લગ્નોત્સવ જરા હટકે…

રાજકોટમાં ૬ ડિસેમ્બર,૨૦૧૫ના રોજ એક લગ્નમાં વર-વધૂની રક્તતુલા યોજવામાં આવી હતી. એ લગ્ન હરિત મહેતા અને જાનકીનાં હતાં. હરિત મહેતાના પિતા ઉમેશ મહેતા કહે છે, “લગ્નમાં આવેલા મહેમાનોને અમે વિનંતિ કરી હતી કે ગિફ્ટ કે ચાંદલો આપવાને બદલે રક્તદાન કરે. લગ્ન બાદ કુલ ૩૧૬ બોટલ લોહી એકત્ર થયું હતું. એ રક્તથી તુલા કરવામાં આવી હતી. અમારો આશય આંગણે હરખનો ઉત્સવ હોય ત્યારે સમાજસેવા કરવાનો હતો. આ રક્ત થેલેસેમિયા પીડિત બાળકોને અને જરૃરિયાતમંદોને અપાયું હતું.

વડોદરાના તબીબ ડૉ. આર.બી. ભેસાણિયાએ લગ્નપ્રસંગની ઉજવણી બાબતે નવો ચીલો ચાતર્યો છે. તેઓ પોતાના પરિવારમાં લગ્નપ્રસંગે રક્તદાન શિબિર યોજે છે. લગ્નમાં આવનાર મહેમાનોને નવદંપતીને આશીર્વાદ આપવાની સાથે રક્તદાન કરવાની પણ અપીલ કરે છે. વર-વધૂની સાથે બંને પરિવારોના સભ્યો પણ રક્તદાન કરે છે. નવેમ્બર ૨૦૧૪માં તેમની દીકરી ડૉ. ધ્વનિનાં લગ્ન રાજકોટના ડૉ. જય પંડ્યા સાથે થયાં હતાં. આ પ્રસંગે ૧૦૦ મુસ્લિમ યુવકોની સાથે કુલ ૩૭૮ લોકોએ રક્તદાન કર્યું હતું. એકત્ર થયેલ ૪૦૦ બોટલ રક્તથી નવદંપતીની રક્તતુલા કરવામાં આવી હતી. જેમાં નવદંપતી સહિત આમંત્રિત મહેમાનોએ પણ રક્તદાન કર્યું હતું. આટલી મોટી સંખ્યામાં લગ્ન સમારંભમાં રક્તદાન થયું હોય તેવો આ પહેલો પ્રસંગ હતો. તેથી જ આ ઘટનાને આ વર્ષે ગિનિસ બુક અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિતની બુકમાં એન્ટ્રી મળનાર છે.

આ પ્રસંગે આમંત્રિતોમાંથી ૩૦ લોકોએ સંપૂર્ણ દેહદાન જ્યારે ૪૨ મહેમાનોએ શરીરનાં વિવિધ અંગો દાન કરવા માટેના શપથ લીધા હતા. અગ્નિની સાક્ષીએ થતા સાત ફેરામાં ડૉ. ભેસાણિયાનાં દીકરી ડૉ. ધ્વનિ અને તેમના પતિ ડૉ. જય પંડ્યાએ સમાજને ઉપયોગી સાત શપથ લીધા હતા. જેમાં સ્ત્રી ભ્રૂણહત્યા નહીં કરીએ, જીવતાં સુધી રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન કરીશું, વ્યસનમુક્ત સમાજ માટે કાર્ય કરીશું, પર્યાવરણની જાળવણી કરીશું, ગામડાંના વિકાસ માટે તથા અનાથ બાળકો માટે કાર્ય કરીશું જેવા સંકલ્પો હતા.

આવો વિચાર કેવી રીતે આવેલો તે અંગે ડૉ. આર.કે. ભેસાણિયા કહે છે, “લગ્નમાં લોકો બેફામ ખર્ચ કરતા હોય છે. મોટી ઈવેન્ટ યોજવી, મોંઘામાં મોંઘી ડિશ પીરસવી, ડીજે પાર્ટી યોજવી વગેરે. આ બધા ભપકા પાછળ બેફામ પૈસા વેડફાતા હોય છે. હું માનું છું કે કોઈનું જીવન બચાવે તેવો પ્રયત્ન થવો જોઈએ. આથી મેં મારા પરિવારમાં થતાં લગ્નોમાં આ વિચારને અમલમાં મૂક્યો. જેને સૌએ મળીને વધાવી લીધો. હવે તો અમારા પરિવારમાં એક વણકહ્યો નિયમ બની ગયો છે કે જેનાં પણ લગ્નની વાત ચાલતી હોય સામેવાળા લગ્નમાં રક્તદાનનો કાર્યક્રમ કરવા તૈયાર હોય તો જ વાત ફાઈનલ કરવી, બાકી નહીં.”

ડૉક્ટર ભેસાણિયા હવે તો જે તે જ્ઞાતિનાં સમૂહલગ્નોમાં પણ આવા રક્તદાન કેમ્પ કરાવી રહ્યાં છે. જેને સારો આવકાર મળી રહ્યો છે. રક્તદાન અંગે સમાજમાં જાગૃતિ આવે તે માટે તેઓ લગ્ન સમારંભોમાં કેટલાંક સૂત્રો લગાવે છે. જેમ કે, નો ડાઉરી, નો ગોલ્ડ, ડોનેટ ઓન્લી રેડ ગોલ્ડ(એટલે કે લગ્નમાં દહેજ, સોનું નહીં પણ રક્તદાન કરો). બીજું એક સૂત્ર છે, દહેજમાં દૃષ્ટિદાન ચાંદલામાં રક્તદાન. હવે તો તેમના આ વિચારને તેમના સગાંસંબંધીઓ પણ અનુસરતા થયા છે. એ પ્રમાણે સુરત, વડોદરા સહિત અન્ય શહેરોમાં રહેતાં તેમના સંબંધીઓ પણ પોતાના પરિવારમાં લગ્નપ્રસંગે રક્તદાન કરાવતા થયા છે.

સાદાઈથી લગ્નઃ ગરીબ બાળાઓને સહાય
સંપન્ન અને ખ્યાતનામ લોકો સાદાઈથી સંતાનોનાં લગ્ન કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડે. આવો એક કિસ્સો ગોંડલમાં બન્યા.ત્રણ ટર્મથી ગોંડલના ધારાસભ્ય ચૂંટાતા જયરાજસિંહ જાડેજાનાં પુત્રી દર્શનાબાનાં લગ્ન કોઈ ઝાકઝમાળ વિના સાદાઈથી યોજીને ખર્ચની રકમ બાળાશ્રમની બાળાઓનાં લગ્ન માટે તથા ગરીબ બાળાઓના શિક્ષણ માટે ખર્ચવામાં આવી. દર્શનાબાએ એમ.કોમ., એલએલબીનો અભ્યાસ કર્યો છે. પિતાએ દીકરીની ઇચ્છાને માન આપી લગ્નની સાથે સમાજને એક નવો રાહ ચીંધ્યો હતો.

ચાંલ્લો ગરીબોની સારવારમાં અર્પણ
મુળ અમદાવાદના એક એનઆરઆઇએ પોતાના પુત્રનાં લગ્ન બાદ યોજેલા રિસેપ્શનમાં મળેલી ચાંલ્લાની રકમ ગરીબ લોકોની સારવાર કરતી રોટરી ક્લબની સ્માઇલ ઓન વ્હિલને અર્પણ કરીને સમાજસેવાનું ઉદાહરણ આપ્યું છે. ૨૭ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ એનઆરઆઇ રાજેશભાઈ કેશવાણીના પુત્રના લગ્ન નિમિતે રિસેપ્શન યોજાયું હતું.  રાજેશભાઈએ આમંત્રિતોને કહ્યું કે ચાંલ્લાની જે રકમ તેઓ લાવ્યા છે તેમના જ નામ સાથે સ્ટેજ પાસેના સ્માઇલ ઓન વ્હિલ પ્રોજેક્ટના ટેબલ પર જમા કરાવી દેશો પ્લીઝ!

આ બાબતે સ્માઇલ ઓન વ્હિલ પ્રોજેક્ટના કન્વીનર ડૉક્ટર અનિલ ખત્રી કહે છે, “રાજેશભાઈની આ રીત અત્યંત સારી એટલા માટે હતી કે, આનાથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે. સ્માઇલ ઓન વ્હિલ પ્રોજેક્ટ એક હરતીફરતી ડિસ્પેન્સરી છે જે ગરીબ અને સ્લમ વિસ્તારમાં જાય છે, જે દર્દીઓ પૈસાના અભાવે દવાખાનાં સુધી નથી પહોંચી શકતા તેમને તેમના આંગણે જઇને સારવાર આપવામાં આવે છે. સ્માઇલ ઓન વ્હિલ દ્વારા એક્સ-રે, લોહીની તપાસ, ચેકઅપ, દર્દીની સારવાર અને દવાઓ મફત અ૫ાય છે.”

પુત્રનાં લગ્ન સાદાઈથી કરી રકમ દાન કરી
લગ્નપ્રસંંગે લાખો રૃપિયાનો ખર્ચ કરવાને બદલે કર્ણાવતી ક્લબના પૂર્વ પ્રમુખ ગિરીશ દાણીએ પુત્ર સૌમિલ દાણીનાં લગ્ન અત્યંત સાદગીથી કર્યાં. આ અંગે ગિરીશ દાણી કહે છે કે લગ્નપ્રસંગો પાછળ થતો ખર્ચ મારી દૃષ્ટિએ નાણાંનો વેડફાટ જ છે. લગ્ન પહેલાં સૌમિલે જ સામેથી મને કહ્યું, “મારાં લગ્ન સાદાઈથી કરીને લગ્નમાં વાપરવાની રકમ ગરીબોને દાનમાં આપી દેજો.” પુત્રવધૂ ડો. અર્પિતાએ  પણ સાદગીથી લગ્ન કરવાના સૌમિલના સૂરમાં સૂર પુરાવ્યો. તેથી લગ્ન અત્યંત સાદગીભર્યા માહોલમાં ભાવનગરના તલગાજરડા ખાતે મોરારિબાપુના આશ્રમમાં સંપન્ન થયાં. મોરારિબાપુએ અમારી વાત વધાવી લીધી અને કહ્યંુ, “તમે આશ્રમમાં આવો ગામમાં વરઘોડો હું કાઢીશ. દાનમાં સૌથી વધુ રકમ અત્યંત ગરીબ ઘરની દીકરીઓનાં લગ્ન માટે આપી. ઉપરાંત કેટલીક રકમ અમદાવાદના નાણાંના અભાવે આગળ ભણી ન શકતા ગરીબ વિદ્યાર્થીઓને આપી. દાનનો આંકડો જાહેર કરવાનું તેમણે ટાળ્યું હતું. તેમના મતે દાન હંમેશાં ગુપ્ત રાખવુંં જોઈએ.

કન્યાદાનની રકમ કન્યા કેળવણીમાં ફાળવી
નવસારીના જલાલપોર તાલુકા એંથાણ ગામના મુકેશભાઈ નાયકે પોતાની દીકરીના લગ્નપ્રસંગે અનોખું દાન કરીને અનાવિલ સમાજને નવો રાહ ચીંધ્યો છે. મુકેશભાઈએ પોતાની દીકરી શૈલીના ૧૭ જાન્યુઆરીના રોજ યોજેલા લગ્નપ્રસંગે કન્યાદાનમાં મળેલી રૃપિયા બે લાખ જેટલી રકમને કન્યા કેળવણી માટે બૃહદ અનાવિલ સમાજને દાન કરી દીધી હતી. આ બાબતથી લોકોને અવગત કરાવવા માટે તેમણે લગ્ન સમારોહના ગેટ પાસે બેનર પણ મૂક્યું હતું. સમાજવાસીઓએ મુકેશભાઈની આ પહેલને આવકારીને નવદંપતીને શુભેચ્છાઓ પાઠવી હતી.

લગ્નમાં ખોટા ખર્ચા શા માટે?
અમદાવાદમાં રહેતાં હિનલબહેન પટેલ કહે છે કે, “એક વર્ષ પહેલાં મારાં લગ્ન થયાં હતાં. લગ્નમાં ખોટો ખર્ચો કરવાનું ટાળીને અમે સાદગીપૂર્વક મંદિરમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન માટેની જે કંઈ રકમ હતી તે અમે ટ્રસ્ટમાં દાનમાં આપી દીધી હતી. આ દાનનો ઉપયોગ સમાજ કલ્યાણનાં કાર્યો માટે કરાયો હતો.”  કેટલાંક યુગલો ચાંલ્લાની રકમનું દાન કરી દીધું છે તો કેટલાંક યુગલે બ્લડ બેંકને દાન કર્યું. કેટલાંક યુગલે રિસેપ્શનનો ખર્ચો ટાળી તે રકમ સમાજકલ્યાણ માટે દાનમાં આપી. એક યુગલે  પર્યાવરણને નુકસાન ન પહોંચે અને તેનું જતન કરવાના સંદેશ સાથે માંગલિક પ્રસંગ પાર પાડ્યો હતો. એક ધનાઢ્ય પરિવારની પુત્રીએ પોતાનાં લગ્નમાં વૃદ્ધાશ્રમના વડીલો, અપંગ માનવમંડળના વિદ્યાર્થીઓ, મૂક-બધિર શાળાનાં બાળકો તેમજ કન્યા કેળવણીના વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવા માટે આમંત્રણ આપ્યું હતું. એક યુગલે તો લગ્ન બાદ વિધવાઓના આશીર્વાદ લઇને સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઉદાહરણ સૂચવે છે કે યુવા પેઢી સમાજમાં  પરિવર્તન ઇચ્છે છે. આશા રાખીએ કે માનવતાના આ પ્રકારના ઉમદા કામમાં વધુ ને વધુ યુવાનો જોડાતા રહે.
માહિતીઃ નરેશ મકવાણા, હિરેન રાજ્યગુરુ, પારુલ ચૌધરી, સોનલ અનડકટ,
મનિષા શાહ-અમદાવાદ, દેવેન્દ્ર જાની-રાજકોટ

You might also like