લગ્નનાં રિશેપ્શનમાં જ પતિએ સોનાની ચેઇન, ફ્લેટ અને કાર માગી

અમદાવાદ: અમદાવાદના નવા નરોડામાં રહેતી પરિણીતાના પતિએ લગ્નના બીજા જ દિવસે સોનાની ચેઈન, ફ્લેટ અને કારની માગ કરી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા પરિણીતાએ મહિલા ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં પતિ,સાસુ-સસરા અને નણંદ-નણદોઈ સામે શારીરિક માનસિક ત્રાસ અને દહેજ અંગેની ફરિયાદ નોંધાવી છે.

ગિરધરનગર વિસ્તારમાં આવેલી પારસીની ચાલીમાં રહેતા જેઠાભાઇ પરમારની પુત્રી મનીષાનાં લગ્ન વર્ષ 2016માં નવા નરોડા પાર્શ્વનાથ ટાઉનશિપમાં રહેતા દીપક બિપીનચંદ્ર સોલંકી સાથે થયાં હતાં.લગ્નના બીજા જ દિવસે રિસેપ્શન બાદ ઘરે આવી અમે લગ્નમાં સોનાનું મંગળસૂત્ર આપ્યું છે તો તમે કેમ સોનાની ચેઇન નથી આપી ? તેમ મનીષાને કહી ઝઘડો કર્યો હતો. દીપકે અવારનવાર મનીષાને તેના માતા પિતા એક ફ્લેટ અને કાર લઇ આપે તેની માગ કરી હતી. આ બાબતે તેના સાસુ-સસરા અને નણંદ-નણદોઈને કહેતાં તારે દીપકની બધી વાત માનવી પડશે અને ઘર કરવું હોય તો બધું સહન કરીને રહેવું પડશે તેમ જણાવી દીધું હતું.અવારનવાર કોઈ બાબતે પૂછતાં દીપકે મનીષા જોડે મારામારી પણ કરી હતી. જેથી મનીષા પિયર જતી રહી હતી.

સાસરીમાં પરત આવતાં અહીં કેમ આવી છું, અમે ફ્લેટ અને કારની માગણી કરેલી છે તે તારા મા-બાપે પૂરી કરી નથી, અમારી માગણીઓ અને જરૂરિયાતો પૂરી કરવી જ પડશે કહી અને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. સમાજના માણસો દ્વારા સમાધાન કરવાનું કહેતા અમારે નથી રાખવી, જે ખર્ચ થયો છે તે આપી છૂટાછેડા લઇ લો કહી દીધું હતું. આ અંગે મનીષાએ મહિલા ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.
http://sambhaavnews.com/

You might also like