પુત્રનાં લગ્ન માટે જમા કરેલા ૫૦ હજાર બેન્ક બહાર ભીડમાં ચોરાયા

અમદાવાદ: દીકરાના લગ્નનું સપનું પૂરું કરવા માટે મહામહેનતે એકઠા કરેલા રૂ.પ૦૦ અને ૧,૦૦૦ના દરની નોટો બેન્કમાં જમા કરાવવા માટે ગયેલા પિતાના ખિસ્સામાંથી રૂ.પ૦,૦૦૦ ચોર કંપનીએ સિફતપૂર્વક સેરવી લીધા હતા. આ ઘટનાના પગલે નરોડા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી ચોર કંપનીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

આ ઘટનાની વિગત એવી છે કે સૈજપુરબોઘા વિસ્તારમાં આવેલ ગિરિવન સોસાયટીમાં રહેતા રમેશ બંસીલાલ કાણે હીરાવાડી પાસે આવેલ કારખાનામાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.  તા.ર૬ નવેમ્બરના રોજ તેમના દીકરા પ્રકાશનું લગ્ન નક્કી કરેલ છે.  દીકરાના લગ્ન માટે રમેશભાઇ દિવાળીમાં આવેલ બોનસ તથા બચત કરેલા રૂ.પ૦,૦૦૦ ગઇ કાલે નરોડા વિસ્તારમાં આવેલ એસબીઆઇમાં જમા કરાવવા માટે ગયા હતા.

બેન્ક મેનેજરે બેન્કની બહાર આવી રૂપિયા ભરવા માટે ફોર્મનું વિતરણ શરૂ કર્યું હતું, જેથી ફોર્મ મેળવવા માટે ટોળું એકઠું થઇ ગયું હતું. ટોળામાં રમેશભાઇ પણ ફોર્મ મેળવવા ગયા હતા, જ્યાં ગ્રાહક બનીને આવેલી ચોર ટોળકીએ રમેશભાઇના ખિસ્સામાંથી રૂ.પ૦,૦૦૦ સેરવી લીધા હતા.

ફોર્મ ભર્યા બાદ બેન્કમાં જ્યારે રૂપિયા જમા કરાવવા માટે રમેશભાઇએ ખિસ્સામાં હાથ નાખતાં રૂપિયા તથા બેન્કની પાસબુક ન મળતાં તેઓ હેબતાઇ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like