અમરાઈવાડીમાં લગ્નના ગરબા પ્રસંગે જમીન દલાલની ઘાતકી હત્યા

અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલ રબારી કોલોનીમાં લગ્નના ગરબા બાદ જમીન દલાલની ઘાતકી હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. જમીનની લેવડદેવડના મામલે ચાર યુવકોએ જમીન દલાલની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ હત્યાના પગલે કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસે રબારી કોલોની વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

અમરાઇવાડી વિસ્તારમાં આવેલ રબારી કોલોનીમાં રહેતા અને જમીન દલાલીનો ધંધો કરતા 37 વર્ષીય મોતી ચેહરભાઇ દેસાઇની ગઇ કાલે મોડી રાતે ઘાતકી હત્યા કરવામાં આવી છે. પોલીસ પાસેથી મળેલી વિગત અનુસાર રાતે રબારી કોલોનીમાં લગ્નના ગરબા ચાલી રહ્યા હતા તે સમયે મોતી દેસાઇ, રમેશ ઉર્ફે સન્ની દેસાઇ, ધર્મેશ દેસાઇ, વિજય દેસાઇ (તમામ રહે. રબારી કોલોની) અને પ્રતીક દેસાઇ (રહે. શંખલપુર) સાથે ગરબા રમતા હતા. ગરબા પૂરા થતાં મોતી તેના ઘરે જવા માટે નીકળ્યો હતો.

તે સમયે મોતીનો ડ્રાઇવર ગાડી લેવા માટે ગયો ત્યારે રમેશે મોતીને કામ હોવાનું કહીને બોલાવ્યો હતો. મોતી રમેશ પાસે જતાંની સાથે ધર્મેશ, વિજય, પ્રતીકે તેના પર હુમલો શરૂ કરી દીધો હતો. ચારેય યુવકોએ મોતીના માથાના ભાગે તલવાર અને ચપ્પાના ઘા ઝીંકીને ખોપરી ફાડી નાખી હતી. મોતી પર હુમલા કર્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઇ ગયા હતા ત્યારે મોતીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2013ના નવેમ્બર મહિનામાં મોતી દેસાઈની હત્યા કરવા માટે શંખલપુરના પ્રતીક દેસાઇ તથા તેના પિતા બાબુ દેસાઇએ પ્રદીપ ડોન હત્યાકેસમાં સંડોવાયેલા રાકેશ બામણને 5 લાખ રૂપિયાની સોપારી આપી હતી. આ કેસમાં રામોલ પોલીસે રાકેશ બામણ, બાબુ દેસાઇ અને પ્રતીક દેસાઇની ધરપકડ કરી હતી. સેન્ટ્રલ જેલમાંથી પ્રતીક દેસાઇ છૂટીને બહાર આવ્યો ત્યારે મોતી દેસાઇએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો, જેની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી.

રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પરેશ સોલંકીએ જણાવ્યું છે કે રમેશ, ધર્મેશ, વિજય અને પ્રતીક મોતીની ઘાતકી હત્યા કરીને ફરાર થઇ ગયા છે. કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે રબારી કોલોની વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા રાકેશ બામણને મોતીને હત્યા કરવા માટે પ્રતીકે 5 લાખ રૂપિયાની સોપારી આપી હતી, જોકે મોતીની હત્યા થાય તે પહેલાં રાકેશ બામણને એક પિસ્તોલ અને 20 જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યો હતો.

મોતીની હત્યા પહેલાં શંખલપુર રેલવે ટ્રેક પાસે ફાય‌િરંગ કરીને પિસ્તોલને ચેક પણ કરી હતી. જમીનની લેવડદેવડમાં તેની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રમેશ દેસાઇ પાસે 10 વર્ષના અમેરિકાના વિઝા છે અને તે હત્યા કરીને વિદેશ ભાગી જાય તેવી શક્યતા છે. માટે તમામ આરોપી પકડાઇ ના જાય ત્યાં સુધી તેમના વિરુદ્ધમાં લુકઆઉટ નો‌િટસ પણ જારી કરવામાં આવશે.

You might also like