનિકતા ઉપરાંત લગ્નસંસ્થા વિશે જાણીતા સમાજશાસ્ત્રીઓ અને યુવાપેઢીનાં મંતવ્યો વિશે ‘અભિયાન’ નો અહેવાલ…

લગ્ન, વિવાહ, પરિણય, પાણિગ્રહણ, મેરેજ, વેડિંગ જે કહો તે. લગ્ન એટલે જીવનમાં આવતો નવો વળાંક અને નવી સવાર. આજના ટેક્નોલોજીના યુગમાં પણ ભારતીય સમાજ માટે લગ્ન પહેલાં જેટલું મહત્ત્વ ધરાવે છે. એટલે જ ડેટિંગ સાઈટ કરતાં મેટ્રિમોનિયલ વેબસાઈટ્સ વધુ પ્રખ્યાત છે.

સપ્તપદી એટલે લગ્નપરંપરાનું હૃદય. લગ્નવિધિમાં અગ્નિની સાક્ષીએ વેદી ફરતે સાત ફેરા લેતી વખતે બોલવામાં આવતાં સપ્તપદીનાં સાત વચનો દ્વારા નવયુગલને સંસારની કેટલીક બાબતો અને નિયમોથી માહિતગાર કરવામાં આવે છે. એવું ઇચ્છવામાં આવે છે કે તેઓ સંસારમાં આ વચનોનું પાલન કરે. હવે સમય બદલાયો છે તો સપ્તપદીમાં થોડાંઘણાં અંશે ફેરફાર થાય તે ઇચ્છનીય છે.

ગુજરાત યુનિવર્સિટીમાં ઝુઓલોજી શાખામાં અભ્યાસ કરતી હિરવા શાહ પોતાનો મત રજૂ કરતાં કહે છે, “આધુનિક સપ્તપદી અનુસાર પતિ- પત્નીએ એકબીજાને સન્માન આપતાં શીખવું જોઈએ. પરંપરાગત સપ્તપદીમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એકબીજાને છેતરવા નહીં અને વફાદાર રહેવું. આજના સમયમાં આ નિયમ વધુ લાગુ પડે છે. આપણે ભલે ગમે તેટલા મોડર્ન થયા હોઈએ, પરંતુ હજુ પણ કોઈ સ્ત્રી ભૂલ કરે છે ત્યારે તેને પુરુષની સરખામણીએ વધુ ટિપ્પણી સાંભળવી પડે છે. ભૂલો બાબતે બંને તરફથી એકબીજાની ભૂલોની સ્વીકારવાની સમાન ક્ષમતા હોવી જોઈએ. ઘરકામમાં ક્યારેક મદદ કરવાને બદલે પતિએ દરરોજ અને સરખે ભાગે કામ કરી પત્નીને મદદ કરવી જોઈએ. તમામ પરિસ્થિતિમાં પતિ-પત્નીએ એકબીજા પર વિશ્વાસ રાખવો જોઈએ અને બંને એકબીજાના સારા મિત્ર હોવા જોઈએ.”

અમદાવાદમાં એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતો મૌલિન દીવાન કહે છે કે, “જૂની સપ્તપદીમાં બહુ ફેરફાર ન હોવા જોઈએ, કારણ કે જૂની સપ્તપદીમાં સારી બાબતો જ હતી, પરંતુ હવે સમયની સાથે તેમાં થોડો ફેરફાર થાય તે જરૂરી છે. હવે સાત વચનની જરૃર નથી, પરંતુ આજના જમાનાનાં યુગલો ત્રણ વાતને મહત્ત્વ આપે તે જરૂરી છે. પહેલી વાત તો એ કે તેઓ એકબીજાને સ્વતંત્રતા આપે, પછી એ સ્વતંત્રતા કામની હોય, અભ્યાસની હોય કે પછી રહેણીકરણીની હોય. બીજી વાત કે બંને વ્યક્તિ એકબીજાનો આદર કરે અને એકબીજાને પૂરક સમજે. ત્રીજી અને સૌથી મહત્ત્વની વાત એ કે બંનેને એકબીજા પર પૂરતો વિશ્વાસ હોવો જોઈએ. ઉપરાંત આપણે એ માન્યતામાંથી બહાર આવવું જોઈએ કે ‘વરનું કામ કમાવાનું અને વહુનું કામ ઘર ચલાવવાનું’. પતિ-પત્ની બંનેને પોતાનાં જીવન અને કારકિર્દી બાબતે નિર્ણયો લેવાની સમાન છૂટ હોવી જોઈએ.”

જાણીતા સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની આ વિષે કહે છે, “એક રીતે જોવા જઈએ તો લગ્નવિધિ અને રીતિરિવાજોમાંથી સમાજે બહાર આવવું જોઈએ. સાદાઈથી થતાં લગ્ન પણ લગ્ન જ કહેવાય છે. છતાં જો આધુનિક સપ્તપદીની વાત આવે તો સપ્તપદી વર-વધૂ બંનેને સમાનતા મળે તે આધાર પર રચાવી જોઈએ. પતિ-પત્ની બંનેને પોતાનો વિકાસ કરવાની સમાન તક મળવી જોઈએ. પત્નીને તેના પિતાના ઘરે જેટલી સ્વતંત્રતા મળી હોય તેટલી જ અથવા તેનાથી પણ વધુ સ્વતંત્રતા તેના પતિના ઘરે મળવી જોઈએ. સામાન્ય રીતે આપણા સમાજમાં એવું થતું હોય છે કે લગ્ન થયા બાદ પુરુષના રોજિંદા કામનો બોજ તેની પત્ની પર આવી જાય છે.

આ વ્યવસ્થા યોગ્ય નથી. પતિએ ઘરકામમાં શક્ય તેટલી મદદ કરવી જોઈએ. સપ્તપદીમાં એ વચનનો ઉલ્લેખ થવો જોઈએ કે પતિ-પત્ની ક્યારેય ભ્રૂણહત્યા કે ભ્રૂણનું જાતિ-પરીક્ષણ નહીં કરાવે. સંતાનોના ઉછેર દરમિયાન તેઓ દીકરા-દીકરી વચ્ચે કોઈ ભેદ નહીં રાખે. પતિ કે પત્ની માટે બંધનરૃપ હોય તેવી રૂઢિઓનું પાલન શક્ય તેટલું ટાળવું જાઈએ. દંપતીએ એક નિયમ પાળવો જોઈએ કે મહિનામાં એક વાર કોઈ સમાજપયોગી કાર્ય કરીશું. રહી વાત લિવ-ઈન રિલેશનશિપની, તો જો યુવક-યુવતી એકબીજાને સમજીને લિવ-ઈનમાં રહેતાં હોય તો તે યોગ્ય છે. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે લિવ-ઈનનું ધ્યેય સામેના પાત્રનો લાભ ઉઠાવવાનું ન હોય.”

લગ્નપ્રસંગે આંગણામાં રૂડા માણેકસ્તંભ રોપવામાં આવે ત્યારે તેનાં સાધન-સામગ્રી કે માધ્યમો ભલે અલગ હોય પણ તેના આનંદ કે ઉલ્લાસનો રંગ તો એક જ હોય છે. લગ્નના પ્રસંગની આ ઘડીને યાદગાર બનાવવા માટે દરેક પોતાની શક્તિ મુજબ પ્રયત્નો કરે છે.

સપ્તપદી સાંભળવામાં કોઈને રસ નથી !
લગ્નોમાં પણ ગરબા અને ગેઈમ રમાડો તેવી ડિમાન્ડ કરવામાં આવે છે. મંડપ મધ્યે કન્યા અને વરરાજા એકબીજાનો હાથ પકડી જીવનની એક નવી કેડીએ ડગ માંડતાં હોય ત્યારે સપ્તપદીનાં સાત વચનો બોલવાની એક પરંપરા છે. પરંતુ વર્તમાન યુગમાં જાનૈયાઓ કે માંડવીયાઓને સપ્તપદી સાંભળવામાં રસ હોતો નથી. લગ્નપત્રિકા લઈ બંને પક્ષના કૂળનું વાચન કરતાં હતા અને સાત પ્રતિજ્ઞાઓનું વાચન કરી તેનું મહત્ત્વ સમજાવતા હતા. આજના ફાસ્ટ યુગમાં ગોર મહારાજને ઝડપથી વિધિ પૂરી કરવાનું કહેવામાં આવે છે!

જો કે સપ્તપદીની પરંપરા જાળવવા પણ કેટલાક પંડિતો મથી રહ્યાં છે. હવે સંસ્કૃત નહીં અંગ્રેજીમાં સપ્તપદીના પાઠ સાંભળવા મળે તો ચોંકશો નહીં. રાજકોટમાં સંસ્કૃત પાઠશાળા ચલાવતાં શાસ્ત્રી વિજયભાઈ જોષી આવા જ એક આચાર્ય છે. તેઓ છેલ્લાં પાંચ વર્ષથી દેશ-વિદેશ જઈ સંસ્કૃતના શ્લોકનું અંગ્રેજીમાં રૃપાંતર કરીને ત્રણ કલાકની લગ્નવિધિ કરાવે છે. તેમણે દુબઈ, કેન્યા, યુગાન્ડા અને ગોવાના રિસોર્ટ સહિતના સંખ્યાબંધ ભારતીય પરિવારોને ત્યાં અંગ્રેજીમાં લગ્નવિધિ કરી છે.

વિજયભાઈ જોષી કહે છે, “લગ્ન પરંપરામાં પતિ-પત્ની જ્યારે સંસારની એક નવી કેડી પર ડગ માંડી રહ્યાં હોય ત્યારે બંને સાત-સાત પ્રતિજ્ઞાઓ લેતાં હોય છે, પણ મોટાભાગનાં લગ્નોમાં માત્ર પત્નીની પ્રતિજ્ઞાનું જ વાચન કરવામાં આવે છે. પતિએ લેવાની પ્રતિજ્ઞા વાંચવામાં આવતી નથી. હું તો માનું છું કે લગ્ન કરાવનાર શાસ્ત્રીજીઓએ પણ યજમાનને પરંપરાઓનું મહત્ત્વ સમજાવી મૂહૂર્ત સાચવી, પરંપરા મુજબ વિધિ કરાવવી જોઈએ. હું તો લગ્ન કરાવું ત્યારેે ખાસ સપ્તપદી પર ભાર મૂકું છું.

લગ્ન ફંક્શનનું એન્કરિંગ કરનાર મીરા દોશી કહે છે, “હવે લગ્નપ્રસંગનો ટ્રેન્ડ જ સાવ બદલાઈ ગયો છે. જેમના ઘરે પ્રસંગ હોય તે જ હિન્દી ગીતોની ફરમાઈશ કરે છે એટલે કલાકારોએ તો ગાવું જ પડે છે. સપ્તપદીનાં ગીતો આપણા લોકસાહિત્યમાં છે, પણ હવે ગવાતાં નથી. હવે તો ગરબા ને ગેઈમની ડિમાન્ડ કરવામાં આવે છે આમ, લગ્ન પરંપરા ભુલાતી જાય છે.  રાજકોટના કૉલેજિયન હાર્દિક મોરણિયા કહે છે “અમે ક્યાંક લગ્નપ્રસંગમાં ગયા હોઈએ ત્યાં સપ્તપદીની વિધિ જોઈ છે. આપણી સામાજિક પરંપરામાં સપ્તપદીનું મહત્ત્વ છે તેવું સાંભળ્યું છે. તેમાં પતિ-પત્ની જીવનભર સાથ નિભાવવાના કૉલ લે છે. હું ઇચ્છું છું કે લગ્નમાં આ પરંપરા જળવાવી જોઈએ, પણ આજે ડીજેની ધૂમમાં બધાંને રસ છે. પરંપરાગત વિધિ યુવાનો જોતાં પણ નથી આ મારી દૃષ્ટિએ યોગ્ય નથી.”

પ્રાચીન સપ્તપદી બદલવાની જરૂર નથી
આજકાલ જોવા મળે છે કે કોઈ પણ જગ્યાએ લગ્નનાં મુહૂર્ત સચવાતાં નથી. માત્ર ‘રિવાજ હોવાથી નિભાવો’ની ભાવના જોવા મળે છે. તેને સમજવા કોઈ પ્રયત્ન થતો નથી. આ અંગે સુરતનાં વકીલ શિવાંગી જરીવાલા કહે છે, ‘મને બધાં રિવાજોની તો ખબર નથી, પરંતુ હું એટલું ઈચ્છીશ કે, મારી જે પર્સનલ ઔરા છે, પર્સનાલિટી છે તે સચવાવી જોઈએ. દરેક માણસને જરૃરી હોય એ સ્પેસ જળવાય એ પણ એટલું જ જરૃરી છે. જો આ બે વસ્તુ કોઈ પણ વ્યક્તિ સમજી લે તો મને નથી લાગતું કે કોઈ પણ લગ્નજીવનમાં કે કોઈ પણ રિલેશનશિપમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ થાય. મારું અંગત માનવું છે કે સ્ત્રી અને પુરુષનો પરસ્પર એકબીજા પર સમાન હક્ક હોવો જોઈએ અને તે જળવાઈ રહેવો જોઈએ. આધુનિક સપ્તપદીમાં આ વાતનો સમાવેશ થાય તો તે ખરેખર ખૂબ સારું કહેવાશે.

સપ્તપદી એ તો છે ‘સખ્યપદી’
“ભારતીય સંસ્કૃતિમાં વિવાહ સંસ્કાર ખૂબ મહત્ત્વના મનાયા છે. આજે આધુનિકતાના નામે લોકો જૂની ઉપયોગી બાબતો પ્રત્યે ઉપેક્ષા સેવતા થયા છે. સપ્તપદી વગર લગ્ન અધૂરાં છે. જૂના જમાનાના સપ્તપદીના શ્લોક ૨૧મી સદીમાં પણ એટલા જ ઉપયોગી છે. શબ્દાર્થ નહીં પણ ભાવાર્થને જાણવાથી ખ્યાલ આવેે કે સ્ત્રી અને પુરુષોનાં કાર્યો અને ભૂમિકામાં ભલે બદલાવ આવ્યા હોય, પરંતુ તેમના વચ્ચેની ભાવનામાં કોઇ જ ફેરફાર થયા નથી. તેથી જ સખ્યભાવને વ્યક્ત કરતી સપ્તપદી આજે પણ એટલી જ ઉપયોગી છે જેટલી ગઇકાલે હતી.”

એમ જણાવીને ભુજના પરંપરાવાદી ચિંતક નિરુપમ છાયા સપ્તપદીનું મહત્ત્વ સમજાવતાં કહે છે, “સપ્તપદીના મંત્રોમાં જે પ્રતિજ્ઞાઓની વાત છે તે હકીકતે સખ્યભાવને પ્રગટ કરે છે. આજે મોટાભાગની સ્ત્રીઓ માત્ર ઘર સંભાળીને બેસવાના બદલે ભણે છે, વિચારે છે, કમાય છે, સ્વતંત્ર રીતે નિર્ણય લે છે ત્યારે આજના જમાનામાં જો નવી સપ્તપદી રચાય તો તે કંઇક આવી હોઇ શકે. એકબીજાના કાર્યનું સન્માન કરશું, આપણાં ડગલાં એક પછી એક પડવાના બદલે એક સાથે પડશે, બંનેની સંપત્તિ-સમૃદ્ધિ સહિયારી હશે, બંનેની ઓળખ એકસમાન હશે, આવનારી આપદાઓનો સાથે રહીને મુકાબલો કરશું, વિચારો અને વર્તનમાં સંવાદિતા સાધીશું, વગેરે…”

ટૂંક સમયમાં જ લગ્નગ્રંથિથી જોડાનારી ભૂજની માધવી કંસારા કહે છે, “આજે પરસ્પર સમજણ જ મહત્ત્વની છે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેની ભેદરેખા ક્યારેય ઓળંગવી ન જોઇએ. લગ્ન વખતની સપ્તપદીને સમજીને તેને અનુસરવાથી જ આજનાં યુવક-યુવતીનું જીવન સુખમય બની શકે. સપ્તપદી એટલે જ આજે પણ ઉપયોગી છે.” માધવીના મંગેતર અંશુલ વછરાજાની સહમત થતાં કહે છે, “જે સપ્તપદીને અનુસરવાનો પ્રામાણિક પ્રયત્ન કરતાં નથી તેમના લગ્નજીવનમાં સુખ રહેતું નથી. શાંતિ મળતી નથી. સપ્તપદી સંવાદિતા જાળવવાનું શીખવે છે.”

લગ્નની વિધિ કરાવતાં મારુ, કંસારા, સોની જ્ઞાતિના ગોર મૈત્રેયભાઇ વ્યાસ આજના યુવાનોની વિચારસરણી વિશે કહે છે, “અનેક ભણેલાં અને સમજદાર યુવક-યુવતીઓ સપ્તપદીનો અર્થ સમજવા માગે છે. થોડા દસકા પહેલાં વિધિને માત્ર ધાર્મિક કર્મ સમજીને જ કરાતી, પરંતુ હવે આજના નવવિવાહિતો સપ્તપદીને સમજવા માગે છે. તેમને શાસ્ત્ર અને વિજ્ઞાનના આધારે સમજાવાય તો તેઓ ચોક્કસ તેને જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ બને છે.”

પહેલાં વૃક્ષવંદના પછી ગૃહપ્રવેશ
ભારતીય સંસ્કૃતિમાં જેટલું મહત્ત્વ લગ્નજીવનનું છે તેટલું જ મહત્ત્વ વૃક્ષોનું પણ છે. આજે જ્યારે પર્યાવરણ બચાવવાની તાતી જરૃરિયાત ઊભી થઇ છે ત્યારે અનેક પર્યાવરણપ્રેમીઓ લગ્નપ્રસંગ અને વૃક્ષારોપણને સાંકળીને તેનું મહત્ત્વ લોકોનાં મનમાં ઠસાવવાની પહેલ કરવા લાગ્યા છે. કચ્છ જેવા સૂકા વિસ્તારમાં વૃક્ષોનું અનોખું માહાત્મ્ય છે. વૃક્ષારોપણ કરવું સહેલું છે પણ વૃક્ષ ઉછેરવું અઘરું. આથી હવે લગ્નપ્રસંગ વખતે નવદંપતીના હસ્તે અને તેમના માટે વડીલોના હસ્તે વૃક્ષારોપણ કરાવીને વૃક્ષોના સંવર્ધન તથા જતનના શપથ લેવડાવાય છે.

તાજેતરમાં જ માંડવી તાલુકાના રાયણ ગામની જિનલનાં લગ્ન કોડાય ગામના કેતન સાથે થયાં હતાં ત્યારે નવદંપતીએ લગ્નની વિધિ પછી ગૃહપ્રવેશ પહેલાં વૃક્ષદેવતાને નમન કરીને આશીર્વાદ મેળવી તેના જતનની પ્રતિજ્ઞા લીધી હતી. આ અંગે વાત કરતાં જિનલ કહે છે, “અમારા કુટુંબમાં વર્ષોથી જ વૃક્ષનો મહિમા છે. મારા દાદા અને પિતા અમારા ઘરના આંગણા સાથે ગામની શાળામાં, ગામની સીમમાં પણ વૃક્ષો વાવીને તેના ઉછેર પર દેખરેખ રાખે છે. જો કે લગ્નપ્રસંગે વૃક્ષારોપણ તો અમારા કુટુંબમાં મારાં લગ્નમાં જ થયું. અમે એક કૂંડામાં તુલસીના છોડને વાવીને તેને નમન કર્યાં હતાં. અમારા ગામની શાળામાં પણ મારાં લગ્ન નિમિત્તે વૃક્ષારોપણ કરાયું હતું. મારા સાસરિયે પણ આંગણામાં અનેક વૃક્ષો ઉછેર્યાં છે. મારે ટૂંક સમયમાં મુંબઈ રહેવા જવાનું છે, જ્યાં કદાચ હું જમીન પર ઝાડ વાવી નહીં શકું, પરંતુ મારા ઘરમાં કૂંડામાં બને તેટલા વધુ છોડ જરૃર ઉછેરીશ.”

જિનલ કહે છે, “મારા પિયર કે સાસરામાં ભવિષ્યમાં મારાં ભાઈ-બહેન કે દિયર-નણંદ ગમે તેનાં લગ્ન થશે ત્યારે વૃક્ષો તો વાવશું જ. વૃક્ષો વાવવાથી આસપાસની હવા શુદ્ધ થાય છે અને આરોગ્ય સારું રહે છે. તેથી દરેકે એક વૃક્ષ તો ઉછેરવું જ જોઇએ.”

પર્યાવરણ અંગેની આટલી સાદી અને સહેલી સમજ જે કચ્છના લોકોમાં છે તે જો દરેક વ્યક્તિમાં હોત તો ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન કદાચ ઉદ્ભવ્યો જ ન હોત.

રિવાજો-વિધિઓ માત્ર કરવા ખાતર થાય છે
જીવનમાંં કોઈ પણ સંબંધનો આધાર સમર્પણ પર રહેલો છે. સપ્તપદીમાં આ જ વાત સમજાવવામાં આવે છે, પરંતુ હવે તો ૫૦૦ રૃપિયા વધુ આપીને મહારાજ, જલદી પતાવટ કરજો ટાઈમ નથી. એવું કહેનારા યજમાનોની સંખ્યા ખૂબ વધી છે. આપણા રિવાજોએ દરેક સમસ્યાનું નિવારણ બતાવ્યું છે, પરંતુ લોકો હવે એ રિવાજો અને વિધિઓ માત્ર કરવા ખાતર કરી રહ્યાં છે. જેના લીધે અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે. અત્યારના સમયમાં પુરુષ અને સ્ત્રીનું માનસિક અને સામાજિક સ્તર સમકક્ષ છે. પુરુષપ્રધાન સમાજ હજુ આ વાત સ્વીકારતો નથી. જો આધુનિક સપ્તપદીમાં ઉમેરવું જ હોય તો સ્ત્રીને સમાન સામાજિક માન અને અધિકાર મળે એ ઉમેરાવું જોઈએ.
કંદર્પભાઈ ભટ્ટ
શાસ્ત્રીજી (લગ્નવિધિ કરાવનાર), સુરત

સપ્તપદીમાં આટલું ઉમેરવાની જરૂર
આપણાં રીતરિવાજો બરાબર જ છે, ઉમેરવાની જરૃર હોય તો એવું ઉમેરવું જોઈએ કે ઘરમાં સ્ત્રીના સન્માનનું લેવલ વધવું જોઈએ. જો મારી વાઈફ વર્કિંગ વુમન હશે તો મને ઘરકામમાં તેની સાથે કામ કરવામાં કોઈ સંકોચ નહીં થાય. સ્ત્રી જો ગુજરાન ચલાવવામાં પુરુષનો સાથ આપતી હોય તો પુરુષ સ્ત્રીની જવાબદારી કેમ ન ઉપાડી શકે? આ વાતનો સપ્તપદીમાં સમાવેશ થવો જોઈએ. આ ઉપરાંત હું એવું પણ ઈચ્છું કે, મારી પોતાની પર્સનલ સ્પેસ મને મળવી જ જોઈએ, પત્ની હોય તો એનો મતલબ એ નથી કે મારી લાઈફમાં મારું પોતાનું અંગત કંઈ રહે જ નહીં. હું ક્યારેય પણ મારી પત્નીની પર્સનલ સ્પેસમાં દખલ નહીં કરું એવા વચનનો ઉમેરો આધુનિક સપ્તપદીમાં થવો જ જોઈએ.
મયૂર પટેલ, વિદ્યાર્થી

મુક્ત વિચારધારાવાળા લોકો લગ્નવિધિમાં માનતાં નથી
લગ્ન સમયે દંપતી પાસે પ્રતિજ્ઞા લેવડાવવાનો શો અર્થ? જો બંનેમાં પરસ્પર પ્રેમ હોય તો પ્રતિજ્ઞાની શી જરૃર? આ બધું માત્ર દેખાવ પૂરતું જ છે, એમ કહેવું છે તસનીમ મહેતાનું. તસનીમ એક આઝાદ વિચાર ધરાવતી વ્યક્તિ છે. મુંબઈની એક ટીવી ચેનલમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી તસનીમ મુળ ગુજરાતી છે, પરંતુ કામ અર્થે તે મુંબઈમાં રહે છે અને તે પણ લીવ-ઈન-રિલેશનશિપમાં.

તસનીમ કહે છે, “લગ્નમાં સાત ફેરા અને કન્યાદાનની શી જરૂર છે? કન્યા એ દાન કરવાની વસ્તુ છે? અમે લીવ-ઈન-રિલેશનમાં રહીએ છીએ એનો મતલબ એ નથી કે અમે ક્યારેય લગ્ન નહીં કરીએ, પરંતુ લગ્ન પહેલાં અમે બંને એકબીજાને પરસ્પર સમજવા માગીએ છીએ. અમને સાથે રહેવામાં કોઈ તકલીફ નથી. અમારા બંનેના પરિવારજનોને આ અંગે જાણકારી છે અને તેઓ અવારનવાર અમારી મુલાકાતે આવે છે. અમારા પરિવારજનો અમારાં લગ્ન કરાવવા ઉત્સુક છે, પરંતુ અમે લગ્નમાં ખોટો અને ઉડાઉ ખર્ચ નહીં કરીએ. કોર્ટ મેરેજ કરી લઈને રિસેપ્શન ગોઠવીશું. જોકે અમે સીધા સમાજ વિરુદ્ધ પણ જવા નથી ઈચ્છતાં, પરંતુ કોઈક પહેલ કરશે તો સમાજ પણ તે અંગે વિચારશે.”

મુંબઈમાં રહેતી હીર ખાંટ પણ માને છે કે, “લગ્નબંધન માટે સાત ફેરા લેવા અનિવાર્ય છે, પરંતુ યુવક-યુવતી એકબીજાના પરસ્પર પ્રેમમાં હોય, એકબીજા પ્રત્યે ભરોસો હોય અને જીવનભર સાથે રહેવા મક્કમ હોય તો તેમાં લગન, સાત ફેરા, પંડિત કે કોર્ટની શી જરૃર છે?” હીર કહે છે, “હું લગ્નમંડપમાં સાત ફેરા ફરીને લગ્ન ક્યારેય નહીં કરું. લગ્ન પાછળ ખર્ચ કરવાને બદલે અનાથાશ્રમનાં અનાથ બાળકો પાછળ ખર્ચ કરવાનું હું વધુ પસંદ કરીશ. જો બાળકની જવાબદારી ઉઠાવવી હોય તો જ લગ્ન કરવાની જરૃર છે, અન્યથા સાથે રહેવામાં સમાજના કોઈ સર્ટિફિકેટની જરૃર નથી. આજે ઘણાં કપલ લીવ-ઈન રિલેશનશિપમાં રહેતાં હોય છે અને સમાજ તેમને સ્વીકારે પણ છે. સમાજમાં બદલાવ આવે તે માટે પોતાનાથી શરૃઆત કરવી પડે છે.”

તો સાગર પરીખ કહે છે, “સપ્તપદીનો સાતમો ફેરો વિશ્વાસ અને મિત્રતાનો હોય છે આમ છતાં લગ્નના થોડાંક સમય પછી કંકાસ શરૂ થઈ જાય છે. આથી સપ્તપદીના સાત ફેરા લેવાનો કોઈ અર્થ રહેતો નથી. કોર્ટ મેરેજમાં પણ આવા કિસ્સાઓ બને છે. આ માટે સમજદારી અને વિશ્વાસ હોવો અનિવાર્ય છે.”

સાગર કોર્ટ મેરેજ કરવા ઈચ્છે છે, પરંતુ જો સામા પક્ષની ઇચ્છા ધામધૂમથી લગ્ન કરવાની હોય તો સમજદારીપૂવર્કનો માર્ગ અપનાવવાનું તે માની રહ્યો છે. તે કહે છે, “લવ મેરેજ યોગ્ય છે, કારણ કે તેમાં બંને પાત્રોને એકબીજાને સમજવાનો સમય મળી રહે છે અને આ સમજણ સપ્તપદીના ફેરા કરતાં પણ વધુ યોગ્ય હોય છે.” – તસનીમ મહેતા

માહિતી: ચિંતન રાવલ-અમદાવાદ,
દેવેન્દ્ર જાની-રાજકોટ, લતિકા સુમન-મુંબઈ,
પ્રતીક કાશીકર-સુરત, સુચિતા બોઘાણી કનર-ભૂજ,

You might also like