લગ્નનાં રિસેપ્શનમાંથી રૂ. ૧.૫૦ લાખની મતા ભરેલા પર્સની ચોરી

અમદાવાદ: કમુરતાં ઊતરતાં જ લગ્નની સિઝન શરૂ થઇ ગઇ છે ત્યાં લગ્ન પ્રસંગમાં ચોરી કરતી ગેંગ પણ સક્રિય બની છે. ગાંધીનગરના ભાટ ગામ નજીક આવેલા શગુન પાર્ટી પ્લોટમાં ચાલતાં લગ્નના રિસેપ્શન દરમિયાન કોઇ અજાણી વ્યક્તિ રોકડા રૂપિયા અને સોના-ચાંદીનાં દાગીના ભરેલું રૂ. ૧.૩૫ લાખની મતાનું પર્સ ચોરી ફરાર થઇ ગઇ હતી. અડાલજ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ગુલબાઇ ટેકરા વિસ્તારમાં આવેલી સૂર રેસિડેન્સીમાં ઊર્મિબહેન હિતેશભાઇ મહેતા (ઉં.વ. ૫૬) તેમના પરિવાર સાથે રહે છે. ઊર્મિબહેનની પુત્રી રિદ્ધિનાં લગ્ન અને રિસેપ્શન ભાટ ગામ નજીક આવેલા શગુન પાર્ટી પ્લોટમાં યોજાયાં હતાં. સ્ટેજ ઉપર ઊર્મીબહેને તેમની પુત્રી અને જમાઇની પ્રેઝન્ટ અને પૈસાનાં કવરો કલેક્ટ કરી એક બેગમાં મૂક્યાં હતાં. સ્ટેજ ઉપર તેઓ બેગ મૂકી ફોટા પડાવી રહ્યાં હતાં. બાદમાં તેઓ જમવા માટે ગયાં હતાં.

દરમિયાનમાં કોઇ અજાણી વ્યક્તિ સ્ટેજ ઉપર રહેલી બેગ, જેમાં રોકડા રૂ. ૧.૨૫ લાખનાં કવર અને ૨૫,૦૦૦ના દાગીના લઇ ફરાર થઇ ગઇ હતી. બેગ ન હોવાનું ધ્યાને આવતાં તેઓએ પાર્ટી પ્લોટમાં બેગની શોધખોળ કરી હતી, પરંતુ બેગ મળી આવી ન હતી. ઊર્મિબહેને આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like