લગ્ન નજીકમાં છે? તો રાખો આટલી કાળજી

જે યુગલનાં લગ્ન થવાનાં હોય તેમણે લગ્નના બે મહિના અગાઉથી તબિયતનું ધ્યાન રાખવાનું શરૃ કરી દેવું જોઈએ. લગ્નની દોડધામમાં આપણે આપણી પાછળ ધ્યાન જ ન આપી શકીએ તેમ ન બનવું જોઇએ. વ્યસ્ત શિડ્યુલના કારણે ગમે તે પેટમાં પધરાવી દેવામાંથી પણ બચવું જોઈએ. ડાયટ અને એક્સરસાઇઝ એ રૃટિન પ્રોસેસ છે. તેનાથી એકાદ દિવસમાં કંઈ મળતું નથી આ એક લોંગ પ્રોસેસ છે.

ડાયટિશિયન સીમા શાહ કહે છે કે, “જે વ્યક્તિનાં નજીકમાં લગ્ન થવાનાં હોય તેવાં છોકરા-છોકરીઓએ ઓછામાં ઓછા બે-ત્રણ મહિના પહેલાં બહારનું જમવાનું બંધ કરી દેવું જોઇએ. ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, ઘરમાં બનાવેલી ગળી વસ્તુઓ કે બહારની મીઠાઈઓ, તળેલું, તીખું ખાવાનું બંધ કરી દેવું જોઈએ. જે ખોરાકમાં ફક્ત ફેટ સિવાય કંઈ હોતું નથી, જેની ન્યુટ્રિશન વેલ્યૂ ઝીરો છે તેવો ખોરાક આરોગીને લગ્ન પહેલાં બીમાર ન પડતા. આ ઉપરાંત મીઠાનો ઉપયોગ પણ ઘટાડી દેવો જોઇએ. જે વ્યક્તિ ખોરાકમાં મીઠું ઓછું ખાય તેની સ્કિન આપમેળે જ ગ્લો કરવા લાગે છે. આ ઉપરાંત રોજિંદા આહારમાં લિક્વિડનું પ્રમાણ વધારવું. દૂધ, લીંબુ શરબત, ફ્રૂટ જ્યૂસ, નાળિયેર પાણી, છાશ જેવાં નેચરલ ડ્રિંક્સ લેવાં. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો તમે ખજૂર-અંજીર અને ડ્રાયફ્રૂટ્સવાળું દૂધ પણ પી શકો છો.

તેનાથી તમને રિઅલ એનર્જી મળશે.  આ ઉપરાંત તમે ગાજર, કાકડી અને બીટનો રસ પીવાનું શરૃ કરી શકો છો. તેનાથી લિવર સાફ થાય છે અને તમારા એનર્જીના સ્તરમાં પણ વધારો થાય છે. બને તેટલા વધુ પ્રમાણમાં શાકભાજી ખાવ, સલાડ ખાવ અને ઘરે બનાવેલો સૂપ અને જ્યૂસ પીવો. આ ઉપરાંત પાણી પણ વધુ પ્રમાણમાં પીવું. તે તમારા શરીરમાં મોઇશ્ચર જાળવી રાખશે. ત્વચા અને શરીરની સફાઇ માટે પાણી એક પ્રાકૃતિક દવા સમાન છે. જો શક્ય હોય તો તમારા ખોરાકમાં ૪૦ ટકા લિક્વિડ અને ૬૦ ટકા સોલિડ ફૂડને સ્થાન આપો.

મેળવો ઈનર ગ્લો
આ ઉપરાંત બે-ત્રણ મહિના અગાઉ પ્રાણાયામ કરવાનું શરૃ કરી દેવું જોઈએ. જેના કારણે ત્વચાને ઓક્સિજન મળે અને બાહ્ય ટ્રીટમેન્ટની વધુ પડતી જરૂર ન પડે. યોગ-પ્રાણાયામથી ત્વચામાં નિખાર આવે છે, મેન્ટલી તેમજ ફિઝિકલી રિલેક્સ થવાય છે. જે વ્યક્તિ ડેઇલી એક્સરસાઇઝ કરતી હશે તેને પાર્લરમાં બહુ પૈસા ખર્ચવાની જરૃર નહીં પડે. તેની સ્કિન કોઈ ટ્રીટમેન્ટ વગર જ ચમકવા લાગશે. બે-ત્રણ મહિના અગાઉ શક્ય ન હોય તો એટલીસ્ટ એકાદ મહિના અગાઉ તો વ્યાયામની શરૂઆત થવી જ જોઇએ.

આ પણ ધ્યાન રાખો
તમારી ત્વચાને સન પ્રોટેક્શન પણ આપો. જેથી લગ્નના એ અતિ મહત્ત્વના પ્રસંગે જ ત્વચા ટૅન ન થઇ જાય. બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લોશન અચૂક લગાવો. કોઈ પણ સારી કંપનીનો મડ ક્લીન્ઝિંગ ફેસ માસ્ક લગાવો. તે ત્વચાને અંદરથી સાફ કરશે. વિટામિન-ઈયુક્ત બોડીલોશન લગાવો. વાળમાં આલમન્ડ અને ઓલિવ ઓઇલથી મસાજ કરો. માઇલ્ડ શેમ્પૂથી જ વાળ ધોવાનો આગ્રહ રાખો. ઉજાગરા અને થાકના કારણે અંડર આઇ સર્કલ કે ડાર્ક સર્કલ ન થઇ જાય તે માટે સૂતી વખતે કાકડીને ગોળ કાપીને આંખ પર મૂકો અથવા બટાકાની છાલ પણ મૂકી શકો. રોજ લિપબામ લગાવવાનું ન ભૂલતાં.

ભૂમિકા ત્રિવેદી

You might also like