લગ્ન મંડપમાં ગન લઈને ગઈ ન હતીઃ દુલ્હાનું અપહરણ કરનાર યુવતીએ કહ્યું

હમીરપુર: ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એક લગ્ન દરમિયાન દુલ્હાને મંડપમાંથી ઉઠાવીને લઈ જનારી ગર્લફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી છે, જોકે આ યુવતીએ એ આક્ષેપને રદિયો આપ્યો છે કે મેં ગન બતાવીને દુલ્હાનું લગ્નમંડપમાંથી અપહરણ કર્યું ન હતું.

આ ઘટના હમીરપુર જિલ્લાના મૌદહા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસે આ યુવતી નેહા (નામ બદલેલ છે)ની બુધવારે મોડી રાતે ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે હું અશોકને છેલ્લાં આઠ વર્ષથી ઓળખતી હતી. લોકો વાત કરે છે કે હું લગ્નમંડપમાં ગન લઈને ગઈ હતી એ વાત બકવાસ છે. હું કોઈ ગન-બન લઈને ગઈ ન હતી. મારી સાથે અશોકનો મિત્ર રાહુલ પણ હતો. ત્યાં પહોંચ્યા બાદ અમે જોતાં હતાં કે અશોક ક્યાં છે, જ્યારે તે મળ્યો નહીં તો અમે ત્યાં ઉપસ્થિત બાળકોને અશોક અંગે પૂછ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ગાડીમાં આરામ કરી રહ્યો છે. ત્યાં ગયાં તો પહેલાંથી જ અશોકનો ચહેરો ઊતરેલો હતો, કારણ કે તે દિલથી લગ્ન કરી રહ્યો ન હતો. લગ્ન કરવાનો તેનો કોઈ મૂડ ન હતો. અશોકે પોતાના ઘર પરિવારના તમામ લોકોને અમારા સંબંધોની વાત કરી હતી.

છોકરીવાળાંઓને પણ ખબર હતી કે છોકરો કોઈ બીજાને પ્રેમ કરે છે, પરંતુ તેમણે જણાવ્યું હતું કે અમારી છોકરી એ બધું સંભાળી લેશે. તેમ છતાં અશોક લગ્ન કરવા તૈયાર ન હતો. અમે ત્યાં જઈને કારનો કાચ ખટખટાવ્યો તો તે આપોઆપ આવી ગયો હતો. અમે કોઈ પિસ્તોલ લઈને ગયાં ન હતાં. આ બધી વાતો ખોટી છે. લગ્નસ્થળે હાજર લોકોના જણાવ્યા પ્રમાણે આ યુવતી અશોકને ખેંચીને પોતાની સાથે લઈ ગઈ હતી અને સાથીઓની મદદથી તેને કારમાં બેસાડીને ફરાર થઈ ગઈ હતી.
http://sambhaavnews.com/

You might also like